બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે અનોખી પહેલ...

હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. ત્યારે રાજકોટના વિવિધ કોવિડ કેર સેન્ટરમાં દાખલ અનેક દર્દીઓને સકારાત્મક ઊર્જા મળી રહે તેમજ નવરાશની પળોમાં તેઓ મનોરંજનની સાથોસાથ તેઓ જ્ઞાન અને માહિતી પણ મેળવી શકે તેવા ઉમદા હેતુસર પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સરકારી યોજનાકીય પુસ્તિકાઓ તેમજ મેગેઝિનનું વિતરણ કરાયું હતું.
 


રાજકોટની પંડિત દિન દયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની સુપર સ્પેશ્યાલિસ્ટ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઘર જેવુ જ વાતાવરણ મળી રહે તે માટે સમય પસાર કરવા માટે પુસ્તકો, અખબારો, કેરમ, ચિત્રકામ અને સામયિકો આપવામાં આવે છે. તેમ આ હોસ્પિટલના મેડિસીન રેસીડન્ટ ડો. વિઘિ પટેલ જણાવે છે. ડો. વિધિ વધુમાં કહે છે કે કોવિડના દર્દીઓની સેવા કરવાની તક મને છેલ્લા સાત દિવસથી મળી છે. દર્દીઓને મનોરંજન મળે તથા ડિપ્રેશનનો ભોગ ન બને તેવો માહોલ કોવિડ કેર સેન્ટરમાં ઉભો કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકોત્સવો અને મેળા, ગુજરાતની સ્થાપત્યકલા, ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેનું ગુજરાત મેગેઝીનના અંકો, મહાત્મા ગાંધી અને દાંડીકૂચ સહિતની અનેક પુસ્તિકાઓ નાના-મોટા તમામ વયના દર્દીઓને રાજ્યનાં વિવિધ સ્થળો અને ઉત્સવો વિશે અવનવી માહિતીનો રસથાળ પીરસશે અને સમય પસાર કરવા ખૂબ જ ઉપયોગી બનશે. સાથોસાથ જી.પી.એસ.સી. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં અત્યંત ઉપયોગી એવાં પ્રકાશનો થકી કોવિડ કેર સેન્ટરમાં દાખલ વિદ્યાર્થીઓ પોતાનો નવરાશનો સમય સારી રીતે પસાર કરી શકશે.
 


આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા કોરોનાના દર્દી વજુભાઇ મેટાણિયા પોતાના અનુભવ વહેંચતા કહે છે કે હું પાંચેક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહયો છું. આ દરમિયાન અમને અહીં શ્રેષ્ઠ સારવારની સાથે સમય પસાર કરવા માટે જ્ઞાનવર્ધક પુસ્તકો, અખબારો, સામયિકો વાચવા માટે આપવામાં આવે છે. જેથી મારો સમય પસાર થઇ જાય છે અને કંટોળો આવતો નથી. આમ પણ મને દરરોજ છાપા વાચવાની ટેવ છે. અહીનો સ્ટાફ પણ ખડે પગે અમારી સેવા કરી રહયા છે.



સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં અન્ય એક દર્દી ગિરિશભાઇ વ્યાસ કહે છે કે મને ૬૧ વર્ષે પહેલી વાર બીમાર પડ્યો છુ. ને આ પહેલી બિમારી જ કોરોનાની આવી છે. હોસ્પિટલનું સુંદર વાતાવરણ મારામાં નવા પ્રાણ પૂરે છે. અહીં ૧૦ દિવસના મારા રહેઠાણ દરમિયાન મને વાચન માટે અપાતું સાહિત્ય અને લોકગીતો મારા હ્દયને આનંદીત કરે છે. સમય તો પસાર થાય જ છે સાથોસાથ દેશ અને દુનીયાની જાણકારી પણ અમને મળી રહે છે. જયારે જસદણના ભરતભાઇ કહે છે કે મને તાવ આવતા અને માથાનો દૂખાવો થતાં રિપોર્ટ કરાવતાં કોરોના આવે છે. જેની સારવાર હું સિવિલ હોસ્પિલના કોવિડ વિભાગમાં પાંચ દિવસથી લઇ રહયો છું. 

અહીં ડોકટરો અને સ્ટાફ દ્વારા સારી સારવાર, આરોગ્યપ્રદ આહાર આપવામાં આવે છે. સાથો સાથ સમય પસાર થઇ શકે અને જ્ઞાન-માહિતી માટે પુસ્તકો મને છાપા આપવામાં આવે છે. આમ કોરોનાનાં કોહરામ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓની તો કાળજી લેવામાં આવી જ રહી છે સાથે સાથે કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને નવરાશની પળોમાં પુસ્તકોના સથવારે સમય પસાર થઈ શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ સિવિલ હોસ્પિટલ, સમરસ કોવિડ કેર સેન્ટર, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલ, ધોરાજી કોવિડ કેર સેન્ટર તેમજ કામદાર વીમા હોસ્પિટલ ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.