રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં કોરોનાની એન્ટ્રી, મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ...
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દેશમાં સૌથી વધારે સુરક્ષિત ગણાતા રાષ્ટ્રપતિ ભવનમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઇ ચુકી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ચુક્યો છે. આ મહિલા પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવનના કેમ્પસમાં જ રહે છે. આ સમગ્ર વાતની પુષ્ટિ થયા બાદ રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને અઈશોલેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આ વાતની પુષ્ટિ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગે કેમ્પસમાં રહેતા 125 પરિવારોને ક્વોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ જે બ્લોકમાંથી કોરોના પોઝીટીવ મળી આવ્યો છે ત્યાં 25 જેટલા અન્ય પરિવારોને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ લોકોનું ભોજન રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવે છે.