બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

GDPમાં ઘટાડો થવા છતાં વિદેશી હુંડિયામણ અત્યાર સુધીની ઐતિહાસિક સપાટીએ, શું છે તેનું કારણ અને દેશ માટે તે કેટલું ફાયદાકારક?

28 ઓગસ્ટે પૂરા થયેલા અઠવાડિયા ભારતનું વિદેશી હુંડિયામણ 541.431 અબજ ડૉલર પર પહોંચ્યું હતું
2014માં 304.22 અબજ ડૉલરનું ફોરેક્સ રિઝર્વ હતું, એ વર્ષે જ નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા હતા. દેશનું વિદેશી હુંડિયામણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં 541.43 અબજ ડૉલર (39.77 લાખ કરોડ રૂપિયા) પર પહોંચ્યું હતું. એક અઠવાડિયામાં તેમાં 3.88 અબજ ડૉલર (28.49 હજાર કરોડ રૂપિયા)નો વધારો થયો.

તે પહેલાં 21 ઓગસ્ટે પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી હુંડિયામણ 500 અબજ ડૉલરનો આંકડો વટાવીને 501.7 અબજ ડૉલર (36.85 લાખ કરોડ રૂપિયા) પર પહોંચ્યું હતું. 2014માં દેશનું વિદેશી હુંડિયામણ 304.22 અબજ ડૉલર (22.34 લાખ કરોડ રૂપિયા) હતું. અત્યારે આપણા પાડોશી દેશ ચીનનું વિદેશી હુંડિયામણ 3.165 ટ્રિલિયન ડૉલર જેટલું થવા જાય છે.

ભારતનું વિદેશી હુંડિયામણ વધવાનાં કારણો

  • આર્થિક મંદી હોવા છતાં વિદેશી હુંડિયામણ વધવાનું સૌથી મોટું કારણ ભારતીય શેર બજારોમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં થયેલો વધારો છે.
  • પાછલા થોડા મહિનાઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ કેટલીયે ભારતીય કંપનીઓમાં પોતાની ભાગીદારી વધારી છે.
  • માર્ચમાં ભારતના ડેટ અને ઈક્વિટી સેગમેન્ટમાં FPIએ લગભગ 1.20 લાખ કરોડ રૂપિયાની નિકાસી કરી હતી, પરંતુ આ વર્ષના અંત સુધીમાં અર્થતંત્ર ફરી પાછું પૂર્વવત્ થાય તેવી આશાને કારણે FPI ભારતીય બજારોમાં ફરી પાછા આવી ગયા છે.
  • આ ઉપરાંત ક્રૂડની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે દેશનું આયાત બિલ ઘટ્યું છે. તેનાથી વિદેશી હુંડિયામણ પરનો બોજ ઘટ્યો છે. આ ઉપરાંત વિદેશોમાંથી રૂપિયા મોકલવામાં અને વિદેશ યાત્રાઓમાં પણ ઘટાડો આવ્યો છે. આને કારણે પણ વિદેશી હુંડિયામણ પરનો બોજો ઘટ્યો છે.
  • નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 20 સપ્ટેમ્બર 2019ના રોજ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. એ પછી વિદેશી હુંડિયામણમાં સતત વધારો થઈ રહ્યો છે.
  • GDPમાં ઘટાડો થવા છતાં વિદેશી હુંડિયામણમાં વધારો થવો તે સારો સંકેત છે.

કોરોનાવાઈરસના રોગચાળાને કારણે વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં ઉદાસીનો માહોલ છે. આ કારણે જ આ વર્ષના પહેલા ક્વાર્ટર (એપ્રિલથી જૂન)માં દેશના GDPમાં 23.9 ટકાનો જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ અને વેપારમાં સ્થગિતતાને કારણે આ ઘટાડો થયો છે. આ સ્થિતિમાં વિદેશી હુંડિયામણમાં વધારો દેશના અર્થતંત્ર માટે એક સારો સંકેત છે.

આજે 1991થી વિપરિત સ્થિતિ
વિદેશી હુંડિયામણની આજની સ્થિતિ 1991થી તદ્દન વિપરિત છે. ત્યારે આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે ભારતે ગોલ્ડ રિઝર્વ ગિરવે મૂક્યું હતું. માર્ચ 1991માં દેશનું વિદેશી હુંડિયામણ માત્ર 5.8 અબજ ડૉલર (42.59 હજાર કરોડ રૂપિયા) હતું. પરંતુ આજે વિદેશી હુંડિયામણના જોરે ભારત કોઈપણ આર્થિક સંકટનો સામનો કરી શકવા સમર્થ છે.



