જાણો ગુજરાતમાં કઈ જગ્યાએ બહેનો જાત-મહેનતથી બની આત્મનિર્ભર
રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા નવ કલસ્ટર પૈકી સુરતથી ૬૦ કિ.મી.ના અંતરે કીમ ઝંખવાવ રોડ પર આવેલું 'વિસડાલીયા કલસ્ટર'નો સમાવેશ એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ કલસ્ટર દ્વારા વન વિભાગે વિવિધ રોજગારલક્ષી આજીવિકા વૃદ્ધિનું આયોજન કરી સ્થાનિક આદિવાસી તેમજ કોટવાળિયા કુટુંબોને રોજગારી તેમજ સર્વાંગી વિકાસના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
વિસડાલીયા ક્લસ્ટર ગ્રામીણ વિકાસ સમિતિ દ્વારા ગ્રામજનોને ઉદ્યમી બનાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. ખાસ કરીને આદિજાતિ કારીગરોના આર્થિક સશક્તિકરણના હેતુથી વાંસમાંથી નિર્મિત કલાકૃતિઓ, ફર્નિચર અને ચીજવસ્તુઓ બનાવવા અને વેચાણ કરવામાં નિ:શુલ્ક મદદ પૂરી પાડવામાં આવે છે.
માંડવી તાલુકાના દેવગઢ ગામના ગંગાસ્વરૂપા મહિલા કંકુબેન મહેશભાઈ કોટવાળીયાને ઘરઆંગણે રોજગારીનો અવસર મળ્યો છે. તેઓ અહીં વાંસના ફિનિશીંગ અને ક્રાફટ મેકિંગનું કામ કરી રહયા છે. તેમની સાથે પુત્રવધુ પણ રોજગારી મેળવી રહ્યા છે.
આત્મનિર્ભર બની પરિવારની સારસંભાળ રાખતા ૩૯ વર્ષીય ગંગાસ્વરૂપા કંકુબેન જણાવે છે કે, પતિના અવસાન બાદ એક પુત્ર અને પુત્રીની ભરણપોષણની જવાબદારી સંભાળી રહી છું. વિસડાલીયામાં મહિલાઓ માટે ઘરઆંગણે રોજગારીનો અવસર મળ્યો છે. શહેરમાં જવાની જરૂર રહી નથી. દરરોજ વાંસના ફિનિશીંગ વર્કમાંથી રૂ.૨૫૦ ની રોજગારી મળે છે. પુત્રવધુ સાથે દર મહિને ૧૫ હજારનું વેતન મેળવીએ છીએ, જેથી પરિવારની આર્થિક મુશ્કેલી દૂર થઈ છે.
કંકુબેન જણાવે છે કે, વાંસકામની રોજગારીમાંથી બચત કરી, પુત્રના લગ્ન કર્યા. અમને બપોરનું ભોજન પણ કામના સ્થળે જ પૂરું પાડવામાં આવે છે. સુરક્ષિત માહોલમાં મહિલાઓને વાંસ યુનિટમાં કામ આપવામાં આવે છે. વખતોવખત જરૂરી તાલિમ આપી ને કામને ઝડપથી અને ચોક્સાઈ પૂર્વક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
કંકુબેન બીજા પર આધારિત ન રહેતા સ્વબળે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે અનેક મહિલાઓ માટે દિશાસુચક અને સમાજ માટે આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડે છે. સુરતના નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયરે સ્થાનિક આદિજાતિ યુવાનો, કલાકારો અને બામ્બુકલામાં નિપુણ મહિલાઓના આર્થિક ઉત્થાનને વધુ વેગ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે વાંસકલામાં નિપુણ સ્થાનિક યુવાનો અને મહિલાઓને પગભર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આ કલસ્ટર દ્વારા ૧૦૦થી ૧૫૦ વ્યક્તિઓને સીધી રોજગારી તેમજ ૩૫૦થી ૪૦૦ વ્યક્તિઓને પરોક્ષ રોજગારી મળે છે, જે આર્થિક સશક્તિકરણનું માધ્યમ અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ બાબત છે. આમ, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિસડાલીયા ક્લસ્ટર ગ્રામીણ વિકાસ સમિતિ સ્થાનિક મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે પ્રેરણારૂપ બની છે