ફક્ત પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન, દર્દીઓને નિ:શુલ્ક જમવાની વ્યવસ્થા
જામનગરમાં શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને બે ટકનું ભોજન કરાવે છે. રોજનાં 1000થી વધુ લોકોને ભોજન કરાવે છે. ટોકનનાં ફક્ત પાંચ રૂપિયા લે છે. તેમજ દર્દીઓને મફ્ત ભોજન આપવામાં આવે છે. લોકો સામેથી આવીને દાન આપી જાય છે.
જામનગર: જામનગરમાં એક સંસ્થા છે, જે છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાઓને બે ટકનું ભોજન પીરસે છે. એક ટિફિનનાં ટોકલ તરીકે પાંચ રૂપિયા લે છે. આ ઉંપરાંત દર્દીઓને નિઃશુલ્ક ટિફિન આપે છે. આ સંસ્થા દ્વારા આજદીન સુધી કોઈ દાતા પાસે એક રૂપિયાનું દાન માંગ્યું નથી. જામનગરમાં ગુરુ ગોબિન્દસિંહ સરકારી હોસ્પિટલની બાજુમાં શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટનું એક જ ધ્યેય છે કે, ભૂખ્યાઓને ભરપેટ ભોજન કરવાવવુ.
સંસ્થાના મંત્રી ચંદ્રેશભાઈએ જણાવ્યું કે, જરૂરિયાતમંદ લોકોનું સ્વમાન જળવાય રહે તે માટે પાંચ રૂપિયા ટોકલ લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે ટોકનના પૈસા ન હોઈ તો પણ અહીંથી ખાલી હાથ જવા દેવામાં આવતો નથી. શરૂઆતમાં બે લોકોને જમાડતા હતાં. આજે આ ટ્રસ્ટ દ્વારા દરરોજ 1000થી 1200 લોકો બે ટાઈમનું ભોજન આપવામાં આવે છે. સવારે 11:30થી બપોરના 2 વાગ્યાં સુધી અને સાંજે 6 વાગ્યાંથી 7:30 વાગ્યાં સુધી જમવાનું આપવામાં આવે છે.
જામનગર શહેરમાં વસતા મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું ભોજન કરે છે. એટલું જ નહીં શહેરમાં અનેક નિરાધાર, વિધવા કે ગરીબ લોકો છે, જેઓને બે ટકનું ભોજન મળતું નથી, આવા 200થી વધુ લોકોને ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટના લોકો ઘરે જઈને બપોર અને સાંજનું જમવાનું આપવા જાય છે.
દાતાઓ સામે ચાલીને ટ્રસ્ટની ઓફિસે 500 રૂપિયાથી લઈને 50 હજારનું દાન આપી જાય છે. જયારે લોકલની ટીમ આ ટ્રસ્ટની મુલાકાત લેવા પહોંચી ત્યારે જ એક મોટી ઉંમરના દાદા દાન કરવા આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, અમેરિકા રહેતી દીકરીના દીકરીનો જન્મદિવસ હોવાથી મે 25 હજારનું દાન કર્યું છે. હું અવાર નવાર અહીં દાન કરવા આવતો રહુ છું. આ સંસ્થા ખુબ જ સારુ કામ કરી રહી છે.