વિદેશી હુંડિયામણનાં મુખ્ય એસેટ્સ
  • ફોરેન કરન્સી એસેટ્સ (FCA)
  • ગોલ્ડ રિઝર્વ
  • સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR)
  • ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સાથે દેશની રિઝર્વ સ્થિતિ
  • વિદેશી હુંડિયામણનું અર્થતંત્ર માટે મહત્ત્વ

વિદેશી હુંડિયામણમાં વધારો સરકાર અને રિઝર્વ બેન્કને આર્થિક ગ્રોથમાં ઘટાડાને કારણે સર્જાયેલી કોઈપણ બાહ્ય કે આંતરિક આર્થિક કટોકટી સામે ઝીંક ઝીલવામાં મદદરૂપ થાય છે.
  • આર્થિક મોરચે સંકટ સમયે તે દેશને આરામદાયક સ્થિતિમાં મૂકે છે.
  • વર્તમાન વિદેશી હુંડિયામણ દેશના આયાત બિલને એક વર્ષ માટે સંભાળવા માટે પર્યાપ્ત છે.
  • વિદેશી હુંડિયામણથી ડૉલરની સામે રૂપિયાને મજબૂત સ્થિતિમાં મૂકે છે.
  • અત્યારે વિદેશી હુંડિયામણ અને GDPનો રેશિયો લગભગ 15 ટકા છે.
  • વિદેશી હુંડિયામણ આર્થિક સંકટના સમયે બજારને દેશની મજબૂતીની હૈયાધારણા આપે છે.
  • રિઝર્વ બેન્ક વિદેશી હુંડિયામણનું મેનેજમેન્ટ કરે છે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વિદેશી હુંડિયામણના કસ્ટોડિયન અને મેનેજર તરીકે કામ કરે છે. આ કામ સરકાર સાથે મળીને તૈયાર કરવામાં આવેલા પોલિસી ફ્રેમવર્ક પ્રમાણે થાય છે. રિઝર્વ બેન્ક રૂપિયાની સ્થિતિ સંભાળવામાં વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરે છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે RBI ડૉલર વેચે છે અને જ્યારે રૂપિયો મજબૂત બને ત્યારે ડૉલરની ખરીદી કરવામાં આવે છે. જ્યારે RBI ડૉલરમાં વધારો કરે છે ત્યારે તેટલી રકમ જેટલા રૂપિયા બહાર પાડે છે. આ વધારાની લિક્વિડિટીને RBI બોન્ડ, સિક્યોરિટી અને LAF ઓપરેશન મારફતે મેનેજ કરે છે.

વિદેશી હુંડિયામણ ક્યાં રાખવામાં આવેલું હોય છે?
  • RBI એક્ટ 1934 વિદેશી હુંડિયામણ સાચવવાનું કાયદાકીય ફ્રેમવર્ક આપે છે.
  • દેશનું 64 ટકા વિદેશી હુંડિયામણ વિદેશોમાં ટ્રેઝેરી બિલ વગેરેના રૂપમાં હોય છે. મુખ્યત્વે તે અમેરિકામાં રાખવામાં આવેલું હોય છે.
  • RBIના ડેટા પ્રમાણે વર્તમાન સમયમાં 28 ટકા વિદેશી હુંડિયામણ અન્ય દેશોની કેન્દ્રિય બેન્ક અને 7.4 ટકા કમર્શિયલ બેન્કમાં રાખવામાં આવેલું છે.
  • માર્ચ 2020માં વિદેશી હુંડિયામણમાં 653.01 ટન સોનું હતું. તેમાંથી 360.71 ટન સોનું વિદેશમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત છે. બાકીનું સોનું આપણા દેશમાં જ છે.
  • ડૉલરની વેલ્યૂમાં વિદેશી હુંડિયામણમાં સોનાનો ભાગ સપ્ટેમ્બર 2019ના રોજ 6.14 ટકા વધીને માર્ચ 2020માં 6.40 ટકા પર પહોંચી ગયો છે.

ચીનનું વિદેશી હુંડિયામણ વિદેશી હુંડિયામણ ભારત કરતાં 484 ટકા વધારે. પાડોસી દેશ ચીનનું વિદેશી હુંડિયામણ ભારત કરતાં અનેકગણું વધારે છે. ઓગસ્ટ 2020માં ચીનનું વિદેશી હુંડિયામણ 3.165 ટ્રિલિયન ડૉલર હતું. જ્યારે આપણું વિદેશી હુંડિયામણ 541.4 અબજ ડૉલર છે. યાને કે આપણા કરતાં ચીનનું વિદેશી હુંડિયામણ 484 ટકા વધારે છે. 2014માં ચીનનું વિદેસી હુંડિયામણ 4 ટ્રિલિયન ડૉલરની નજીક પહોંચી ગયું હતું, જોકે ત્યાર પછી સતત તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ વર્ષે 19.33 ડૉલર પ્રતિ બેરલ પર ક્રૂડ પહોંચી ગયું
આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 66 ડૉલર પ્રતિ બેરલ હતી. આ જ અઠવાડિયામાં 6 જાન્યુઆરીએ આ કિંમતો વધીને 68.90 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયેલી. ત્યાર પછી ક્રૂડની કિંમતો સતત ઘટી રહી છે. માર્ચના અંતમાં સમગ્ર વિશ્વને કોરોનાવાઈરસે ભરડો લીધો અને ક્રૂડની માગમાં વૈશ્વિક ઘટાડો થયો. પરિણામ એ આવ્યું કે ક્રૂડની બેરલદીઠ કિંમતો ઘટીને 19.33 ડૉલર પર પહોંચી ગઈ હતી. સોમવારે 7 સપ્ટેમ્બરના રોજ ક્રૂડની કિંમત 42.05 ડૉલર પ્રતિ બેરલ હતી.