વિલ્સન હિલ ખાતે રૂ.૪.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરાયું
ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે આવેલા નયનરમ્ય પ્રવાસન સ્થળ વિલ્સન હિલ ખાતે સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૫ લાખના ખર્ચે ૧.૬ કિમીના પંગારબારી વિલ્સનહીલ રોડની રિસરફેસિંગ કામગીરીનું ભૂમિપૂજન મંત્રીશ્રીના વરદ હસ્તે કરાયું હતું. આ રસ્તો તાલુકા મથકને તેમજ પ્રવાસ સ્થળ વિલ્સનહીલને જોડતો અગત્યનો રસ્તો છે. આ રસ્તો બનવાથી સહેલાણીઓ તબીબી સેવા, સ્કુલ - કોલેજ, ખેત પેદાશોની અવર જવર માટે, નોકરી ધંધાર્થીઓને લાભ મળશે.
આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કુદરતી સંપત્તિનો ઉપયોગ થકી વિવિધ વિસ્તારોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી સ્વરોજગારીનું નિર્માણ કરવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે. ,
વલસાડ ઉત્તર વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આજે લોકાર્પણ કરાયેલી કામગીરીની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિલસનહીલના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ દ્વાર રૂા.૪ કરોડ ૯૧ લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી રૂા.૪ કરોડ ૬૦ લાખના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, અહીં વોકવે, સીસી રોડ, રેલીંગ ઓન લેકસાઈડ, ટોઈલેટ બ્લોક, કવર સીટીંગ, કિયોક્ષ, પાર્કિંગ એરીયા, પ્રોટેકશન વોલ વીથ રેલીંગ, ઓપન સીટીંગ, લેન્ડ સ્કેપીંગ, ચેઈનીંક ફેન્સીંગની કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઈ.સ ૧૯૨૮ માં તત્કાલીન ગવર્નરશ્રી લેડી વિલ્સને આ સ્થળની મુલાકાત કરી હતી. તેમના સન્માનમાં તત્કાલીન ધરમપુર સ્ટેટના રાજાશ્રી વિજય દેવજી દ્વારા આ સ્થળે આકર્ષક છત્રી બનાવી એમની પ્રતિમાં મુકવામાં આવી હતી. અને આ સ્થળનું નામ વિલ્સનહીલ રાખવામાં આવ્યુ હતું. હાલ આ છત્રી પુરાતત્વ વિભાગ અંતર્ગત છે અને પ્રતિમા ધરમપુર મ્યુઝિયમમાં રાખેલ છે. આ વિસ્તાર સંપૂર્ણ વન વિસ્તાર હોવાથી પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલ છે.