ગુજરાતમાં રવિવારના દિવસે કોરોનાની રસી આપવામાં આવશે નહીં : નીતિન પટેલની મોટી જાહેરાત
રાજ્યમાં કોરોના વેક્સિનેશનને લઈને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી નીતિ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં આ રવિવારના કોઈને પણ કોરોનાની રસી આપવામાં આવશે નહીં કેમકે રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોગ્ય વિભાગની બહેનો પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રસીકરણની પ્રક્રિયા બંધ રહેવાના કારણે આરોગ્ય વિભાગમાં કામ કરનારી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.
તેની સાથે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 3.77 ડોઝ વેક્સીન આપવામાં આવ્યા છે. જેમાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્ક્સમાં 15 જણાને પ્રથમ ડોઝ, 4678 જણાને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી ઉપરના 72692 ને પ્રથમ અને 871 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સિવાય 18 થી 45 વર્ષ સુધીના લોકોમાં 2.12 લાખને પ્રથમ અને 33678 ને બીજો ડોઝ અપાયો હતો. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 4.19 કરોડ લોકોનું રસીકરણ કરી દેવાયું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 19 કેસ સામે આવ્યા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 58 હજાર ટેસ્ટ કરાયા હતા. જેમાં નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ સુરત 5, વડોદરા 4, અમદાવાદ અને જુનાગઢમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, જામનગર, ગીર, કચ્છ અને નવસારીમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ સિવાય 23 જિલ્લામાં નવો એક પણ કેસ સામે આવ્યો નહોતો.