કાળી ચૌદસ, નરક ચતુર્થી, રૂપ ચતુર્થી, કાલ રાત્રિ અને છોટી દિવાળી
કાળી ચૌદસ એ દિવાળીના 5 દિવસના તહેવારનો બીજો દિવસ છે અને આ ચૌદસ હિન્દુ ધર્મના સાધુઓ અને અઘોરી સાધુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. કાલી ચૌદસને નરક ચતુર્થી, રૂપ ચતુર્થી અને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે . કાળી ચૌદસમાં રાત્રિનું મહત્વ વધુ છે. માટે જ તેને કાલ રાત્રિ કહેવાય છે. .
આ રાત્રે મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. મહાકાળી મા ની ઉપાસના માટે શ્રેષ્ઠ રાત્રિ છે. આ રાત કાલ ભૈરવજી, બટુક ભૈરવજી અને હનુમાનજી ની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રાત્રે તાંત્રિક અને અઘોરી સાધુ સ્મશાનમાં જાય છે અને સાધના કરે છે.
આ દિવસે સામાન્ય લોકો સિંદૂર અને તેલથી હનુમાનજીની પૂજા કરે છે. તેઓ હનુમાન ચાલીસા અને હનુમાનજીના મંત્રની માળા કરે છે. હનુમાનજીના મંદિર પર ધજા ચઢાવે છે. જેની ઉપર શનિની ધૈયા અથવા સાડાસાતી હોય છે, તે ખાસ કરીને કાળી ચૌદસના દિવસે પૂજા કરે છે . કાળી ચૌદસનો દિવસ પિતૃની પૂજા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે.
આ દિવસે સવારે શુભ મુહૂર્ત જોઈને આખા શરીર પર તલના તેલની માલિશ કરીને સ્નાન કરવું, જેને અભ્યંગ સ્નાન કહે છે. દિવસભર દેવતાની પૂજા, અર્ચના અને જપ કર્યા પછી સાંજે ઘરના આંગણામાં દક્ષિણ દિશામાં યમનો દીપ પ્રગટાવવા માં આવે છે..
કાલી ચૌદસ ક્યારે છે?
કાળી ચૌદસ આસો મહિના ની કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદસ અંગ્રેજી મહિના અનુસાર, ૦૪/૧૧/૨૦૨૧, ગુરુવારે ઉજવવામાં આવશે.
આ વર્ષે કાળી ચૌદસનો સૂર્યોદય ગુરુવાર, ૦૪/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૬.૩૭ કલાકે થશે . આ વર્ષે કાલી ચૌદસનો સૂર્યાસ્ત ગુરુવાર, ૦૪/૧૧/૨૦૨૧ ના રોજ સાંજે ૫.૪૩ કલાકે થશે .
આ વર્ષે કાળી ચૌદસનું અભિજીત મુહૂર્ત ગુરુવાર, ૦૪/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૪૮ થી સવારે ૧૨.૩૨ સુધી રહેશે .
આ વર્ષે કાળો ચૌદનો સમય રાહુ કાળ ગુરુવાર, ૦૪/૧૧/૨૦૨૧ બપોરે 2: 11 મિનિટ થી 03 51 મિનિટનો રહેશે.
અભ્યંગ સ્નાન માટે નું મુહૂર્ત સવારે 05:03 થી સવારે 6:30 સુધીનો છે . કુલ સમયગાળો 1:27 મિનિટ છે.
કાલી ચૌદસને નરક ચતુર્થી કેમ કહેવાય છે?
ભગવાન કૃષ્ણ અને તેમની પત્ની સત્યભામા કૈલાસ પર્વત પર ગયા. ત્યાં નરકાસુર નામનો રાક્ષસ લોકો અને ઋષિ મુનિઓ પર જુલમ કરતો હતો. તેમની પત્નીઓ છીનવી લઇને મહેલ માં કેદ કરતો હતો.પછી તે બળજબરીથી તેને પોતાની પત્ની બનાવાતો હતો. તેથી ભગવાન કૃષ્ણ અને તેની પત્ની સત્યભામા, જે ભગવાન કૃષ્ણના સારથિ બન્યા, ભગવાન કૃષ્ણ અને તેમની પત્ની એ નરકાસુરના દુ:ખમાંથી પ્રજા, સ્ત્રીઓ, ઋષિ અને સંતને બચાવવા માટે મળીને નરકાસુરનો વધ કર્યો. તેથી આ દિવસને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે.
કાલી ચૌદસને રૂપ ચતુર્થી કેમ કહેવાય છે?
કાળી ચૌદસના તહેવાર પર ખેતરમાં તલનો પાક તૈયાર થાય છે. તેથી આ દિવસે કાળા તલના તેલથી આખા શરીર પર માલિશ કર્યા પછી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આનાથી ત્વચા કોમળ બને છે અને ત્વચામાં ચમક આવે છે અને ત્વચા ચમકદાર બને છે. આ રીતે રૂપ ખીલી જાય છે. આ સ્નાનને અભયગ સ્નાન કહેવામાં આવે છે. તેથી જ આ દિવસને રૂપ ચતુર્થી પણ કહેવામાં આવે છે.
