બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ રાજ્યપ્રધાન નિમીષાબેન સુથારની ઉપસ્થિતીમાં યોજાયો

     પૈસાના અભાવે રાજ્યનો કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ સારવારથી વંચિત ન રહે, નાણાકીય ખેંચના લીધે કોઈ પરિવાર બીમારીના લીધે પોતાનો આધારસ્તંભ ન ગુમાવે તેવા ઉદ્દાત હેતુ સાથે રાજ્યભરમાં "આયુષ્માન આપ કે દ્વાર" અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યના ૦૨ કરોડથી વધુ લાભાર્થીઓને  ૦૨ હજાર કરતા વધુ પ્રકારની, ૫ લાખ સુધીની સારવારની સુવિધા આપતા PMJAY-MA કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે ગોધરા, સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પનાં ઉદઘાટન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું.

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નવી સુવિધાઓનું-અપડેશનનું  તેમજ રીનોવેશનના આયોજન વિશે વાત કરતા  ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસારની આરોગ્ય સુવિધાઓ આપવા, તેમાં સતત સુધારા કરવા કટિબધ્ધ છે.ગોધરા ખાતે ૩૨૫ કરોડના ખર્ચે ૩૦૦ બેડની સુવિધા ધરાવતી નવી મેડિકલ કોલેજ પણ વહેલીતકે,  શક્યત આ જ વર્ષે શરૂ કરવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા આ કોલેજનાં ડોક્ટર-નર્સીસ માટે હોસ્ટેલ, લેબોરેટરી, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરાવી એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં  લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ, સિલાઈ મશીન, વોકર, વ્હિલ ચેર, દિવ્યાંગતાના પ્રમાણપત્રો, પોષણ સહાય યોજના અંતર્ગત રૂ. ૩૦૦૦/-ના ચેક સહિતના લાભોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી દર્શાવનાર આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓને સન્માનપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અર્જુન સિંહ બી. રાઠોડે સ્વાગત પ્રવચન કરતા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની,  પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત  જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જીએમઇઆરએસના સીઈઓ ડૉ. નાયક, આરડિડી ડૉ. બિપિન પાઠક, જીએમઇઆરએસ ગોધરાના ડીન ડૉ. વણિક, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પીએમજેએવાય ડો. કાપડિયા, સીડીએમઓ  ડૉ. મયુરીબેન શાહ, જનરલ હોસ્પિટલ ગોધરાના તબીબો સહિતના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.