બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાના ઐતિહાસિક કહેરનું વર્ષ.

એ ક વર્ષ પહેલાં સાન્તાક્લોઝ દ્વારા ઢગલાબંધ ભેટો સાથે અઢળક ખુશી મેળવીને નાતાલનો તહેવાર ક્રિસમસ ટ્રી અને રંગબેરંગી બોલ્સ તેમજ સ્ટારના લાઇટીંગ ડેકોરેશન સાથે ઉજવાયો હતો. દેશમાં સર્વત્ર ગુલાબી ઠંડી સાથે..મૌસમ મ્હેંકી ઊઠી હતી. ૩૧મી ડિસેમ્બરની મધ્યરાત્રીએ. એટલે કે બરોબર બારના ટકોરે. આખા દેશમાં ફટાકડાઓ ફોડીને નવા વર્ષના આગમનને વધાવવામાં આવ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૨૦ અને બુધવાર, એટલે કે વિક્રમ સંવત ૨૦૭૬, પોષ સુદ છઠ્ઠના રોજ સવારે ૭ અને ૨૦ મિનિટે સૂર્યદર્શન સાથે નવ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો હતો ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે આ વર્ષ એ ઇતિહાસમાં કેવા સ્વરૂપે નોંધાશે ? માનવ-જગતના ઇતિહાસમાં તેની જીવન-શૈલીમાં તેના વિચાર-વર્તનમાં કેવું પરિવર્તન લાવશે ? કોઈ જ્યોતિષ, મહાજ્યોતિષ કે જ્યોતિષાચાર્યને પણ ખબર ન હતી કે..આ ૨૦૨૦નું વર્ષ એ માનવ જગત માટે જીવ બચાવવા ફાંફા મારવા પડે તેવું હશે ? સિદ્ધિ સફળતા કે વિકાસના ગ્રાફ જોવાનો બદલે રોજ કેટલા મર્યા ? તેનો ગ્રાફ જોનારું આ વર્ષ બની રહેશે !

જેવી રીતે ૨૦મી સદીમાં ૧૯૧૮ 'સ્પેનિસ ફ્લુ' કે જેમાં પાંચ કરોડથી વધુ વિશ્વના નાગરિકો મૃત્યુ પામ્યા હતા તેવી રીતે યાદ રખાય છે તેમ ૨૧મી સદીનું ૨૦૨૦નું વર્ષ માનવજગતના ઇતિહાસમાં કોરોના વાયરસરૂપે મચાવેલ વૈશ્વિક હાહાકારને લીધે શોકની શાહીથી લખાયેલું રહેશે.

૨૦૧૯ ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં આ વાયરસે સૌ પ્રથમ દેખા દીધી તે કોરોના વાયરસ ડિસીઝ-૧૯ (Covid-19) તરીકે ઓળખાયો. આ રોગના મુખ્યત્વે લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો અને ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ છે.

વુહાન શહેરમાં ઘણા ભારતીયો રહેતા હોઈ ભારતીયોને એરલિફ્ટ કરવાની ચીને ૨૮મી જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. ફેબુ્રઆરીના પ્રારંભે વુહાનથી ૩૨૪ ભારતીયોને લઇને વિમાન દિલ્હી આપ્યું હતું. જે બધાને ડોક્ટરોની નજર હેઠળ ક્વોરન્ટાઇન કરાયા હતા.

ભારતમાં કોરોનાના દર્દી સૌ પ્રથમ કેરળ, દિલ્હી, હૈદ્રાબાદ અને જયપુરમાં દેખાયા. ચોથી માર્ચે પ્રથમ ૧૦ કેસો ભારતમાં નોંધાયા હતા. ૧૫મી માર્ચે કેન્દ્ર સરકારે કોરોનાને રાષ્ટ્રીય આપદા જાહેર કરી.

વીસમી માર્ચ સુધીમાં કોરોના વિશ્વના ૧૦૩ દેશોમાં કોરોના ઘર કરી ગયો હતો અને અઢી લાખ કેસો તેમજ ૧૦૦૦૦ના મૃત્યુ થઇ ગયા. જેને પગલે વડાપ્રધાન મોદીએ ૨૨ માર્ચને રવિવારે જનતા કરફ્યુની અપીલ કરી.

ભારતમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ ૧૨મી માર્ચના રોજ કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં ૭૬ વર્ષના એક નાગરિકનું થયું. આ વ્યક્તિ સાઉદી અરેબિયાથી ચેપ લઇને ભારત પરત ફર્યો હતા ૧૩મી માર્ચે ભારતમાં સૌ પ્રથમ મહિલાનું મૃત્યુ થયું જેના પુત્રો સ્વિત્ઝર્લેન્ડ અને ઇટાલીથી ઘેર ભારત આવ્યા હતા અને કોરોનાને લાવ્યા હતા.

ભારતમાં કોરોનાના કેસ વધતા જ જતા હોઈ ૨૫ માર્ચના રોજ પ્રથમ લોકડાઉન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ ટીવી ભાષણ દ્વારા ૨૧ દિવસ માટે જાહેર કર્યું હતું. લોકડાઉન છતાં કેસો અને મૃત્યુ વધતા જ જતા હોઈ વધુ બે લોકડાઉન લંબાવીને કુલ ૬૮ દિવસ સમગ્ર દેશ તમામ રીતે બંધ રહ્યો.

લોક ડાઉનના આવા નિર્ણયને આજે પણ મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે કેમ કે એક તરફ કોઈપણ જાતની પૂર્વ સૂચના વગર રાતોરાત લોકડાઉન જાહેર થતા એક કરોડથી વધુ શ્રમિકોએ હિજરત કરી એ જે દારૂણ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. તો બીજી તરફ લોકડાઉનને લીધે દેશના નાના ફેરિયાથી માંડી મોટા ઉદ્યોગો, વેપાર-ધંધા, રોજગારી પર ઐતિહાસિક કારમો ફટકો પહોંચ્યો. જોકે લોકડાઉનને લીધે કોરોનાને પાછો ઠેલી વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં તારાજી ઓછી પણ થઈ.

પ્રત્યેક મહિને કોરોનાના દર્દીઓના વધતા જતા આંક અને મૃતકની સંખ્યાનો ગ્રાફ એ હદે ઉંચો જતો ગયો કે નાગરિકો ભય અને ફફડાટના ઓથાર હેઠળ આવી ગયા.

હોસ્પિટલો ભરચક બની, ફુટપાથ, મેદાનો, શાળા, કોલેજોમાં રેલવે કોચમાં બેડ ઉભા કરવા પડયા. સ્મશાનો, કબ્રસ્તાનો, અંતિમ ક્રિયા માટેની જગા પણ પ્રાપ્ય નહોતી. લોકડાઉન અને અનલોકમાં પણ નિયંત્રણ અને ચેપનો ભય હોઈ ટુરિઝમ મનોરંજનનો ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો. રેલવે, એર, લોકલ, મેટ્રોના પૈડા પણ થંભી ગયા. જોવાલાયક સ્થળો, મંદિરોએ તાળા લાગી ગયા. ઓનલાઈન કલ્ચર, વેબિનાર, ઝૂમ-ગૂગલ મીટનો જમાનો આવ્યો.

માસ્ક, સેનેટાઇઝર, બે વ્યક્તિ વચ્ચે ત્રણ ફૂટના અંતર અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર જામ્યું. જાણે માનવ જગતની જીવન શૈલી બદલાઈ ગઈ. ભારતમાં કોરોનાનાં તમામ પાસાઓને સચિત્ર થોકબંધ તસવીરો સાથે દસ્તાવેજી જેમ સાચવી રખાય તે હેતુથી આ વિશેષ પૂર્તિ બનાવાઈ છે.

માનવજગતની વર્ષના અંતે એવી જ પ્રાર્થના છે કે 'ભગવાન હવે ખમ્મા કરો. અમારી ભૂલચૂક માફ કરશો. નવા વર્ષમાં જેમ બને તેમ ફરી અગાઉ વર્ષો જેવું ધબકતું, ચહકતું અને મહેકતું જીવન અમારે જીવવું છે. અમને 'ન્યુ નોર્મલ' નહીં 'નોર્મલ' જીવનની તલાશ છે.' ચાલો,આપણે પણ કોરોનાને લીધે જે પણ બોધપાઠ આપ્યો છે તે તેને પામી જઈ આપણા તન, મન અને વૃત્તિને સ્વસ્થ રાખીએ અને પૃથ્વીનું પર્યાવરણ પણ પારદર્શક બનાવી દઈએ.