ભારતમાં દેશવાસીઓને ક્યારે મળશે કોરોના વૈક્સીન?
ગાંધી જયંતી નિમિત્તે, ઇન્ડિયા ટુડે ગ્રૂપ દ્વારા વર્ચુઅલ પ્લેટફોર્મ પર હેલ્થગિરિ એવોર્ડ્સ કાર્યક્રમનું આયોજન કરાયું આ મેગા પ્રોગ્રામ દ્વારા દેશભરના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના એક સત્રમાં, એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાએ કોરોના વાયરસ અને રસીથી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા.
ડોક્ટર ગુલેરિયાને પૂછવામાં આવ્યું કે, ભારતમાં લોકોને કોરોના વાયરસની વેક્સિન ક્યારથી મળવાની શરૂ થઈ જશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘આ કહેવું હજી મુશ્કેલ છે કે વેક્સિન ક્યાં સુધીમાં આવી જશે પરંતુ ભારતમાં જેટલા પણ ફેઝ-2 અને 3ના ટ્રાયલ થઈ રહ્યા છે, તેમાંથી બે-ત્રણ પરિણામો સારા આવ્યા છે. પરિણામો અને ફોલોઅપમાં વેક્સિન સુરક્ષિત હોવાનું સાબિત થયું છે. આ વેક્સિનની વધારે આડઅસરો જોવા મળી નથી. આ વેક્સિન અસરકારક છે અને તેને લગાડવાથી પ્રોટેક્શન મળી રહે છે.’
ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, વેક્સિન લગાડવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે, પરંતુ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવીએ ત્યારે આ એન્ટિબોડીઝ કેટલું કામ કરે છે તેની ખાતરી કર્યા પછી જ વેક્સિનની દિશામાં કામ આગળ ધપાવી શકાય છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે વેક્સિનના ડોઝ પર હજી કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું હતું કે, જો બધું બરાબર ચાલશે, તો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં કોરોના વાયરસની વેક્સિન બજારમાં આવી જશે.
ડો.ગુલેરિયાએ કહ્યું કે, મોટાભાગના લોકોના મનમાં સવાલ છે કે આખરે આપણે કેટલા સમય સુધીમાં પહેલાની જેમ સામાન્ય સ્થિતિમાં પહોંચી શકીશું. સંક્રમણના જોખમ વિના, પહેલાની જેમ ડર્યા વિના કામ કરી શકીશું. આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં પરિસ્થિતિ થોડી સારી થશે. જોકે, વાયરસ સમાપ્ત થશે નહીં પરંતુ અમુક અંશે નિયંત્રણમાં આવી જશે. વેક્સિન આવ્યા પછી પણ પરિસ્થિતિ અમુક અંશે નિયંત્રણમાં આવશે. પરંતુ સંપૂર્ણ રાહત મેળવવા માટે દોઢ વર્ષનો સમય લાગી શકે છે.