ડભોઈના ખેડૂત 6 વીઘાના પાકમાં વર્ષે મેળવે છે 6 લાખનો નફો
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોટા હબીપુરાના ખેડૂત પારંપારિક ખેતીથી અલગ થાઇલેન્ડના ડ્રેગન ફ્રૂટ નામના ફળની ઓર્ગેનિક ખેતી કરીને વાર્ષિક 6 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરે છે. તેઓની આ ખેતી જોઇને તાલુકાના અન્ય બે ખેડૂતોએ પણ ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી છે. પ્રગતિશિલ ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું કે, હું મહારાષ્ટ્રમાં એપલ બોરની ખેતીની જાણકારી મેળવવા માટે ગયો હતો. અને ત્યાંથી મને ડ્રેગન ફ્રૂટની ખેતી મળી હતી. હું છેલ્લા ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને રૂટીન ખેતી કરતા સારી કમાણી કરી રહ્યો છું.
PM મોદીએ પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હરમાનભાઇની સરાહના કરી હતી
ધો-8 સુધીનો અભ્યાસ કરેલા ખડૂત હરમાનભાઇ પટેલ પાસે 55 વિઘા જમીન છે. જેમાંથી હાલ 6 વિઘા જમીનમાં તેઓ ડ્રેગન ખેતી કરી રહ્યા છે. હરમાનભાઇ પટેલની આ સફળતાથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે અને તેઓ ડ્રેગન ખેતી તરફ વળ્યા છે. ઓછો ખર્ચ, ઓછી મહેનત અને સારી ઉપજ સાથે સારી કમાણી આપતી આ ડ્રેગન ફળની ખેતીને જોવા તાલુકાના ખેતી પ્રેમી ખેડૂતો જોવા માટે આવે છે. હરમાનભાઇની ડ્રેગનની ખેતીની નોંધ સરકારે પણ લીધી છે. એતો ઠીક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતી માટે કચ્છના ખેડૂતો સાથે મોટા હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલની પણ સરાહના કરી હતી.
ગૂગલ સર્ચમાં એપલ બોરની ખેતી જોઇને મહારાષ્ટ્ર ગયા બાદ ડ્રેગન ફ્રૂટ જોયા
ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ-2016માં હું આધુનિક ખેતી કરવા માટે ગૂગલ સર્ચ કરી રહ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના નંદુરબારમાં થતી એપલ બોરની ખેતી આવી હતી. ઘરેથી નીકળ્યો ત્યારે એપલ બોરની ખેતી જ કરવાના ઇરાદા સાથે ગયો હતો, પરંતુ, ત્યાં મેં ખેતરમાં લાલ ચટાક ફળ જોતા ચોંકી ઉઠ્યો હતો. જે ડ્રેગન ફ્રૂટ હતા. ત્યાં મેં એપલ બોરના બદલે ડ્રેગન ફળની ખેતી કરવાનું નક્કી કરી લીધું. અને મહારાષ્ટ્રના નંદુરબારથી 60 રૂપિયાના ભાવે 400 છોડની ખરીદી કરી હતી. અને ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા થતી ખેતીની શરૂઆત કરતા પ્રથમ પાકની આવક સારી થતા પરીપક્વ છોડ થયા બાદ આવક વધુ સારી થશેનો વિશ્વાસ બેસતા કુલ 2800 છોડની રોપણી કરી હતી. ખેડૂતે વધુમાં જણાવ્યું કે, હું કચ્છના નલીયા ખાતે જઈ ત્યાં ફાર્મહાઉસમાં થયેલ ડ્રેગન ફ્રૂટની ખેતી જોઇ અવાક બની ગયો હતો.