અમદાવાદમાં કોવિડ 19 હોસ્પિટલમાં ભીષણ આગ, 8 દર્દીઓના મૃત્યુ...
સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મોદી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી.
મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ચોથા માળે આવેલા કોવિડ આઇસીયું વોર્ડમાં આગ લાગી હતી જેમાં 8 વ્યકરીઓના મોત નિપજ્યા છે.આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દી જીવતા ભૂંજાઈ જતા મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
કોરોનાથી બચવા જીવ બચાવવા હોસ્પિટલમાં ગયા હતા પણ અહીં લાગેલી આગે કોરોનાથી પણ ભયંકર મોત અપાવ્યું છે. બાકીના 41 લોકોને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સીએમ રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. વહેલી સવારે આગ લાગી હોવા છતાં 7 વાગ્યા બાદ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.ઘટના અંગે પરિવારજનોને પણ મીડિયા મારફતે મળી હતી.પરિવારજનો આ ઘટના બાદ દોડી આવ્યા હતા.જોકે, તેમના પરિવારજન જીવતા છે કે ઘટનાનો ભોગ બન્યા છે તે અંગેની પણ કોઈ વિગતે મળી ન હતી. પરિવારજનોના આક્રંદ વચ્ચે હોસ્પિટલમાંથી લાશો બહાર લઈ કઢાઈ રહી છે. ઘટના બાદ હોસ્પિટલ પર પોલીસ ખડકાઈ ગઈ છે.
PM મોદીએ શોક વ્યક્ત કર્યોં, સહાય અંગે નિર્દેશ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી આ અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે હોસ્પિટલમાં લાગેલી આગથી દુઃખ અનુભવું છું. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના, ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. પરિસ્થિતિ અંગે CM વિજય રૂપાણી અને મેયર બીજલબેન પટેલ સાથે વાત કરી છે.અને પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડે તે જોવા નિર્દેશ આપ્યો છે.