બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા: જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી.

ગોધરા,

PM નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીકરણથી વંચિત ન રહે તે માટે કલેકટર સુજલ મયાત્રાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન મેગા ડ્રાઇવનું વ્યાપક  અને સુચારૂ આયોજન કરી મોટાપાયે લાભાર્થીઓને રસી આપવામાં આવી રહી છે. આ કામગીરીને વેગ આપવા પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડે વહેલી સવારથી ગોધરાના સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના વિવિધ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને વેક્સિનેશન કામગીરીનું જાત નિરીક્ષણ હાથ ધર્યું હતું તેમજ અધિકારીઓ-કર્મચારીઓને કામગીરી વધુ સારી રીતે કરવા અંગે માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.   તેમણે નાગરિકોને રસી લઈ પોતાની સાથે સમાજને સુરક્ષિત કરવા માટે સહયોગ આપવા સમજ પણ આપી હતી.

 
કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે કોરોનાને હરાવવા 100 ટકા રસીકરણ એકમાત્ર હાથવગો ઉપાય છે ત્યારે રસીકરણની કામગીરીને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 550 જેટલી ટીમો 85 સેશન્સ સાઈટો પર રસીકરણની કામગીરી કરી રહી છે. કલેક્ટરએ માર્ગદર્શિકા અનુસાર રસી લેવાની થતી હોય અને ન લીધી હોય તેવા નાગરિકોને કોઈ ડર વગર આગળ આવી રસી મૂકાવવા અને તે રીતે કોરોનાને પરાજિત કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

 
જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડે તૈલંગ હાઈસ્કૂલ ખાતે રસીકરણની કામગીરીનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે આ મેગા ડ્રાઈવ અંતર્ગત મહત્તમ સંખ્યામાં લાભાર્થીઓને આવરી લેવા માટે વહેલી સવારે 5.00 કલાકથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે અને મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રહેશે. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ગામોના ફળિયાઓમાં તેમજ હાઉસ-ટુ-હાઉસ વેક્સિનેશન કરી મહત્તમ લાભાર્થીઓને આવરી લેવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્યકર્મીઓની રસીકરણની કામગીરીને બિરદાવી આજની મેગા ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ લોકોને રસી આપવા સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.  

 
         અત્રે ઉલ્લેખનીય છે કે, ઇલેક્શન પેટર્ન મુજબ યોજાઇ રહેલી આ રસીકરણ મેગા ડ્રાઇવમાં પંચમહાલ જિલ્લામાં બપોરે 4.00 કલાક સુધીમાં 30,355 લોકોને રસી આપવામાં આવી છે. વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ વિવિધ વિસ્તારમાં નાગરિકોનો રૂબરૂ સંપર્ક કરી રસીકરણ અંગે જાગરૂકતા વધારી રસી લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી 72 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 37 ટકાથી વધુને બીજો ડોઝ અપાઈ ગયો છે. જિલ્લાના 13.14 લાખ નાગરિકોને રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 9 લાખ 46 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ અને 3.57 લાખને બીજો ડોઝ આપી દેવાયો છે.     

--00--