બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વિશ્વભરના સફળ મહાપુરુષોમાં એવું તો શું હતું કે જે દરેક વ્યક્તિને પણ મહાન બનાવી શકે!

          એક પ્રજ્ઞેશનામનો શિક્ષક પુસ્તકાલયની મુલાકાતે જઈ રહ્યો હતો. તેણે રસ્તામાં બે લોકોને ઝઘડતા જોયા અને તે ઝઘડાનો આનંદ લેવા ઊભો રહ્યો. ઝઘડો પૂરો થયા પછી ધીરે ધીરે પુસ્તકાલય તરફ આગળ વધ્યો. રસ્તામાં ફરીથી તે કોઈ એક પાનના ગલ્લે ક્રિકેટ જોવા અને ગપ્પાં મારવા ઊભો રહી ગયો. આથી તે પુસ્તકાલયમાં સમય કરતાં મોડો પહોંચ્યો અને રસ્તામાં જ મોટાભાગનો સમય વેડફી નાખ્યો. આ જ પ્રમાણે તે પ્રજ્ઞેશ શાળામાં, વર્ગમાં, તાલીમ કેન્દ્રમાં હંમેશા અનિશ્ચિત સમયે પહોંચે છે.


          આ પ્રજ્ઞેશની પહેલી ઓળખ થઈ. આ પ્રજ્ઞેશનું જીવન આપણને ઘણું બધું શીખવી જાય છે. પ્રજ્ઞેશમાં જે ખૂટી રહ્યું છે તે આપણને ઊડીને આંખે વળગે તેવું સહજ અને સ્વાભાવિક છે. આ સહજ અને સ્વાભાવિક જણાતો "પ્રતિબદ્ધતા" નામનો ગુણ કેળવવો પણ સહજ અને સરળ જ છે. સફળતાનાં શિખરો સર કરનારા દરેક મહાપુરુષોના જીવનમાં આ પ્રતિબદ્ધતા નામનો ગુણ કેળવાયેલો જોવા મળશે.


          જે માણસ નોકરી ધંધામાં મોડો પહોંચે છે. કામને ઠેલવ્યા કરે છે. આપેલાં વચનો તોડે છે વગેરે... આવાં એક સરખાં જણાતાં લક્ષણો વાળા લોકો પોતાના હોવાપણાનો પરિચય આપતા જ રહે છે. તે પોતે કેવું જીવન જીવી રહ્યા છે તે હંમેશા પોતાના વર્તનથી સાબિત કરી રહ્યા જ હોય છે. ખરેખર આનું મૂળ તપાસીશું તો ખબર પડશે કે આવા પ્રકારના લોકોમાં પ્રતિબદ્ધતાનો જ અભાવ હોય છે. આપણી પ્રતિબદ્ધતા એજ આપણી ઓળખ છે એમ કહેવું કંઈ ખોટું નથી. આજે મેં અને તમે જેટલું પણ મેળવ્યું છે તે પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે. આપણા કરતાં વધારે શ્રેષ્ઠ પામનારા લોકોમાં આપણાથી વધારે તેમાં કેળવાયેલી પ્રતિબદ્ધતા હોય છે.


         જેનામાં પ્રતિબદ્ધતાનો અભાવ હોય છે તેને આપણે "વ્યવહારું લોકો" એવી સંજ્ઞા વાપરીને જાત બચાવ કરી લઈએ છીએ. અપ્રતિબદ્ધ લોકોનો પરિચય તેની ભાષાથી જ થઈ જાય છે. તેની ભાષા આવી કંઈક હોય છે...  ''હવે ચાલશે રહેવા દેને'',  ''પૂર્ણ કોઈ નથી હોતું'',  ''આતો આમ જ હોય'', ''હવે અડઘો ક્લાક આમ કે તેમ'',  ''ચાલી જશે'',  ''એ ક્યાં વળી હરિશ્ચન્દ્ર છે?'', ''બધાં આમ જ કરે છે'', ''આવું જ ચાલતું આવે છે''. આવી વાણી આપે પણ સાંભળી જ હશે. આવા લોકો જીવનમાં ક્યારેય સફળ થતા જ નથી.


