લોકડાઉન દરમિયાન બુક કરાયેલ એર ટિકિટનું સંપૂર્ણ રિફંડ મળશે
સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCAના ક્રેડિટ સેલ દ્વારા મુસાફરોને ટિકિટ રિફંડ પરત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે, જો લોકડાઉન દરમિયાન મુસાફરીની ટિકિટ હોય તો એરલાઇન કંપનીઓએ તાત્કાલિક મુસાફરોને રિફંડ પરત કરવું જોઈએ. તે ઉપરાંત જો મુસાફરોએ લોકડાઉન બાદ મુસાફરી માટે ટિકિટ કેન્સલ કરાવી છે તો તેના પણ પૈસા ત્રણ સપ્તાહની અંદર પરત કરવા પડશે.
DGCAના પ્રસ્તાવને મંજૂરી
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર.એસ રેડ્ડી અને એમ,આર શાહે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટના જણાવ્યા પ્રમાણે, એરલાઇન કંપનીઓએ આ કેન્સલ ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવાની રહેશે. તેના માટે એરલાઈન્સ કોઈપણ કેન્સલેશન ચાર્જ વસૂલ નહીં કરી શકે . કોર્ટે DGCAની દરખાસ્ત સ્વીકારી લીધી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો એજન્ટે ટિકિટ વેચી છે, તો એર ટિકિટ માટેના રિફંડ સેલનો ઉપયોગ એજન્ટ દ્વારા જ થવો જોઈએ.
શું છે કેસ
લોકડાઉન દરમિયાન મુસાફરોએ 25 માર્ચથી 24 મે 2020ની વચ્ચે મુસાફરોએ મુસાફરી માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ જ્યારે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી તો મુસાફરોએ ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવી હતી. ત્યારબાદ મુસાફરોએ એરલાઇન્સ પાસેથી રિફંડની માગ કરી હતી, પરંતુ એરલાઈન્સ કંપનીઓ રિફંડ આપવા માટે આનાકાની કરતી હતી અને પૈસા રિફંડ કરવાની જગ્યાએ ક્રેડિટ સેલ એટલે કે કેન્સલ કરવામાં આવેલી ટિકિટની રકમમાં ટિકિટ આપવાની ઓફર કરી હતી.