ગુજરાતમાં ઓવરસ્પીડના કારણે વાહન અકસ્માતના બનાવોમાં વધારોઃ એક વર્ષમાં 5972ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં થયેલા વધારા સામે માર્ગ અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં ઓવરસ્પીડના કારણે 5972 લોકોના મોત થયા હોવાનો નેશનલ ક્રાઈમ રોકોર્ડસ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો થયો છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના 2018ના અહેવાલ અનુસાર ભયજનક ડ્રાઈવીંગના કારણે 1834 વ્યક્તિઓના મોત થયા છે. આવી જ રીતે ખરાબ રસ્તાના કારણે સર્જાયેલા અકસ્માતના બનાવોમાં 54 લોકોના મોત થયા હતા. દારૂ પીને વાહન હંકારતા સર્જાયેલા અકસ્માતોમાં 122 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષમાં દારૂના નશામાં વાહન હંકારતા સર્જાયેલા અકસ્માતના લગભગ 300 જેટલા બનાવો બન્યાં હતા. વાહન ચાલકને થાકને કારણે થયેલા અકસ્માતોમાં 66, રસ્તા વચ્ચે પ્રાણી આવતા સર્જાયેલા અકસ્માતોમાં 79, ખરાબ વાતાવરણને કારણે સર્જાયેલા માર્ગ અક્સમાતોમાં 179 તથા વાહનમાં સર્જાયેલી ખામીને કારણે થયેલા અકસ્માતોમાં 149 વ્યક્તિઓના મોત થયા હતા. આમ છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવોમાં લોકોના મૃત્યુદર ઘટે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.