બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ડુલિટલ: પ્રાણીઓ સાથે સંવાદ કરતા ડૉક્ટરની સાહસિક સફર.

પશુ-પંખી-સજીવોને સાજા કરી શકતા ડૉક્ટરનું આ વાર્તા મહત્ત્વ વધારે છે. સાથે સાથે પ્રકૃત્તિને સમજતાં આવડે તો એ કઈ રીતે મદદ કરી શકે એ પણ દર્શાવે છે. અંગ્રેજ લેખક હ્યુ લોફ્ટિંગે ૧૯૨૨માં લખેલી આ વાર્તા એક સદી પછી પણ એટલી જ રસપ્રદ છે .  આપણા સાહિત્યમાં પણ સજીવોની ભાષા જાણતા મનુષ્યોની કથાઓ લખાઈ છે. 

ઘ રમાં જ્યાં ત્યાં વિખરાયેલો સામાન, વાંદરા, ઝિરાફ, પોપટ, બતક, રિંછ, ખડમાકડી વગેરે સજીવોની દોડા-દોડી અને તેની વચ્ચે રહેતો દાઢીધારી એક આદમી. શહેરી વિસ્તારથી દૂર વગડામાં એ હવેલી જેવું મોટું મકાન આવેલું હતું, જેમાં ડૉક્ટર ડુલિટલ રહે. સાથે તેમના પાળીતાં-માનીતાં ડઝનેક પ્રાણીઓ પણ ખરાં. ડૉક્ટર જોન ડુલિટલની આવડત એ હતી કે એ વિવિધ પ્રાણીઓ સાથે સંવાદ કરી શકતા હતા. 

કેટલાક સમય પહેલા જોનની પત્ની લીલીનું સમુદ્રી સફર દરમિયાન અવસાન થયું હતું. એ પછી જોનને સંસારમાંથી રસ ઉડી ગયો. એ ભલા અને એમના જંગલી સાથીદારો ભલાં. જોનનું મૂળ કામ ઘાયલ-બિમાર પશુઓની સારવાર કરવાનું હતું. પણ એ કામ હવે તેમણે મુકી દીધું હતું. હવેલીમાં જ આળસુની માફક પડયા-પાથર્યાં રહેતા હતા.

એક દિવસ હવેલીના દ્વારે લેડી રોઝ નામની ટીનેજર આવી. તેનો અચાકન ત્યાં ભેટો ટોમી સ્ટબિન્સ નામના ટીનેજર સાથે થયો. ટોમીએ અજાણતા ખિસકોલીને ઘાયલ કરી હતી અને હવે તેની સારવાર માટે આવ્યો હતો. રોઝ રાણી વિક્ટોરિયાનો મેસેજ લઈને આવી હતી. યુવાનીમાં પ્રવેશી રહેલા રાણી વિક્ટોરિયા અચાનક બિમાર પડયાં હતાં. ડૉક્ટર જોન આવે, રાણીને સાજા કરે એવી રાણીની ઈચ્છા હતી. જોનને એવા સાંસારિક કામોમાં રસ ન હતો. પણ શરત એવી હતી કે જો રાણી મૃત્યુ પામે તો જોનને આપવામાં આવેલું જંગલ જપ્ત થઈ શકે. એ પછી જોન અને તેની પ્રાણીસેના ઘર-બાર વગરની થઈ જાય.

જોનના ઘરમાં પ્રાણીઓ રહેતા હતા, તેને બદલે જોને પ્રાણીઓના ઘરમાં એટલે કે જંગલમાં રહેવું પડે. એવુ ન થાય એટલા માટે સારવાર કરવા જોન તૈયાર થયા. એ પહેલા ટોમીની ખિસકોલીને સાજી કરી અને ટોમીએ સાથે આવવાની ઇચ્છા દર્શાવી એટલે કમ્પાઉન્ડર તરીકે સાથે પણ લીધો.

મહેલના પ્રાંગણમાં શાહમૃગ પર સવાર થઈને જોન આવ્યા, સાથે તેમની મદદ કરવા રીંછ, ગોરીલા, બતક...વગેરે પણ હતા. અંદર આવીને બેહોશ પડેલા રાણીની તપાસ કરી. રાણીના ખોરાકમાં ઝેર ભળ્યું હતું. સાજા થવા માટે ઈડન ટ્રીનું ફળ જોઈએ. એ ફળ કોઈએ જોયું ન હતું, એવા ટાપુ પર હતું જ્યાં હજુ સુધી કોઈ ગયું ન હતું. પણ રાણીને સાજા કરવા માટે ત્યાં જવું જ પડે. રાણીને સાજી કરવાની હોય ત્યાં કોઈ વાતની કમી થોડી હોય!

શાહી કાફલામાંથી એક જહાજ જોન ડુલિટલને ફાળવી દેવાયું. એમાં પોતાની વનસેના, ટોમી વગેરેને લઈને ડુલિટલ ઈડન ટ્રી શોધવા નીકળી પડયા. જતાં પહેલા રાણીના ઓરડામાં ડુલિટલે કોઈને દેખાય નહીં એ રીતે પોતાની એક ખડમાકડી મુકી દીધી હતી, જેનું કામ જાસૂસી કરવાનું હતું. હકીકત એવી હતી કે રાણી બિમાર પડયા ન હતા, પાડવામાં આવ્યા હતા. રાજમહેલને શોભે એવા કાવા-દાવા આકાર લઈ રહ્યા હતા. 

