કોરોનાના કહેર વચ્ચે દેશના સાચા રાષ્ટ્ર ભક્ત, 9 માસના ગર્ભ સાથે સફાઈ કર્મચારી મહિલા રોજ 5 કલાક સુરતને સ્વચ્છ કરે છે...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકો દેશમાં તેમજ રાજ્યમાં પોતાની સેવા આપી રહ્યા છે, જેવા કે આરોગ્યકર્મીઓ, મિડીયાકર્મીઓ, સફાઈ કર્મચારીઓ આવા અનેક લોકો કોરોનાના કહેર વચ્ચે પોતાની સેવા દેશ તેમજ રાજ્ય માટે આપી રહ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે સુરતની એક મહિલા સફાઈ કર્મચારી પોતાના પેટમાં 9 માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરી રહી છે. તેમજ તે આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી છે. ધોરણ 7 પાસ આ સફાઈ કર્મચારી ભણેલા-ગણેલા લોકોને સંદેશો આપે છે કે કોરોનાને લઈ ખુબજ જાગૃતિ તેમજ લોકડાઉનનું પાલન કરી આ બીમારીથી બચી શકાય છે.
સુરતમાં રહેતા નયનાબેન રમેશભાઈ પરમાર જણાવે છે કે, તેમને એક 5 વર્ષની દીકરી છે અને તેમના પતિ સ્કુલવાન ચલાવીને ઘરમાં આર્થિક મદદ કરે છે. તેમનો 6 સભ્યોનો પરિવાર છે. કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં હોવા છતાં સુરતના આ સફાઈકર્મી બિન્દાસ્ત કામ કરે છે. તેમજ તે કહે છે કે ભારતના વડાપ્રધાનના "એક કદમ સ્વચ્છતાકી ઔર" ના સંદેશાને લઈને ખુબજ પ્રેરણા મળી છે. તે સ્વચ્છ સુરત રાખી કોરોના જેવી જીવલેણ બીમારીથી લોકોને બચાવવા રોજ 5 કલાક તમામ રોડ સાફ કરવા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
વધુમાં તેમને જણાયું હતું કે, હાલ મને 9 માસનો ગર્ભ છે તેમજ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ઝોન ઓફીસ બંધ હોવાથી રજા લેવા પણ જવાયું નથી. તેમજ તેમને કહ્યું હતું કે આવા સમયમાં જેટલી જાગૃતતા ગર્ભ માટે જરૂરી છે તેટલી જ જાગૃતતા આ મહામારી સામે જરૂરી છે. તેમજ તેમને લોકોને આજીજી કરતા જણાવ્યું હતું કે, હું તો મજબુર છું તમારી સુરક્ષામાં કામ કરવા પણ તમે તો મજબુત છોને તો પછી લોકડાઉનનું પાલન કરો અને આ મહામારીથી સમગ્ર દેશને બચાવો.