બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે વલસાડ જિલ્લામાં રૂા.૫૮૮.૩૫ કરોડના ખર્ચે ૮ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરાશે.

રૂા.૧૪૪ કરોડના ખર્ચે વાપી, રૂા.૭૫.૭૦ કરોડના ખર્ચે ઉમરગામ, રૂા.૨૮.૮૦ કરોડના ખર્ચે ઉદવાડા અને રૂા.૧૯૪.૧૭ કરોડના ખર્ચે વલસાડ મળી રૂા.૪૪૨.૮૭ કરોડના ખર્ચે કુલ ચાર રેલવે ઓવરબ્રીજના ખાતમુહૂર્ત.

વાપી વિસ્‍તારના ૨૫ ગામો માટે રૂા.૧૧૬ કરોડના ખર્ચે પીવાના પાણીની યોજના, વાપી નગરપાલિકા વિસ્‍તારના પ્રજાજનોને રૂા.૨.૧૦ કરોડના ખર્ચે સીટીબસ સેવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂા.૧૭.૫૦ કરોડના ખર્ચે ૫૦૧ આવાસોના લોકાર્પણ.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તા.૩૦/૧૦/૨૦૨૧ વલસાડ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે વલસાડ જિલ્લામાં રૂા.૪૫૨.૩૩ કરોડના ખર્ચે પાંચ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂા.૧૩૬.૦૨ કરોડના ખર્ચે ત્રણ વિકાસકાર્યો મળી રૂા.૫૮૮.૩૫ કરોડના ખર્ચે ૮ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરાશે.

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા. ૯.૪૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા ઓડીટોરીયમ / કોમ્‍યુનીટી સેન્‍ટરનું ખાતમુહુર્ત જ્‍યારે વાપી ખાતે આવેલા હયાત બ્રીજના સ્‍થાને રૂા.૧૪૪.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા ચારમાર્ગીય રેલવે ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત, ઉમરગામ તાલુકામાં રેલવે લેવલ ક્રોસિંગ નંબર-૭૪ પાસે રૂા.૭૫.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ચારમાર્ગીય રેલવે ઓવરબ્રીજ, ઉદવાડા ખાતે રેલવે ક્રોસિંગ નંબર- ૮૭ પાસે રૂા.૨૮.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા રેલવે ઓવરબ્રીજ તેમજ વલસાડ ખાતે હયાત ઓવરબ્રીજના સ્‍થાને રૂા.૧૯૪.૧૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા ચારમાર્ગીય મલ્‍ટીલેયર રેલવે ઓવરબ્રીજના કામો મળી કુલ રૂા.૪૪૨.૮૭ કરોડના ખર્ચે ચાર રેલવે ઓવરબ્રીજની કામગીરીનાં ખાતમુહૂર્ત કરાશે.

જ્‍યારે વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૨.૧૦ કરોડના ખર્ચે મુખ્‍યમંત્રી શહેરી બસ પરિવહન યોજના (સીટીબસ) અને રૂા.૧૭.૫૦ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) (બી.એલ.સી. ઘટક) હેઠળ ૫૦૧ આવાસો તેમજ વાપીને લાગુ ૨૫ ગામોમાં રૂા.૧૧૬.૪૨ કરોડના ખર્ચે બનાવાયેલી પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની યોજના મળી રૂા.૧૩૬.૦૨ કરોડના ખર્ચે ત્રણ વિકાસકાર્યોનાં લોકાર્પણ કરાશે.

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઓડિટોરીયમ / કોમ્‍યુનિટી સેન્‍ટર રૂા. ૯.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ ઓડિટોરીયમ બનાવવા માટે રોફેલ ટ્રસ્‍ટ વાપી દ્વારા ૯૧૦૫ ચો.મી. જગ્‍યા નગરપાલિકાને વિના વળતરે દાનમાં મળી છે. આ ઓડીટોરીયમમાં ૫૫૨ સીટની બેઠક વ્‍યવસ્‍થા (પુશબેક સીટ), અદ્યતન ઓડિયો સિસ્‍ટમ, ફુડકોર્ટ, એમ.ફી. થીયેટર, લેન્‍ડસ્‍કેપિંગ તથા ફાઉન્‍ટેન, પાર્કિંગ, સેન્‍ટ્રલી એરકન્‍ડીશન્‍ડ તેમજ સંપુર્ણ ફાયર ફાઇટિંગની સુવિધા ઉપલબ્‍ધ કરાવાશે.

