બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગાંધીજીની સેવા ભાવના.

જીવનમાં જો આપણે આગળ વધવું હોય, સફળતાના શિખરો સર કરવા હોય તો જે જે મહાપુરુષો થઇ ગયા છે. તેમના જીવનના પ્રસંગો વાંચવા જોઇએ, તેમણે આપેલા સિદ્ધાંતો ઉપર વિચાર કરવો જોઇએ અને તે પ્રમાણે જીવન જીવવું જોઇએ. તો અવશ્ય આપણું જીવન ગુણશીલ બને છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે જ વચનામૃત ગ્રંથમાં વારંવાર કહે છે કે, દરેક મનુષ્યમાંથી આપણે જે સારું સારું હોય તેને ગ્રહણ કરવું જોઇએ, અને આપણામાં રહેલા જે દોષો તેના ત્યાગવા જોઇએ.

આપણે અત્રે આ લેખમાં મહાત્મા ગાંધીજીના જીવનમાં જે મહાન સદ્ગુણો હતા તે અંગે થોડો વિચાર કરીએ અને એ ગુણો આપણામાં પણ આવે તેવો પ્રયત્ન કરીએ.

એક વખત મહાત્મા ગાંધીજીના આશ્રમમાં ગાંધીજીને મળવા માટે કોઈ સજ્જન આવ્યા. તેમણે આંગણામાં ઝાડુ મારતાં વ્યક્તિને પૂછયું કે, મારે ગાંધીજીને મળવું છે તે ક્યારે મળશે ? તેમણે કહ્યું કે, થોડીવાર બેસો, ગાંધીજી તમને જરૂરથી મળશે. પેલા ભાઈ ત્યાં રાહ જોઇને બેઠા.

થોડીવાર પછી ગાંધીજી આવ્યા અને પેલા ભાઈને કહ્યું કે, આપને શું કામ હતું ?
પેલા ભાઈ તો અવાક્ થઇ ગયા, કેમ કે, જે વ્યક્તિ આંગણામાં ઝાડુ મારતી હતી તે જ ગાંધી હતા.
તેમણે કહ્યું કે, બાપુ તમે સફાઈ કરતાં હતાં ?
ત્યારે ગાંધીજીએ એટલું જ કહ્યું કે, નાના કામ કરવામાં નાનપ શું ? કામ આશ્રમનું છે, હું આશ્રમમાં રહું છું, તો મારે કરવું જોઇએ.
ખરેખર, ગાંધીજીની આજ મોટાઈ છે.

આ દુનિયાની અંદર જે માણસ ગુણોથી સભર હોય છે, તે નમ્ર હોય છે. પાણીથી ભરેલો ઘડો કદી છલકાતો નથી, જે અધૂરો ઘડો હોય છે તે જ છલકાતો હોય છે. તેમ જે માણસમાં સદ્ગુણો હોય છે તે હંમેશા વિવેકશીલ અને નમ્રશીલ રહીને સૌની સાથે વર્તનની કરતા હોય છે.

આપણે ગાંધીજીનો બીજો પ્રસંગ સેવાનો લઇએ અને તેમાંથી પ્રેરણા મેળવીએ.

એક વખત શિયાળાના દિવસોમાં ગાંધીજી પોતાનો જે આશ્રમ હતો તેની ગૌશાળા હતી તેમાં પહોંચ્યાં. ત્યાં તેમણે એક બાળકને ઠંડીના કારણે ઠુઠવાતો જોયો.
ગાંધીજીએ બાળકને પૂછયું કે, કેમ કંઇ ઓઢતો નથી ?
ત્યારે બાળકે કહ્યું કે, બાપુ ! મારી પાસે આ એક ચાદર જ છે.

બાપુને ખૂબ લાગી આવ્યું અને તેઓ તરત જ તેમની કુટીરમાં ગયા અને કસ્તુરબાને કહ્યું કે, જલ્દીથી તમો જૂના વસ્ત્રો ગાંભા જે હોય તે લઇને આવો આપણે તાત્કાલિક એક ગોદડું બનાવવું છે.

સ્વયં પોતે પણ કસ્તુરબાની સાથે ગોદડું બનાવવા માટે બેસી ગયા અને મધ્યરાત્રે ગૌ શાળામાં જઇને તે બાળકને ગોદડું તેમણે ઓઢાડયું ત્યારે તેમને શાંતિ થઈ.

પછી તો એમ કહેવાય છે કે, ગાંધીજીએ પોતાના આશ્રમવાસીઓને પણ આ માર્ગે જોડયા હતા અને એક વરસની અંદર આવા જૂનાં વસ્ત્રોમાંથી લગભગ ૨૫૦ જેટલા ગોંદડા તૈયાર કરીને, જરૂરીયાતવાળા માણસોને તેમણે આપ્યા હતા. આ પ્રસંગ કેટલું બધું આપણને શીખવી જાય છે. એક બાળક માટે પોતે આખી રાત્રી જાગ્યા અને તાત્કાલિક ગોદડું બનાવીને તેમને જ્યારે ઓઢાડયું ત્યારે તેમણે શાંતિ અનુભવી... કેટલી બધી સેવાની ભાવના.

ગાંધીજીના જીવનમાંથી આવા તો આપણને અનેક પ્રસંગો જોવા મળે છે. તેમાંથી આપણે અવશ્ય કાંઈક શીખવાનું છે.

તેથી સંતો કહે છે કે,
માટે સારા ગુણ ઉપર, રાખી નજર હંમેશ;
મધુકર વૃત્તિ રાખીને, ગુણ ગ્રહેવા વિશેશ.

આપણે દરેકના સારા ગુણો હોય તેની ઉપર નજર રાખવી જોઇએ અને મધમાખીની જેમ દરેકમાંથી સારું સારું હોય તેને ગ્રહણ કરી લેવું જોઇએ.