સમુદ્રમાં જહાજ રવાના થયુ. પાછળ એક બીજું જહાજ પણ ઉપડયું, જેમાં સવાર હતા ડુલિટલના સ્પર્ધક અને વિલન ડૉ.બ્લેર. રાણીને જીવતા ન રાખવા હોય તો ડુલિટલનું જહાજ મધદરિયે જ ડુબવું જોઈએ. એ કામગીરી બ્લેરે શરૂ કરી દીધી. પણ ડુલિટલની પહોંચ પાણીમાં રહેલા પ્રાણીઓ સુધીની હતી. વ્હેલ માછલીની મદદથી તેણે પોતાના જહાજને બચાવી લીધું, સફર આગળ ચાલી.

એડન ટ્રી સુધી જવાનો રસ્તો એક ગ્રંથમાં લખેલો હતો. એ ગ્રંથ મોન્ટેવેડો નામના ટાપુ પર બાદશાહના કબજામાં હતો. એ ટાપુ સાથે ડુલિટલને જૂની લેણા-દેવી હતી. અહીં જ તેણે અને લીલીએ સજીવોના જતનની કાર્યવાહી આરંભી હતી. પણ હવે ત્યાં ચોર-લુંટારાનું રાજ હતું. એ ટાપુના સાશક હતા બાદશાહ રસુલી, જે ડુલિટલના સસરા પણ હતા. પરંતુ સસરા જમાઈને ચોપડી આપે એમ હતા નહીં. એટલે ચોપડી ચોરી કરવાની હતી. 

ટાપુના કાંઠે જહાજ ઉભું રાખી ડુલિટલ, ટોમી અને કેટલાક શુક્ષ્મ સજીવો મહેલમાં ગુપ્ત રીતે પ્રવેશ્યા. ચોરી કરીને બહાર આવે એ પહેલા જમાઈ રાજા પકડાઈ ગયા. રસુલીએ ડુલિટલને બેરી નામના વાઘના પાંજરામાં પુરી દીધા, જે વાઘને જોન સાથે જૂની દુશ્મની હતી. વાઘ ડુલિટલને ખાઈ જ જવાનો હતો, ત્યાં ગોરિલા આવી ગયો અને મામલો સંભાળી લીધો.

ટોમીએ પુસ્તક ચોરી લીધું હતું, એ લઈને કાંઠે આવી ગયો. ડુલિટલ અને અન્ય સજીવો પણ ભાગીને કાંઠે પહોંચ્યા. પણ ત્યાં સ્વાગત કરવા માટે ડૉ.બ્લેર હાજર હતા. નકશાવાળું પુસ્તક તેમણે છીનવી લીધું અને ડુલિટલના જહાજને પણ સળગાવી દીધું. એટલું કરી બ્લેર પોતાના જહાજમાં બેસી રવાના થયો. 

ન પુસ્તક મળ્યું, ન પરત જવા જહાજ સલામત રહ્યું. એ વખતે રસુલીનું હૃદય પરિવર્તન થયું. તેણે જમાઈને પોતાનું એક જહાજ આપી દીધું. થોડા વખત પછી ડુલિટલ અને બ્લેર બન્નેનો કાફલો એ ટાપુ સુધી પહોંચ્યો જેના પર સંજીવની બૂટી જેવું ઈડન ટ્રી હતું. ટાપુ પર કદાવર ગુફા હતી. ગુફામાં ક્યાંક ટ્રી હતું. પણ તેના રખોપા કરવા માટે આગ ઓકતા ડ્રેગન પહેરો ભરતાં હતા. એ ડ્રેગને હુમલા શરૂ કરી દીધા. પણ એક ડ્રેગનના પેટમાં કંઈક ગરબડ હતી. ડ્રેગનના હુમલા વચ્ચે પણ ડુલિટલે તેની સારવાર કરી. એ પછી ડ્રેગને પક્ષ-પલટો કર્યો અને ડુલિટલની મદદ કરી. બ્લેરનો તો ડ્રેગને ક્યારનો ખાત્મો કરી દીધો હતો.

ઈડન ટ્રી મળી ગયું, ચમત્કારીક ફળ લેવાઈ ગયુ. કાફલો ઈંગ્લેન્ડ તરફ રવાના થયો. રાણી સુધી પહોંચી ફળમાંથી રસ કાઢી પાવામાં આવ્યો. એ પછી ઓરડામાં રહેલી ખડમાકડી અને માછલીઘરમાં રહેતા ઓક્ટોપસ પાસેથી જાણી લેવાયું કે રાણીને મારી નાખવાનું કાવતરું લોર્ડ થોમસ ઘડી રહ્યાં હતા. તેમની ધરપકડ કરી લેવાઈ. સૌ સારા વાનાં થયા અને ડુલિટલ પાસે તેમનું જંગલ યથાવત રહ્યું.

અંગ્રેજ લેખક હ્યુ લોફ્ટિંગે ૧૯૨૨માં લખેલી આ વાર્તા એક સદી પછી પણ એટલી જ રસપ્રદ છે અને તેના પરથી ફિલ્મો બનતી રહે છે. પશુ-પંખી-સજીવોને સાજા કરી શકતા ડૉક્ટરનું આ વાર્તા મહત્ત્વ વધારે છે. સાથે સાથે પ્રકૃત્તિને સમજતાં આવડે તો એ કઈ રીતે મદદ કરી શકે એ પણ દર્શાવે છે. આપણા સાહિત્યમાં પણ સજીવોની ભાષા જાણતા મનુષ્યોની કથાઓ લખાઈ છે.