વડોદરાના નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો કરનારા 10 આરોપી પૈકી 5 ને કોરોના પોઝિટિવ.
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમજ કોરોના સામે લડતા ફ્રન્ટ વોરિયર્સ જેવા કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, મીડિયા કર્મીઓ, સ્વચ્છતા કર્મીઓ પણ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે, ત્યારે આજે વડોદરાથી પોલીસ બેડામાં હડકમ્પ મચાવતા સમાચાર સામે આવ્યા છે.
સોમવારે વડોદરાના નાગરરવાડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી ત્યારે કારેલીબાગ પોલીસે 10 વ્યક્તિઓની આ મામલે ધરપકડ કરી હતી. આ 10 વ્યક્તિઓ પૈકી 5 વ્યક્તિઓમાં કોરોના પોઝિટિવ આવતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં હડકમ્પ મચી ચુક્યો છે. રાજ્યના પોલીસકર્મીઓ ક્યાંકને ક્યાંક કોરોના વોરિયર્સ તરીકે પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે ત્યારે આવી ઘટના સામે આવતા પોલીસકર્મીઓની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા અન્ય આરોપીઓના ટેસ્ટિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ પોલીસકર્મીઓના ટેસ્ટિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ રિપોર્ટ પર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે કારણકે જો રિપોર્ટ પોઝિટિવ આવે તો પોલીસકર્મીઓમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે અને આંકડો ઉપર પહોંચી શકે છે.