બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

'રહસ્યમય પ્રકાશ' ને નવલકથામાં તૃતિય પારિતોષિકનો સન્માન

'રહસ્યમય પ્રકાશ' ને નવલકથામાં તૃતિય પારિતોષિક

ગુજરાતી વિજ્ઞાન સાહિત્યમાં ક્રમશઃ નવી દિશાઓ ખુલતી જાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ 2023ના શ્રેષ્ઠ પુસ્તકોના પરિતોષિક જાહેર કરતાં ગાંધીનગર સ્થિત વહીવટી અધિકારી અને વિજ્ઞાન સાહિત્યકાર જીગર સાગરની નવલકથા 'રહસ્યમય પ્રકાશ' ને નવલકથા વિભાગમાં તૃતિય પારિતોષિકથી નવાજી છે. એક સરકારી વહીવટી અધિકારી અને ભૌતિકશાસ્ત્રના અનુસ્નાતક તરીકે સાહિત્ય ક્ષેત્રે એમનું યોગદાન મહત્વપૂર્ણ છે.


વૈજ્ઞાનિક કથાનું રોમાંચ

'રહસ્યમય પ્રકાશ' નવલકથાનું પ્રેરણાસ્ત્રોત ઓસ્ટ્રેલિયા ખંડના મધ્યભાગમાં દેખાતા ભેદી પ્રકાશ 'મીન-મીન' વિષય પર લખાયેલા લેખમાંથી મળ્યું. સાગરે એ લેખના વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય અને ઘટનાને આધારે એક નવલકથા રચી, જેમાં ભારતીય વૈજ્ઞાનિકોની એક ટીમ આ રહસ્યને ઉકેલવા માટે રોમાંચક સાહસ કરે છે. ખાસ વાત એ છે કે વિજ્ઞાનમાં રસ ન ધરાવતા વાચકો પણ આ નવલકથાનો રોમાંચ માણી શકે.


'અસ્તિત્વનો અહેસાસ' અને 'હાઈઝેનબર્ગ ઈફેક્ટ'

આ અગાઉ જીગર સાગરે 'અસ્તિત્વનો અહેસાસ' નામની એક લઘુનવલ લખી હતી, જે ગુજરાતી ભાષાની કદાચ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવલકથા હતી. તાજેતરમાં જ એમની બીજી વિજ્ઞાન નવલકથા 'હાઈઝેનબર્ગ ઈફેક્ટ' પણ પ્રકાશિત થઈ, જે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિપ્રેક્ષ્યમાં અણુબોમ્બના નિર્માણ અને તેની શક્યતાઓની કથા રજૂ કરે છે.


વાઇરલ વિજ્ઞાનકથાઓ અને ભવિષ્યની અપેક્ષાઓ

સોશિયલ મીડિયામાં પણ સાગર સક્રિય છે. તેમની ટૂંકી વિજ્ઞાનકથાઓ પરથી બનેલ YouTube વિડિયો દોઢ કરોડથી વધુ દર્શકો સુધી પહોંચ્યા છે. આથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ માત્ર સાહિત્યકાર જ નહીં, પણ વૈજ્ઞાનિક વિચારોને સરળ ભાષામાં જનસમાજ સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે.


ગુજરાતી વિજ્ઞાન સાહિત્યમાં જીગર સાગરના યોગદાનને મહત્વની ઓળખ મળી રહી છે. તેઓ એક સક્ષમ વહીવટી અધિકારી હોવા છતાં, સાહિત્ય અને વિજ્ઞાનના સંયોજન દ્વારા વિજ્ઞાનપ્રેમી વાચકો માટે એક નવી દુનિયા ઊભી કરી રહ્યા છે.