મુખ્‍યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ (સીટીબસ સુવિધા) પ્રથમ તબક્કામાં પીપીપી ધોરણે રૂા. ૨૧૦ લાખના ખર્ચે કુલ ૬ બસોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૫ાંચ નોન એ.સી. તથા એક એ.સી. બસની સુવિધા આપવામાં આવશે. વાપી શહેરના મુખ્‍ય વિસ્‍તારો તથા લાગુ વિસ્‍તારો કે જ્‍યાં ઔદ્યોગિક કામદારોની વસતિ છે, તેવા વિસ્‍તારોને આવરી લેવામાં આવ્‍યા છે. આ સેવા માટે તમામ બસોનું રોકાણ તથા સંચાલન નક્કી કરેલી એજન્‍સી દ્વારા કરવામાં આવશે. બસ સુવિધા શરૂ થયા બાદ જરૂરિયાતને ધ્‍યાનમાં રાખી વધારે રૂટોની પંસદગી કરી સીટીબસ સુવિધા શરૂ કરાશે. વાપી નગરપાલિકા અને નોટીફાઇડ એરીયા વાપીની સયુંકત ભાગીદારીથી સીટીબસ સુવિધાનું આયોજન કરાયું છે. વાપી નગરપાલિકાની અંદાજે ૧ લાખની વસતિ તથા અંદાજે ૨૫ હજાર જેટલી ફલોટિંગ વસતિને આ સેવાનો લાભ મળશે.

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) (બી.એલ.સી. ઘટક) હેઠળ અંદાજીત રૂ. ૧૭.૫૦ કરોડ લાખના ખર્ચે નિર્માણ થયેલા ૫૦૧ આવાસોનું લોકાર્પણ કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વાપી નગરપાલિકાને વર્ષ ૨૦૨૨ સુધીના ફાળવેલા લક્ષ્યાંક ૧૦૫૩ સામે પૈકી અત્‍યાર સુધીમાં કુલ ૯૭૮ લાભાર્થીઓને આવાસ બનાવવાની મંજુરી આપવામાં આવી છે. જે પૈકી અત્‍યાર સુધીમાં ૫૦૧ આવાસોની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જ્‍યારે બાવન આવાસોની ફિનીશિંગ લેવલ, ૧૦૩ આવાસોની સ્‍લેબ લેવલ, ૬૨ આવાસોની લિન્‍ટલ લેવલ, તથા ૫૦ આવાસોની પ્‍લીન્‍થ લેવલની કામગીરી પુર્ણ થઇ છે. આ યોજનામાં લાભાર્થીને મકાન બનાવવા માટે કેન્‍દ્ર અને રાજય સરકારનો ફાળો મળી કુલ ૩.૫૦ લાખની સહાય લાભાર્થીના ખાતામાં સીધે સીધી સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વાપી નગરપાલિકાના વર્ષ ૨૦૧૭-૧૮ માં મંજુર થયેલા આવાસો પૈકી એક આવાસની પસંદગી નેશનલ લેવલે બેસ્‍ટ હાઉસ કન્‍સ્‍ટ્રકશન અંતર્ગત એવોર્ડ મળ્‍યો છે.

વાપી ખાતે આવેલા હયાત બ્રીજના સ્‍થાને નિર્માણ થનારા નવા ચારમાર્ગીય રેલવે ઓવરબ્રીજ રૂા.૧૪૪.૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. ૧૮૨૦ મીટર લંબાઇનો ચાર માર્ગીય ગોલ્‍ડકોઇન સર્કલથી દમણ તરફ તેમજ ૩૦૦ મીટરના પૂર્વ તથા પશ્‍ચિમ એમ બંને બાજુ વાપી - દમણ અને વાપી - મોટાપોંઢા રોડ પર ચઢવા તથા ઉતરવા માટેના એપ્રોચ રેમ્‍પ તથા ૩૨૫ મીટર લંબાઈનો અંડરપાસ રેલવેપોર્શન તેમજ બ્રીજના નીચે અવરજવર માટે સર્વિસ રોડનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉમરગામ તાલુકામાં આવેલા રેલવે લેવલ ક્રોસિંગ નંબર- ૭૪ પાસે  રૂ. ૭૫.૭૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રેલવે ઓવરબ્રીજ બનાવવામાં આવશે. હયાત ફાટકની પૂર્વમાં ને.હા.-૪૮ તેમજ પશ્‍ચિમે સરીગામ જી.આઇ.ડી.સી. આવેલી હોવાથી આ રોડ ઉપર ભારે વાહનો ભીલાડ ટાઉનમાંથી પસાર થાય છે તેમજ ભીલાડ રેલવે સ્‍ટેશન પણ નજીક હોવાના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્‍યા રહે છે. નાના મોટા અકસ્‍માતો બનાવો પણ થતા રહે છે. જેના સ્‍થાને નવા ચાર માર્ગીય રેલવેબ્રીજથી ભીલાડ, નંદીગામ, તુંબ, ડહેલી, મલાવ, વંકાછ, સરીગામ વગેરે ગામના અંદાજીત ૪૦ હજારથી પણ વધુ વસતિને વાહન વ્‍યવહાર માટે ઘણો ઉપયોગી થવાની સાથે આ વિસ્‍તારમાં આવેલા નાના-મોટા ઉદ્યોગોને પણ ઘણો જ ફાયદો થશે. 

માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા ઉદવાડા ખાતે આવેલા રેલવે ક્રોસિંગ નંબર-૮૭ પાસે રૂા.૨૮.૮૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાશે. જેમાં રેલવે પોર્શન ૧૮૭ મીટર, રેમ્‍પ-એ (બગવાડા-દમણ) ૭૨૧ મીટર અને રેમ્‍પ-બી (મુંબઇ-અમદાવાદ) ૬૩૭ મીટર લંબાઇના બનાવાશે. આ રેલવે ઓવરબ્રીજ બનવાથી પારસીઓના ધાર્મિક સ્‍થળ ઉદવાડા તેમજ કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે આવનાર પ્રવાસીઓ તેમજ આજુબાજુના ગામોના લોકો માટે સારી સગવડ ઊભી થશે. તેમજ ટ્રાફિક હળવો થતાં મુસાફરોના સમયનો પણ બચાવ થવાની સાથે સલામતી પણ વધશે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વલસાડ ખાતે આવેલા હયાત રેલવે ઓવરબ્રીજના સ્‍થાને અંદાજે રૂા. ૧૯૪.૧૭ કરોડના ખર્ચે નવા ચારમાર્ગીય મલ્‍ટીલેયર રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાશે. જેની લંબાઈ ૨૪૬૭ મીટરની રહેશે, જે પૈકી વલસાડ તરફના વિંગની લંબાઇ ૮૧૫ મીટર ધરમપુર તરફના વીંગની લંબાઈ ૮૧૧ મીટર તથા અતુલ તરફના વિંગની લંબાઈ ૮૪૧ મીટર રહશે. જ્‍યારે લો લેવલ રેલવે ઓવરબ્રીજની કુલ લંબાઇ ૧૫૬૦ મીટરની રહેશે. જૈ પૈકી વલસાડ તરફ વીગની લંબાઇ ૪૪૦ મીટર, ધરમપુર તરફના વિંગની લંબાઈ ૩૮૦ મીટર તથા અતુલ તરફના વીંગની લંબાઈ ૪૧૦ મીટર રહેશે. આ ઉપરાંત રેલવે યાર્ડ તરફના એક વિંગની લંબાઈ ૩૩૦ મીટર રહેશે. બ્રીજની નીચેથી ધરમપુર તરફથી અતુલ તરફ જવા આવવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ બ્રીજ બનવાથી વલસાડ શહેરની ટ્રાફિકની સમસ્‍યા મહદઅંશે નિવારી શકાશે. આ મલ્‍ટીલેયર રેલવે ઓવરબ્રીજના નિર્માણ દરમિયાન હયાત બ્રીજ તોડવો ન પડે તે હેતુસર કામગીરી બે ફેઝમાં કરવામાં આવશે. પહેલા ફેઝમાં હયાત બ્રીજની બાજુમાં જ નવા રેલવે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવશે અને ત્‍યાર બાદ હયાત ઓવરબ્રીજ તોડી ધરમપુર અને અતુલ સાઇડની વિંગને વલસાડ વિંગ સાથે ફેઝ-૨ માં જોડવામાં આવશે. આમ ટ્રાફિકની કોઇ પણ અડચણ વગર વલસાડ વિંગ અને અતુલ વિંગ ફેઝ- ૧ માં પૂર્ણ થશે. ત્‍યાર બાદ ધરમપુર વિંગ તેમજ ત્રણેય વિંગનું જોડાણ ફેઝ- ૨ માં પુર્ણ કરવામાં આવશે.

  વલસાડ જિલ્લાના વાપીને લાગુ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અંદાજે રૂા. ૧૧૬.૪૨ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના નિર્માણ કરવામાં આવી છે. જે અંતર્ગત વાપી તાલુકાના ૨૫ ગામોને પીવા લાયક પાણીનો જથ્‍થો પુરતા પ્રમાણમાં પુરો પાડવા માટે દમણગંગા નદી ઉપર જી.આઇ.ડી.સી. દ્વારા બનાવવામાં આવેલા વીયરના ઉપરવાસમાં ઇન્‍ટેક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર બનાવી રો- વોટરને સલવાવ તેમજ મોટી તંબાડી હેડવર્કસ સુધી વહન કરાશે. જ્‍યાં શુધ્‍ધિકરણ બાદ વાપી જુથ યોજનામાં સમાવિષ્‍ટ ૨૫ ગામોને ૪ ઝોનમાં વિભાજીત કરી પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે. આ યોજનાથી વાપી તાલુકાના ૨૫ ગામોની આશરે ૧.૭૦ લાખ માણસોની વસતિને લાભ થશે.