બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજથી સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 નો પ્રારંભ: અલગ અલગ ઝોન પ્રમાણે આપવામાં આવશે આટલી છૂટછાટ...

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના વધી રહેલા પ્રસારને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા 4 મેથી 17 મે સુધી લંબાવાયેલા લૉકડાઉનનો અમલ આજથી સોમવારથી શરૂ થઇ જશે. લૉકડાઉનના આ ત્રીજા એપિસોડમાં સરકાર દ્વારા કોરોના મહામારીનો પ્રસાર ધરાવતા વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચી નાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઝોન પ્રમાણે લોકોની અવરજવર, ઔદ્યોગિક અને વેપાર પ્રવૃત્તિઓને પણ પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 3 મે પછીના એક સપ્તાહ માટે દેશના 130 જિલ્લાને રેડ ઝોન, 284 જિલ્લાને ઓરેન્જ ઝોન અને 319 જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કર્યાં છે.



જોકે લૉકડાઉનના આ સમયગાળામાં પાન મસાલાની દુકાનો અને શરાબની દુકાનો કયા વિસ્તારોમાં ખૂલશે તે અંગે થોડી મૂંઝવણ પ્રવર્તતી હતી. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલયના નવા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં શરાબ, પાન, ગુટખા અને તમાકુનું વેચાણ કરતી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.પરંતુ ગુજરાતમાં વધુ બે સપ્તાહ સુધી પાન મસાલા કે લિકની શોપને મંજૂરી આપવામાં આવી નથી. દુકાનમાં એક સાથે પાંચ કરતાં વધુ વ્યક્તિ હાજર ન રહે અને બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર સુનિશ્ચિત કરી શકે તેવી દુકાનો ખોલી શકાશે. જોકે, શોપિંગ મોલમાં આવેલી શરાબની દુકાનોને મંજૂરી આપવામાં આવી નથી.



આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી અને આસામની સરકારોએ શરાબની દુકાનો ખોલવાની પરવાનગી સ્થાનિક સરકારોએ આપી દીધી છે. સોમવારથી કર્ણાટકમાં તમામ જિલ્લામાં શરાબની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. રેડ ઝોનમાં પણ કન્ટેઇનમેન્ટ ઝોન બહારના તમામ વિસ્તારોમાં શોપિંગ મોલ અથવા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો સિવાયની શરાબની દુકાનો ખોલી શકાશે. મહારાષ્ટ્રમાં પણ કન્ટેઇનમેન્ટ ઝોન અને શોપિંગ મોલ-કોમ્પ્લેક્સ સિવાયની તમામ ઝોનની શરાબની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આસામની સોનોવાલ સરકારે પણ રાજ્યભરમાં વિદેશી અને દેશી દારૂની દુકાનો ખોલવાની પરવાનગી આપી દીધી છે. દિલ્હીમાં પણ કન્ટેઇનમેન્ટ ઝોન અને શોપિંગ મોલ-કોમ્પ્લેક્સની બહાર આવેલી 400 કરતાં વધુ શરાબની દુકાનોને સોમવારથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.



કેરળની વાત કરીએ તો, કેન્દ્ર સરકારે પરવાનગી આપી હોવા છતાં કેરળની ડાબેરી મોરચા સરકારે રાજ્યમાં શરાબની દુકાનો ખોલવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ 15મી એપ્રિલે લૉકડાઉન 2.ના પ્રારંભે કેરળ સરકારે શરાબની દુકાનો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેન્દ્ર સરકારના આદેશને પગલે મંજૂરી પાછી ખેંચી લેવાઇ હતી. મુખ્યમંત્રી સી એમ પિનારાયી વિજયને જણાવ્યું હતું કે, ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આ એક હંગામી નિર્ણય છે.



આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન, પૂણે અને માલેગાંવમાં આગામી બે સપ્તાહ માટે નિયંત્રણો વધુ આકરાં બનાવવાનો નિર્ણય લીધો છે. મુંબઇમાં પ્રાઇવેટ ઓફિસો ખોલવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આ વિસ્તારોમાં શરાબની દુકાનો પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. અન્ય શહેરી વિસ્તારોની જેમ મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન, પૂણે અને માલેગાંવમાં એકલદોકલ, મહોલ્લા અને શેરીમાં અથવા તો રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો ખોલી શકાશે નહીં.