કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા, આ તારીખથી ખુલવામાં આવશે સલૂન અને બ્યુટી પાર્લરની દુકાનો...
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ કોરોના વાયરસના વધી રહેલા ખતરાને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉનના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ત્રીજી મેના રોજ ખતમ થતું લૉકડાઉન હવે 17મી મે સુધી લાગૂ રહેશે. ગૃહ મંત્રાલયે આ સાથે જ દેશના કુલ 733 જિલ્લાઓને કોરોનાના કેસના આધારે ત્રણ ઝોનમાં વહેંચી દીધા છે. જેમાં ગ્રીન, ઑરેન્જ અને રેડ ઝોનનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી કોઈ પણ ઝોનમાં સલૂન કે હજામની શૉપ ખોલવાની મંજૂરી ન હતી, પરંતુ હવે ગૃહમંત્રાલયે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે ચોથી મેના રોજ શરૂ થઈ રહેલા લૉકડાઉનના ત્રીજા તબક્કામાં ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં હજામ અને સલૂન ખોલવાની પરવાનગી હશે.
ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે ગ્રીન અને ઑરેન્જ ઝોનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા બીન-જીવનજરૂરી સામાનના વેચાણ પર કોઈ જ પ્રતિબંધ નહીં હોય. ગૃહ મંત્રાલયે રેડ ઝોનમાં 130 જિલ્લા, ઑરેન્જ ઝોનમાં 284 જિલ્લા અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લાનો સમાવેશ કર્યો છે. ગ્રીન ઝોનના જિલ્લાઓમાં હજામની દુકાન, સૂલન સહિત જરૂરી સેવા પૂરી પાડતી દુકાનો ચોથી મેના રોજ ખોલી શકાશે.
ત્રણેય ઝોનમાં રાખવામાં આવશે આ પ્રતિબંધ:
ત્રણેય ઝોનમાં 65 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિ, બીમાર હોય તેવી વ્યક્તિ, ગર્ભવતી મહિલા, 10 વર્ષથી નીચેની ઉંમરનું કોઈ પણ બાળક કોઈ જરૂરી કામકાજ અથવા સ્વાસ્થ્યનું કારણ હોય તો જ બહાર નીકળી શકશે. તમામ ઝોનમાં સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવા પર પણ પ્રતિબંધ રહેશે. ત્રણેય ઝોનમાં મેડિકલ અને ઓપીડી શરૂ રહેશે. આ સાથે સામાજિક અંતર અને માસ્ક પહેરવાના આદેશનું પાલન કરવું પડશે.