બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના સંકટ દરમિયાન ખાનગી હોસ્પિટલોએ બેફામ 'લૂંટ' ચલાવી: સંસદીય સમિતિનો રિપોર્ટ.

દેશ કોરોના સંકટ સામે સંઘર્ષ કરી રહ્યો છે. કોરોના સામે લડવામાં સરકારી આરોગ્ય સેવામાં ઉણપ છે. ઉપરાંત, ખાનગી હોસ્પિટલો માટે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. જેનાં કારણે, કોરોનાથી પીડિત દર્દીઓએ રોગચાળા દરમિયાન સારવાર માટે વધુ પૈસા ખર્ચ કરવો પડ્યાં. સંસદીય સમિતિએ શનિવારે પોતાના રિપોર્ટમાં આ વાત કહી.

સંસદીય સમિતિએ કહ્યું કે, કોવિડ -19નાં વધતા જતા કેસ વચ્ચે સરકારી હોસ્પિટલોમાં બેડની તંગી હતી. વળી, આ રોગચાળાની સારવાર માટે વિશેષ માર્ગદર્શિકાઓનો અભાવ હતો, જેના કારણે ખાનગી હોસ્પિટલોએ કોરોના દર્દઓ પાસેથી બેફામ લૂંટ ચલાવી. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે જો ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટે કોઈ ફિક્સ રેટ નક્કી કરવામાં આવ્યાં હોત તો ઘણાં મોત ટાળી શકાયા હોત.

જોહેર આરોગ્ય સંબંધી સંસદીય સમિતિનાં અધ્યક્ષ રામ ગોપાલ યાદવે ''કોવિડ -19 રોગચાળોનો પ્રકોપ અને તેનું સંચાલન'' રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે રાજ્યસભા ચેરમેન વૈંકયા નાયડુ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર દ્વારા કોરોનાના રોગચાળાનો સામનો કરવા સંબંધમાં આ કોઈ પણ સંસદીય સમિતિનો પ્રથમ રિપોર્ટ છે.

સમિતિએ કહ્યું છે કે 1.3 અબજની વસ્તી ધરાવતા દેશમાં સ્વાસ્થ્ય પર અત્યંત ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે અને ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાની નાજૂકતાના કારણે રોગચાળાનો અસરકારક રીતે સામનો કરવામાં મોટો અવરોધ આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેથી સમિતિ સરકારને જાહેર આરોગ્ય સુવિધામાં પોતાના રોકાણને વધારવાની ભલામણ કરે છે.

સમિતિએ સરકારને કહ્યું છે કે બે વર્ષની અંદર જીડીપીના 2.5 ટકા સુધીનો ખર્ચ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરે કેમ કે વર્ષ 2025નો નિર્ધારીત સમય હજી પણ દૂર છે અને તે સમય સુધી જાહેર સ્વાસ્થ્યને જોખમમાં રાખી શકાય નહીં. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017મા 2025 સુધી જીડીપીનો 2.5 ટકા સ્વાસ્થ્ય સેવા પર સરકારી ખર્ચનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જે 2017મા 1.15 ટકા હતો. સમિતિએ કહ્યું છે કે દેશની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા કોવિડ અને બિનકોવિડ દર્દીઓની વધતી સંખ્યાની દ્રષ્ટીએ પૂરતી નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ચોક્કસ ગાઈડલાઈનના અભાવના કારણે દર્દીઓને વધારે રૂપિયા ચૂકવવા પડ્યા છે. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારી સ્વાસ્થ્ય સુવિધાની ઉણપ અને રોગચાળાને ધ્યાનમાં રાખતા સરકારી તથા ખાનગી હોસ્પિટલો વચ્ચે યોગ્ય ભાગીદારીની જરૂર છે.સમિતિએ કહ્યું કે રોગચાળા સામેની લડતમાં જેમણે પોતાનો જીવ આપ્યો તે ડોકટરોને શહીદ તરીકે માન્યતા આપવી જોઈએ અને તેમના પરિવારોને પૂરતું વળતર આપવું જોઈએ.