          પ્રતિબદ્ધ સાધકોની ભાષા જ તેનો પરિચય કરાવી આપે છે. જેમ કે... ''મારે સમય કરતાં વહેલા પહોંચવું જોઈએ,''  ''હું આવું તો ક્યારેય નહીં જ કરું'',  ''આ મારી જવાબદારી છે'', ''આ કામ હું પૂર્ણ કરીને જ બતાવીશ'', ''હું નસીબદાર છું કે આ કામ માટે મને અવસર મળ્યો'',  ''હું કોઈ પણ સંજોગોમાં કરીને જ જંપીશ'',  ''ખતમ થઈ શકું છું પણ છોડીશ નહીં'', આ ખુમારી જેનામાં હતી તે સૌ વિશ્વ વિજેતા કે સફળ વ્યક્તિ બની ગયા.


             આ પ્રતિબદ્ધતા (Commitment) શબ્દ આપણે અનેકવાર સાંભળ્યો જ હશે. આવાં અનેકવિધ રહસ્યો જેમાં સમાયેલાં હોય છે તેવા શબ્દોનું તલસ્પર્શી અધ્યયન કરવું એ સાધકોનું સૌથી અગત્યનું કર્તવ્ય છે. અહીં પણ આપણે આ પ્રતિબદ્ધતા શબ્દની શક્તિઓથી વાકેફ થવું છે. આ આમજ જણાતો નાનો સરખો શબ્દ માનવને મહામાનવ બનાવી શકે છે. આપ અનેકવિધ માપદંડોથી સંશોધન કરશો તો સમજાશે કે સફળ થયેલા દરેક વ્યક્તિઓમાં જો કોઈ સર્વસામાન્ય ગુણ હોય તો તે છે પ્રતિબદ્ધતા.


          પ્રતિબદ્ધતા કેળવ્યા વિનાની સફળતા કામ ચલાઉ હોય છે. અમુક લોકો કૃત્રિમ રીતે સમાજમાં પોતાની જાતને ઝડપથી સાબિત કરવાના સઘન પ્રયાસો કરે છે. યેનકેન પ્રકારે તે કામચલાઉ ઊભરી પણ આવે છે. પણ આ કૃત્રિમતા કાયમી ટકતી હોતી નથી. કેમકે જાતને કેળવ્યા વિના સફળતાનો કોઈ  ટૂંકો બીજો રસ્તો જ નથી. પ્રતિબદ્ધતા વિનાની મળેલી સફળતા પાયા વિનાની ઈમારત જેવી હોય છે. આથી સામાન્ય વ્યક્તિ જે સાધના કરીને મહાન બનવાની ઈચ્છા ધરાવે છે તેના માટેનું પહેલું પગથિયું છે પ્રતિબદ્ધતા.


          પ્રતિબદ્ધતા એ વ્યક્તિની સાચી ઓળખ છે એમ કહેવું વધારે ઉચિત છે. ''ભક્તને ભક્તિ માટે'', ''વિદ્યાર્થીને વિદ્યાર્જન માટે'', ''સૈનિકને દેશ માટે'', ''કર્મચારીને કર્મ માટે'', ''ગુરુને શિક્ષા માટે''. વગેરે ક્ષેત્રોમાં સફળ થવા માટે આપણે ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા સાબિત કરી બતાવવી પડે છે. જે સફળ પુરુષોએ પુરવાર કરી બતાવ્યું છે. '' શ્રી રામ પિતાની આજ્ઞાને પ્રતિબદ્ધ રહ્યા'', ''ભક્ત પ્રહ્લાદજી વિષ્ણુ ભક્તિને પ્રતિબદ્ધ રહ્યા'', ''ગાંધીજી અહિંસા અને સત્યને પ્રતિબદ્ધ રહ્યા'', ''ભીષ્મ પિતામહ પોતાની પ્રતિજ્ઞાને પ્રતિબદ્ધ રહ્યા''. આમ એ સાબિત થાય છે કે મહાપુરુષો જેને આપણે સફળ કહીંએ છીએ તે પોતાની પ્રતિબદ્ધતાને કારણે જ વિખ્યાત બન્યા છે.


