ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે OBC-SCST આગેવાનની કરાશે પસંદગી?
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણીને લઈને છેલ્લા કેટલાક સમયથી કોકડું ગુંચવાયું છે. રાજ્યની ભાજપ સરકાર વિવિધ સમાજના આંદોલનને લઈને ચારેય તરફથી ઘેરાયેલી છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. મુખ્યમંત્રી જે સમાજમાંથી આવતા હોય તે સમાજની વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવતા નહીં હોવાનો ગુજરાત ભાજપનો વર્ષોથી નિયમ હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સર્વણ સમાજના છે. ત્યારે વિવિધ સમાજના આંદોલનોને શાંત પાડવા માટે ભાજપનું હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી-એસસીએસટી સમાજના આગેવાનની નિમણુંક કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 181 બેઠકો પૈકી 99 બેઠકો ઉપર વિજય થયો હતો. ભાજપના આ પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ થયું હતું. તેમજ હાલ છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમાજના આંદોલન પણ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. એટલું જ નહીં ગુજરાત ભાજપના કેટલાક ટોચના નેતાઓની કામગીરીથી હાઈકમાન્ડ નારાજ હોવાનું પણ ભાજપ વર્તુળમાં ચર્ચાય રહ્યું છે. દરમિયાન ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી-એસસીએસટી સમાજના આગેવાનની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. દિલ્હીની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. નવા પ્રદેશ પ્રમુખની રેસમાં ઓબીસી-એસસીએસટી સમાજના અનેક આગેવાનોના નામ ચર્ચાય રહ્યાં છે. ત્યારે કોની પસંદગી કરવામાં આવે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.
ગુજરાતમાં આગામી દિવસોમાં સાત મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. શહેરી વિસ્તારમાં ભાજપની સ્થિતિ મજબુત છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ વધારે મહત્વનું રહે છે. જેથી આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી-એસસીએસટી સમાજના આગેવાનની નિમણુંક કરવામાં આવે તેવી પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.