કોરોનાના વિષાણુ બ્રેડ જેવા નરમ ફેફસાંને શેકેલી બ્રેડ જેવા કરી નાંખે.
ન્યુમોનિયા,કેન્સરથી ફેફસાંના અમુક ભાગ પર અસર,કોરોનાની સમગ્ર ફેફસાં ઉપરઃ બચવાનો ઉપાય મળવા તબીબો આશાવાદી , ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજકોટમાં હાથ ધરાયેલ ઓટોપ્સીથી કોરોના દર્દીને બચાવવા માર્ગ મળવા આશા કોઈ બીમારી વગરના મૃત્યુ પામે અને વયોવૃધ્ધ ગંભીર બીમારીવાળા દર્દી કઈ રીતે બચી જાય તે મુદ્દે થતું રિસર્ચ.
કોરોના વાયરસથી રાજકોટમાં સત્તાવાર રીતે ૧૦૦ અને કોરોના સાથે અન્ય બિમારીથી ૧૮૦૦થી વધુ મૃત્યુ નીપજ્યા છે. આ વિષાણુ શરીર પર એવી તે શુ ઘાતક અસર જન્માવે છે કે ડોક્ટરોના પ્રયાસો નિષ્ફળ જાય છે અને દર્દી અકાળે મોતને ભેટે છે તે અંગે સમગ્ર દેશમાં ભોપાલ બાદ ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેથોલોજીકલ ઓટોપ્સી શરુ કરાઈ છે. આજ સુધીમાં ૬ મૃતદેહોનું પરીક્ષણ કરાયું છે જેમાં પ્રાથમિક તારણ મૂજબ કોરોનાના વિષાણુ માણસના ફેફસાં કે જે નરમ બ્રેડ જેવા કાણાદાર હોય છ તે વિષાણુના હુમલા પછી ભૂંજેલી કે શેકેલી બ્રેડ જેવા કડક થઈ જાય છે, તેમાં કાણા તો હોય છે પણ સ્ટ્રેચેબિલીટી હોતી નથી જેથી શ્વાસોશ્વાસની પ્રણાલી જ ખોરવાઈ જાય છે.
જો કે ઓટોપ્સીથી નક્કર નિષ્કર્ષ પર આવવા માટે સિવિલમાં આશરે ૨૦ શબોનું પરીક્ષણ કરાશે અને તેના સેમ્પલ લઈને સંશોધન બાદ તારણો બહાર પાડવામાં આવશે પરંતુ, તબીબોએ જણાવ્યું કે આ રિસર્ચથી કોરોનાના દર્દીને બચાવવા કેવી સારવાર આપવી તે અંગે અમે ઉપયોગી તારણો આપી શકીશું તેવી આશા છે. આજ સુધીમાં ૬ મૃતદેહોની ઓટોપ્સી થઈ છે. સિવિલના સૂત્રો અનુસાર કોઈ કેસમાં યુવાન કે પ્રૌઢ વયના દર્દી કે જેમને કોઈ બિમારી નથી હોતી, સાજા નરવાં હોય છે અને છતાં કોરોનાથી ટૂંકી સારવાર બાદ મૃત્યુ થાય છે અને કોઈ ૮૦-૯૦ જેટલી મોટી ઉંમરના કે જેના ફેફસાંને આમ પણ અસર પહોંચી હોય, ઉપરાંત તેને ડાયાબીટીસ, બી.પી. જેવી બિમારી હોય છતાં તે સાજા થઈ ગયા છે, આવું કેમ થયું છે તે અમારા સંશોધનનો વિષય છે.
ઓટોપ્સી કરતા ફોરેન્સીક મેડીસીન વિભાગના હેડ ડો.હેતલ કિયાડાએ જણાવ્યું કે વાયરસનો ચેપ લાગે એટલે સીધી ફેફસાં પર અસર થાય છે, શ્વાસમાં તકલીફ પડે છે અને પછી સ્થિતિ ગંભીર થાય એટલે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જતા ફેફસાં શેકેલી બ્રેડ જેવા કઠણ થઈ જાય છે. ન્યુમોનિયામાં આવું બેક્ટેરિયાથી થાય છે પણ ફેફસાંમાં અમુક જગ્યાએ જ અસર થાય છે, જે દર્દીને એન્ટીબાયોટીક ટ્રીટમેન્ટ અપાતા તે સાજો થાય છે પરંતુ, કોરોનામાં આ સારવાર કારગત રહેતી નથી. આ જ રીતે ફેફસાંના કેન્સરમાં પણ ટયુમર ચોક્કસ જગ્યાએ હોય છે. પરંતુ, તેની અસર સમગ્ર શરીરના તંત્ર પર થાય છે.
બીજી તરફ, કોરોના થયા બાદ અનેક દર્દીઓ સાજા થઈ ગયા છે જે સૂચવે છે કે શરીરમાં કોઈ એવું મિકેનિઝમ છે જે ફેફસાંને ફરી કાર્યરત કરી દે છે. આ શુ છે અને તે ડોક્ટરો કઈ રીતે કરી શકે તે મુદ્દે સંશોધન કરી રહ્યાનું જણાવાયું હતું. ઉપરાંત, કોરોનાથી મૃત્યુ પામનારના પ્રાથમિક નિરીક્ષણ પરથી કોરોના કિડની ઉપર અને બ્રેઈન ઉપર પણ માઠી અસર થયાનું જણાયું છે. રાજકોટમાં શરીરના તમામ અંગો પરની અસર ચકાસાઈ રહી છે.