         જરા વિચાર કરીએ જો એક બ્રહ્મચારી, એક સૈનિક, એક શિક્ષક, એક ગુરુ વગેરે પ્રતિબદ્ધ ના હોય તો? આના પરિણામની આપ કલ્પના કરો.  દરરોજ રસ્તાઓ બદલવા વાળા લોકો આપણને ઠેર ઠેર જોવા મળે છે. પરંતુ એક જ રસ્તા પર સતત આગળ વધતા સાધકોને આપણે ભાગ્યે જ જોયા હશે. પોતે સ્વીકારેલા કામને પોતાની જવાબદારી સમજીને આનંદથી એક સમર્પણ શક્તિથી ગુણવત્તાપૂર્વક કરનારા તપસ્વીઓ જ વંદનીય હોય છે. સંકલ્પ કે કર્તવ્યને વળગી રહેવું, એકવાર નક્કી કર્યાં પછી મનને હાલક-ડોલક ન થવા દેવું તે વફાદારી એટલે પ્રતિબદ્ધતા.


         અપરિપક્વ માણસો અવ્યવસ્થિત જીવન જીવવા ટેવાયેલા હોય છે. સૌથી પહેલાં તો મનની જ બેઠક વ્યવસ્થા બરાબર રીતે મજબૂત કરવી ખૂબ જ અનિવાર્ય છે. અપ્રતિબદ્ધ વ્યક્તિઓ અસંયમિત અને ચંચળ હોય છે. દ્રઢ મનોબળ અને અડીખમ વિશ્વાસ પ્રતિબદ્ધતાને વરેલાં હોય છે. ખાસ યાદ રાખવા જેવું તે છે "આપણે જેટલા આપણી પોતાની જાતને પ્રતિબદ્ધ હોઈશું તેટલા જ સામે વાળા લોકો પણ આપણી જાતને પ્રતિબદ્ધ રહેવાના. જો આપણને આપણા સમયની કિંમત હશે તો આપોઆપ સામે વાળા લોકો પણ આપણા સમયની કિંમત કરશે.


          નાની નાની પ્રતિબદ્ધતા પણ પ્રયત્ન પૂર્વક કેળવવી પડે છે. જેમ કે કોઈ માણસ પોતાની જાતને વિકસાવવા ઈચ્છતો હોય તો તેમણે ક્ષણે ક્ષણે પ્રતિબદ્ધતાની કસોટીમાંથી ઉત્તિર્ણ થવું જરૂરી છે જેમ કે... ''વહેલાં ઊઠવું'', ''વ્યાયામ કરવો'', ''સાત્વિક ભોજન કરવું'', ''વાચન કરવું'', ''ડાયરી લખવી'', ''કોઈને આપેલાં વચનો નિભાવવાં, સામેવાળાએ આપેલા સમયે પહોંચવું, ''પૂર્ણ શક્તિથી સહાયતા કરવી'', ''આ બધી નાની લાગતી બાબતો ખૂબજ મહત્વપૂર્ણ છે.


            અહીં સાધકોએ સૌથી મોટી દીક્ષા એ લેવાની છે કે તેમને યોજનો દૂર જવાનું છે. યોજનો દૂર સુધીની યાત્રા પ્રતિબદ્ધતા નામની મજબૂત નૌકા કરાવી આપવા સમર્થ છે. પ્રતિબદ્ધતાને વળગી રહેવું અનિવાર્ય બને છે. જેમ કે ''અમુક બાબતો શીખવા માટે હંમેશા અગ્રેસર રહેવું'', ''રોજ વાચન માટે વિશેષ સમય કાઢવો'', ''કહેલું અને સ્વીકારેલું અક્ષરસહ પાળવું'', ''નક્કી કરેલા એક માર્ગને વળગી રહેવું'', ''હંમેશા જાતને વિસ્તારતા રહેવું'' ''પુરુષાર્થી બની રહેવું''. "આ બધું તો જ થશે જો આપણે પ્રતિબદ્ધતાના હિમાયતી બનીશું''. ચાલો આપણે આપણી આગવી ઓળખ ઊભી કરીએ. સફળ થયેલા વિશ્વ માનવીઓએ જીવેલા માર્ગે ચાલીએ એટલે કે પ્રતિબદ્ધ બનીએ...


ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