21મી સદીના આધુનિક ભારતના નિર્માણનો પાયો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ નાખ્યો હતો...
દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 21મી સદીના આધુનિક ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો. જેનો ફાયદો આજે દેશને થઈ રહ્યો છે. એટલું જ નહીં દેશમાં પંચાયતિ રાજ માટે મહત્વના પગલા ભર્યાં હતા. આ ઉપરાંત મહિલાઓના શિક્ષણ માટે પણ રાજીવ ગાંધીએ કામગીરી કરી છે. આ ઉપરાંત રાજીવ ગાંધીએ કરેલા અનેક ફેરફારનો આજે દેશને ફાયદો થઈ રહ્યો છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજ્યંતિ છે. તેમનો જન્મ તા. 20મી ઓગસ્ટ 1944માં થયો હતો. પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને રાજકારણ રસ ન હતો પરંતુ સંજોગો એવા ઉભા થયા કે તેમણે રાજનીતિમાં પ્રવેશ કરવો પડ્યો હતો. દેશમાં પંચાયતોને સશક્ત કરવાની કામગીરી રાજીવ ગાંધીએ જ કરી હતી. દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થાને લાગુ કરવાની દિશામાં પગલા ભરીને તેમણે દેશના લોકતંત્રને સશક્ત બનાવ્યું હતું.
1989માં એક પ્રસ્તાવ પાસ કરાવીને પંચાયતી રાજને સંવેધાનિક સ્થાન અપાવવાની દિશામાં કોશિશ કરી હતી. રાજીવ ગાંધી માનતા હતા કે, જ્યાં સુધી પંચાયતી રાજ વ્યવસ્થા મજબુત નહીં થાય ત્યાં સુધી નીચેના સ્તર પર લોકતંત્ર નહીં પહોંચી શકે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પુરો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. વર્ષ 1992માં 73 અને 74માં સંવિધાન સંશોધન મારફતે પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉદય થયો હતો. રાજીવ ગાંધીની સરકારે તૈયાર કરેલા 64માં સંવિધાન સંશોધન વિધેયકના આધારે નરસિંહરાવ સરકારે 73માં સંવિધાનિક સંશોધન વિધેયક પાસ કર્યું હતું. તા. 24મી એપ્રિલ 1993થી સમગ્ર દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ થઈ હતી. પંચાયતી રાજ વ્યવસ્થાનો ઈરાદો સત્તાનું વિકેન્દ્રીકરણ રહ્યો છે.
દેશમાં પહેલા મતદાન કરવાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હતી. જો કે, રાજીવ ગાંધીની નજરમાં આ ઉંમર ખોટી લાગતા તેમણે 18 વર્ષીય યુવાનોને મતાધિકાર અપાવીને તેમને દેશ પ્રત્યે જવાબદાર અને સશક્ત બનાવવાની પહેલ કરી હતી. આમ રાજીવ ગાંધીએ કરોડો ભારતીય યુવાનો લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર આપ્યો હતો. દેશના ગ્રામીણ વિસ્તારના બાળકોને મફ્ત આધુનિક શિક્ષણ આપવા માટે રાજીવ ગાંધીએ નવોદય વિદ્યાલયોનો પ્રારંભ કરાવ્યો હતો. હાલ દેશમાં 551 નવોદય વિદ્યાલયમાં 1.80 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.