બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વાપી નગર પાલિકામાં નોંધાયું 51.87 ટકા મતદાન

વાપીમાં 11 વોર્ડની 44 બેઠકો પૈકી એક બેઠક ભાજપે બિન હરીફ મેળવ્યા બાદ 28મી નવેમ્બરે 43 બેઠકોના ઉમેદવારો માટે મતદાન થયું હતું. જેમાં સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજિત 51.87 ટકા મતદાન નોંધાયું હતું. વાપીમાં કુલ 109 ઉમેદવારો માટે 129 બુથ પર આ મતદાન યોજાયું હતું. પાલિકાની ચૂંટણીમાં ભાજપના 43, કોંગ્રેસના 42 અને આપ પાર્ટીના 24 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હતી. વાપીમાં કુલ 1,01,907 જેટલા મતદારો હોવા છતાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા જ મતદાન નોંધાયું હતું. 

મતદાન સમયે વહેલી સવારથી જ મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારના 7 થી 9ના 2 કલાકમાં 6.81 ટકા મતદાન થયું હતું. 7 થી 11 માં 17.76 ટકા મતદાન નોંધાયું હતું. 7 થી 1માં 29.50 ટકા, 7 થી 3 વાગ્યા સુધીમાં 39.69 અને 7 થી 5 વાગ્યા સુધીમાં 49.66 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 5 થી 6 વાગ્યા વચ્ચેની ટકાવારી સાથે કુલ મતદાન 51.87 ટકા નોંધાયું હતું. 

જો કે આ મતદાન દરમ્યાન આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અને મતદાનના દિવસે સવારમાં જ વોર્ડ નમ્બર 9માં ઉમેદવારના માણસો પૈસા વેંચતા હોવાનો વીડિઓ ફેસબુક પર લાઈવ કરી ખળભળાટ મચાવ્યો હતો. તો 12 વાગ્યે વોર્ડ નમ્બર 6માં કોંગ્રેસના ઉમેદવારે EVM ખરાબ થયું હોવાની ફરિયાદ નોંધાવી મતદાન પ્રક્રિયાને અટકાવી દેતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. 3 વાગ્યા આસપાસ ફરી આમ આદમી પાર્ટીના કાર્યકરે વોર્ડ નંબર 4ના બુથ નંબર 3 પર બોગસ મતદારો પાસે મતદાન કરાવતા હોવાના આક્ષેપ સાથે વીડિઓ વાયરલ કર્યો હતો. આવા નાનકડા છમકલાં સાથે સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. અને તમામ EVM ને સિલ કરી PTC કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ માં સુરક્ષિત ખસેડાયા હતાં. 

જેમાં હાલ ત્રણેય પક્ષોના 109 ઉમેદવારોનું ભાવિ સિલ છે. જે 30મી નવેમ્બરે EVM ખોલ્યા બાદ ખુલશે અને ત્યારે જ ખબર પડશે કે 44માંથી 44ની આશા સેવનાર ભાજપની આશા ફળી કે કોંગ્રેસના હાથ અને આપ ના ઝાડુએ સફાઈ કરીને બાજી મારી જો કે જે પણ પરિણામ હશે તે ભાજપ માટે આંચકાજનક હશે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે જનાધાર હશે. 

  વાપી નગરપાલિકામાં 7 થી 6 વાગ્યા સુધીમાં વોર્ડ મુજબ થયેલ મતદાન.....

કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1 માં 52.47 ટકા, વોર્ડ નંબર 2માં 52.48 ટકા, વોર્ડ નંબર 3 માં સૌથી ઓછું 44.05 ટકા, વોર્ડ નંબર 4માં 49.27 ટકા, વોર્ડ નંબર 5માં 52.00 ટકા, વોર્ડ નંબર 6માં સૌથી વધુ 59.66 ટકા, વોર્ડ નંબર 7માં 53.66 ટકા, વોર્ડ નંબર 8માં 51.11 ટકા, વોર્ડ નંબર 9માં 56.49 ટકા, વોર્ડ નંબર 10માં 44.93 ટકા, અને વોર્ડ નંબર 11માં 52.40 ટકા મતદાન સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયું હતું.