તપાસ ઘોઘંબા: મનરેગા કામોમાં મહા ભ્રષ્ટાચાર, લેબર ખર્ચ ઓછો તો મટીરીયલની ધૂમ ખરીદી, લોકપાલ શું કરે ?
ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજના હેઠળના કામોમાં ગરીબોને રોજગારી ઓછી અને મટીરીયલ ખરીદી બેફામ બની છે. કાયદેસરનો નિયમ છે કે, 40 ટકા મટીરીયલ ખરીદવું અને 60 ટકા રોજગારી આપવી પરંતુ ઘોઘંબા તાલુકામાં જાણે કોઈ રોકટોક જ નથી તેવું સામે આવ્યું છે. અનેક કામમાં લેબર ખર્ચ ઝીરો રહ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે. આટલું જ નહિ એક જ પ્રકારના કામ છતાં લેબર ખર્ચમાં આકાશ પાતાળનુ અંતર છે. મનરેગા કાયદો પણ છે છતાં કાયદાના નિયમોની ઐસીતૈસી કરી જાણે કેટલાક રોકડી કરવામાં મસ્ત છે. મહા ભ્રષ્ટાચાર થતો હોવા છતાં પંચમહાલ જિલ્લામાં મૂકાયેલા મનરેગાના લોકપાલ સાહેબ ક્યાં છે એ સવાલ બન્યો છે. ભ્રષ્ટાચાર આટલો જ નહિ હવે તમે કામોની ગુણવત્તા પૂછો તો વાત જ ના કરો, અનેક કામોમાં લાલિયાવાડી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજના કમ કાયદાની અમલવારી શું સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક રીતે થઈ રહી છે ? આ સવાલ ઉભો થતાં થોડા ઊંડાણમાં તપાસ કરતાં મહા ભ્રષ્ટાચારની સંગઠિત ગોઠવણ હોવાનું જાણવા મળ્યું છે. એક જ પ્રકારના કામમાં ચીજવસ્તુઓની ખરીદીનો ખર્ચ અને ગરીબોને અપાતી રોજગારીનો ખર્ચ મોટા પ્રમાણમાં અલગ અલગ મળી આવ્યો છે. આટલું જ નહિ ફરજિયાત કાયદો/નિયમ છે કે, કામગીરીમાં માત્ર 40 ટકા જ મટીરીયલ ખરીદવું અને રોજગારી 60 ટકા આપવી છતાં ઉલટું થઈ રહ્યું છે. આ ખર્ચની જોગવાઈનો વારંવાર વાયોલેશન એટલે કે ઉલ્લંઘન ખૂબ મોટા પ્રમાણમાં અને અવિરત છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અનેક ગામોમાં ઈરાદાપૂર્વક માટી મેટલના કામો લઈ બેફામ મેટલ ખરીદી કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક જ ગામમાં અનેક જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવી તો એક પ્રોટેક્શન વોલમા રોજગારી/લેબર ખર્ચ ઝીરો જ્યારે બીજા કામમાં લેબર ખર્ચ પાડવામાં આવ્યો છે. આટલું જ નહિ એસેટ ઉભી કરવાના નામે મટીરીયલની ધૂમ ખરીદી કરી ગોઠવણ મુજબ ચોક્કસ વેન્ડરો સાથે ટકાવારી પણ ચાલી રહી છે. મહા ભ્રષ્ટાચારનો ભોરિંગ હોવા છતાં સ્પેશિયલ મનરેગા માટે મૂકાયેલા લોકપાલ કેમ સુઓમોટો તપાસ હાથ ધરતાં નથી ? ગ્રામ પંચાયતથી લઈને ડીઆરડીએ અને જિલ્લા પંચાયત સુધી આવતી રજૂઆતો/ફરિયાદો ઉપર મનરેગા સાહેબ કેમ તપાસ નથી કરતાં? મનરેગાના કડક તપાસ અધિકારી જોવા મળે તો ઘોઘંબા તાલુકામાં મોકલજો ને એવી અપેક્ષા સ્થાનિકોમાં ઉભી થવા પામી છે.