કાલી ચૌદસ અને રાજા બલિની દંતકથા
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, બલી નામનો એક ખૂબ જ બળવાન અને શક્તિશાળી રાક્ષસ હતો. રાક્ષસ હોવા છતાં તે ભગવાન વિષ્ણુના ભક્ત હતા. રાક્ષસ હોવા છતાં તે બ્રાહ્મણને માન આપતો હતો. તે પોતાના દરબારમાં આવનાર બ્રાહ્મણની દરેક ઈચ્છા પૂરી કરતો હતો.
એકવાર રાક્ષસ રાજા બલિને સ્વર્ગ જીતવાની ઈચ્છા થઇ. ઇન્દ્રને ઇચ્છાની જાણ થતાં જ, ઇન્દ્ર અને બધા દેવતાઓ મદદ માટે વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમના સ્વર્ગને રાક્ષસોથી બચાવવા માટે મદદ કરવાનું વચન આપ્યું. ભગવાન વિષ્ણુ, વામન બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને, રાક્ષસના રાજા બલિના દરબારમાં ભિક્ષા માંગવા ગયા.
રાક્ષસો નાં રાજા બલિએ વામનના અવતારમાં આવેલા ભગવાન વિષ્ણુને તેમની ઈચ્છા મુજબ માંગવાનું કહ્યું, ત્યારે ભગવાને ત્રણ પગલાં જમીન માંગી. આ રીતે ભગવાન વિષ્ણુએ પ્રથમ ચરણમાં આખી પૃથ્વી, બીજા ચરણમાં આકાશ અને ત્રીજા ચરણમાં પાતાળ. જે રાજા બલિએ ખુશીથી આપી હતી.
તેનાથી પ્રસન્ન થઈને વિષ્ણુએ રાજા બલિને પોતાની ઈચ્છા વ્યક્ત કરવા કહ્યું. ત્યારે રાક્ષસો નાં રાજા એ કહ્યું કે હવે, મેં બધું દાનમાં આપી દીધું છે. તેથી જ મારે કંઈ જોઈતું નથી, પણ લોકોના કલ્યાણ માટે મારે કાળી ચૌદસ, દિવાળી અને એકમ એમ ત્રણ દિવસ પૃથ્વી પર મારી ઈચ્છા પ્રમાણે થાય. આ ત્રણ દિવસ મારા નામે રહે. જે કોઈ પણ શુભ કાર્ય માટે કાલી ચૌદસની તાંત્રિક અથવા સાત્વિક પૂજા કરે છે તેનો સ્વીકાર કરવો જોઈએ. આ ત્રણ દિવસ લોકો સુખી અને આનંદથી જીવે એવી મારી ઈચ્છા છે. આમ આ ત્રણ દિવસ રાક્ષસ રાજા બલિને સમર્પિત છે.
કાલી ચૌદસ અને ઘંટાકર્ણ મહાવીર દેવ
શ્રી ઘંટાકર્ણ દેવ જૈન ધર્મના રક્ષક છે. આ કલિયુગમાં પણ તે સાક્ષાત્ દેવતા છે. તેમના દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ આજના કળિયુગમાં પણ સાચી સાબિત થઈ છે. જૈન સંરક્ષક નું સ્થાનક હોવા છતાં, અહીં દરેક ધર્મ અને જાતિના લોકો આવે છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે.
કાળી ચૌદસના દિવસે જ હવન કરવામાં આવે છે. હવન જૈન ધર્મ પ્રમાણે વિજય મુહૂર્તં એટલે કે બપોરે ૧૨:૩૯ વાગ્યે કરવા માં આવે છે. તેમાં ભાગ લેવા માટે સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી ભક્તો આવે છે. હવન પછી સહુ ભકતોને રક્ષા પોટલી બાંધવા આપવામાં આવે છે. જે ખરાબ તત્વો અને ખરાબ નજરથી રક્ષણ આપે છે. ભૂત જેવી દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે.
કાલી ચૌદસ અને અડદના વડા
ગુજરાતમાં મોટાભાગે અડદના વડા કાળી ચૌદસની સાંજે બનાવવામાં આવે છે. સૂર્યાસ્ત પછી સાંજે, સ્ત્રી ઘરેથી પાણીનો લોટો અને અડદના વડાઓથી ભરેલી થાળી ને લઈને કપડાથી થાળી ઢાંકીને ચાર રસ્તે જાય છે. પાણીના લોટા માં રાખેલા પાણીમાંથી કુંડાળું બનાવે છે. તેમાં એક વડું મૂકે છે અને દરેક દિશામાં એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં એક વડું ફેંકે છે. પછી પાછળ જોયા વિના તે ઘરમાં આવે છે. રસ્તામાં તે કોઈની સાથે વાત પણ કરતી નથી.
એવું માનવામા આવે છે કે, આ વિધિ કરવાથી જો ઘરમાં કલેશ રહેતો હોય તો બંધ થાય છે અને જો કલેશ ના હોય તો ચાલુ થતો નથી.આખું વર્ષ ઘરમાં શાંતિ રહે છે. ગુજરાતીમાં તેને "કકળાટ કઢવો" કહે છે .
કાળી ચૌદસના દિવસ અને રાત્રિનું મહત્વ છે. જે લોકોના ઘર અને જીવનમાં સમસ્યાઓ છે, તેમના માટે કાળી ચૌદસના દિવસ અને રાત, સમસ્યામાંથી મુક્તિની આશા લઈને આવે છે.