મેડિકલ વિદ્યાર્થીઓએ કરેલી કોવિડ ડયુટી જ હવે ઈન્ટરનલ માર્ક્સ ગણાશેે.
કોરોનાને પગલે કોલેજો બંધ છે અને અભ્યાસપૂર્ણ થાય તેમ નથી ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી પણ સોંપાઈ છે ત્યારે હવે આ વર્ષે બીજા-ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાઓ નહી લેવાનો અને કોવિડ ડયુટીને જ ઈન્ટરનલ માર્કસ ગણી લેવા નિર્ણય કરાયો છે.
કોરોનાને પગલે મેડિકલ કોલેજોની ઈન્ટરનલ પરીક્ષાઓ કઈ રીતે લેવી, થીયરી-પ્રેકિટકલ પરીક્ષાઓના માર્કસ કઈ રીતે ગણવા તે સહિતના મુદ્દે આજે ગુજરાત યુનિ.સંલગ્ન તમામ મેડિકલ કોલેજોના ડીનની બેઠક મળી હતી.જેમાં સર્વાનુમતે એવો નિર્ણય કરાયો હતો કે કોરોનામાં કોવિડ ડયુટી કરતા વિદ્યાર્થીઓને રીવોર્ડ રૃપે ઈન્ટરનલ માર્કસ આપવા. આ વર્ષે કોલેજો બંધ હોવાથી ઈન્ટરનલ પરીક્ષાઓ પણ ફીઝિકલી લઈ શકાય તેમ નથી.આમ તો કોલેજોની પ્રિલિમ પરીક્ષા ડિેસમ્બરમાં લેવાતી હોય છે પરંતુ કોવિડ ડયુટીને લીધે વિદ્યાર્થીઓ તૈયારી પણ કરી શકે તેમ નથી.જેથી આ વર્ષે લેખિત ઈન્ટરનલ પરીક્ષાઓ નહી લેવા નિર્ણય કરાયો છે.
જો કે કોઈ કોલેજ ઈચ્છે તો ઓનલાઈન ઈન્ટરનલ પરીક્ષા લઈ શકે છે. ઈન્ટરનલ પરીક્ષાના માર્કસ કે જે કોલેજો દ્વારા ફાઈનલ પરીક્ષા માટે યુનિ.ઓને મોકલવામા આવે છે તેમાં કોવિડ ડયુટીની કામગીરીને ધ્યાને લેવાશે.ગુજરાત યુનિ.ની સાત મેડિકલ કોલેજો દ્વારા હાલ આ નિર્ણય કરાયો છે અને બીજાથીમાંડી ચોથા વર્ષના કોવિડ ડયુટીમાં રોકાયેલા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. આ નિર્ણય બાબતે સરકારને પણ જાણ કરવામા આવી છે અને સરકારે પણ તમામ વિગતો મંગાવીછે ત્યારે અન્ય યુનિ.ઓ પણ આ જ રીતે નિર્ણય લે તેવી શક્યતા છે.કારણકે રાજ્યમાં તમામ મેડિકલ કોલેેજોના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી સોંપવામા આવી છે.