લોકડાઉન દરમ્યાન કોઈ પણ પ્રકારની ઉજવણી ઘરમાં રહીને જ કરવા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાની અપીલ
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં 14મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ પર પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, લોકડાઉનના કડક અમલ કરાવવાની સુચના પોલીસ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંપૂર્ણ લોકડાઉન નો અમલ કરવા માટે કોમ્યુનીટી વોલેન્ટીયરની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી દિલ્લી મસ્જિદની ઘટનાને લઈ ચેકિંગ ચાલુ છે તેમજ સુરત અને અમદાવાદથી 12 લોકોને પકડી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના પોલીસવડાએ જણાવ્યું હતું કે, માલવાહક વાહનોમાં મુસાફરી કરવી એ ગુનો બને છે, જૂનાગઢમાંથી એક ઘટના સામે આવી છે જેમાં એમ્બ્યુલન્સમાં બેસાડી માણસોની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તેમજ એમ્બ્યુલન્સના સંચાલક સાથે 10 વ્યક્તિઓને પકડી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુમાં શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ 25 ગુના દાખલ કરી કુલ 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે કોઈપણ ધાર્મિક તહેવાર કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન ન કરવાની અપીલ કરી હતી. રાજ્યમાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ કુલ 1156 ગુના નોંધાયા છે. જેમાં 1990 લોકોની અટકાયત કરવામાં આવી છે. તથા 5707 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.