કોરોનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, આ 4 મહાનગરો થશે લોકડાઉન... આ મહત્વની સુવિધાઓ થશે ઉપલબ્ધ...
કોરોનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે..
- ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન
- સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન
- 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય
- ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય
- કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ
- મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ
- જાહેરનામા ભંગ બદલ કાનૂની કાર્યવાહી
- જીવન જરૂરિયાત વસ્તુઓ રહેશે ઉપલબ્ધ
- મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવા મંજૂરી
- આરોગ્યલક્ષી સેવાઓ જ બનશે ઉપલબ્ધ
- તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ખુલ્લા રાખી શકાશે.
અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ મહાનગરોમાં દવાઓ-તબીબી ઉપકરણો-શાકભાજી-કરિયાણુ-જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો-સંસ્થાઓ અને અન્ય જીવન આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો-મોલ્સ રપ માર્ચ-ર૦ર૦ સુધી સંપૂર્ણ બંધ રહેશે
અમદાવાદમાં ૧ર૦૦ બેડ-સુરત-પ૦૦ બેડ- રાજકોટ-રપ૦ બેડ-વડોદરા-૨પ૦ બેડની ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે
કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
આગામી બુધવાર, તા.ર૫ માર્ચ-ર૦ર૦ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.
આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.
આ વૈશ્વિક મહામારી સામે દ્રઢતાપૂર્વક લડત આપવા સાથે આ વાયરસની ઓછામાં ઓછી અસર થાય તેવા આગોતરા આયોજનને પણ બેઠકમાં ઓપ આપવામાં આવ્યો હતો.
તદ્દઉપરાંત, અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ૧ર૦૦ બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારને વિશેષ જિમ્મેદારી સોપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય ૩ મહાનગરો રાજકોટમાં રપ૦ બેડ, વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરીત કાર્યરત કરી દેવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી એ આપી હતી.
કોર કમિટીની આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, અગ્ર સચિવશ્રીઓ એમ. કે. દાસ, શ્રી કમલ દયાની, શ્રીમતી જ્યંતિ રવિ, સચિવ શ્રી અશ્વિનીકુમાર, હારિત શુકલા અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત હતા. આ ઉપરાંત તબીબી સેવાઓના વરિષ્ઠ તજ્જ્ઞ તબીબો પણ આ બેઠકમાં જોડાયા હતા.