બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કાટા ત્જુટા (ઓસ્ટ્રેલિયા).

દક્ષિણ ગોળાર્ધમાં આવેલા હોવાના કારણે ડાઉન અંડર તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાને પ્રકૃત્તિએ અનેક અજાયબીઓ વડે નવાજ્યું છે. દુનિયાના સૌથી મનમોહક દરિયા કિનારા, આભને આંબતા પહાડો, લીલાછમ વનો અને ચામડી દઝાડતા રણપ્રદેશો જેવા કુદરતના દરેક રૂપ અહીંયા જોવા મળે છે. જોકે ઘણાં લોકોના મતે ઓસ્ટ્રેલિયાની અસલી ઓળખ તો તેનો ઉત્તર ભાગ છે. ઓસ્ટ્રેલિયાની નોર્ધર્ન ટેરિટરીના દક્ષિણ ભાગે સેન્ડસ્ટોનના બનેલા વિશાળ ગુંબજાકાર ખડકોનું એક ઝૂંડ પથરાયેલું છે જે કાટા ત્જુટા નામે જાણીતું છે.

કાટા ત્જુટાનું બીજું નામ ઓલ્ગાસ પણ છે જે ઓસ્ટ્રેલિયાના મહત્ત્વના પર્યટનસ્થળોમાંનું એક છે. ઓસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓની ભાષામાં કાટા ત્જુટાનો અર્થ થાય છે ઘણાં બધાં માથાં. નામ પ્રમાણે જ કાટા ત્ટુજા ખાતે ૩૬ ગુંબજાકારના વિશાળ રાક્ષસી માથા જેવા ખડકો છે. કાટા ત્ટુજાના ખડકો ૨૧.૬૮ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલા છે અને સૌથી ઊંચો પર્વત માઉન્ટ ઓલ્ગા દરિયાની સપાટીથી ૩૪૯૭ ફૂટ જેટલી ઊંચાઇ ધરાવે છે.

કાટા ત્જુટાના ગુંબજો આર્કોસ તરીકે ઓળખાતા ખરબચડા સેન્ડસ્ટોનના બનેલા છે. આ પ્રકારના ખડકોમાં મુખ્યત્ત્વે ફેલ્ડસ્પાર હોય છે. પૃથ્વીના પોપડામાં લગભગ ૪૧ ટકા જેટલું પ્રમાણ આ ફેલ્ડસ્પાર તરીકે ઓળખાતી ખનીજનું હોય છે. કાટા ત્જુટાના ખડકોના બંધારણમાં લગભગ પચાસ ટકા જેટલો હિસ્સો ફેલ્ડસ્પાર ધરાવે છે.

ફેલ્ડસ્પાર ઉપરાંત આ ખડકોના બંધારણમાં ૨૫થી ૩૦ ટકા ક્વાર્ટ્ઝ અને ૨૫ ટકા જેટલો હિસ્સો મુખ્યત્તવે બેસાલ્ટના ખડકોનો છે. ગુંબજોનો મૂળ રંગ તો ભૂખરો છે પરંતુ વિવિધ લોહખનીજોનું ઓક્સિડેશન થતાં તે રાતાશ પડતા બદામી રંગનો દેખાય છે.

ખડકોની વિશિષ્ટ ભૌગૌલિક રચનાના કારણે દિવસના જુદાં જુદાં સમયે જુદાં જુદાં રંગના દેખાય છે. સૂર્યના કિરણોની દિશા અનુસાર ખડકો બદામી, રાતો, નારંગી કે જાંબલી રંગના દેખાય છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તમામ ગુંબજો રાતા રંગે ઝળહળી ઉઠે છે. વિવિધ રંગી ખડકોની આ ખાસિયત જ દુનિયાભરના લાખો સહેલાણીઓને ખંચી લાવે છે.

ઓસ્ટ્રેલિયાની મૂળ આદિવાસી પ્રજા તો ખડકોના આ બદલાતા રંગોના કારણે તેમને દૈવી ગણીને પૂજતી આવી છે. કાટા ત્જુટા અંગે સ્થાનિકોમાં અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે જોકે તેઓ તેમની માન્યતાઓ તેમના પૂરતી જ ગોપનીય રાખે છે અને બીજા લોકોને કહેતા નથી.

કાટા ત્જુટા ઓસ્ટ્રેલિયાના વેરાન રણપ્રદેશમાં આવેલો હોવાના કારણે અહીંયા વરસાદનું પ્રમાણ નહિવત્ છે. વળી અહીંયાનું તાપમાન પણ અત્યંત વિષમ છે. ઉનાળાના દિવસો દરમિયાન તાપમાન ૩૭ ડિગ્રીએ પહોંચે છે તો શિયાળામાં પારો ચાર ડિગ્રી સુધી ગગડી જાય છે. ઓક્ટોબરથી લઇને માર્ચ દરમિયાન જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે અહીંયા સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડી બાળી નાખે એવા આકરા હોય છે.

વિષમ પરિસ્થિતિ હોવા છતાં અહીંયા લગભગ ૨૧ જાતના પ્રાણીપંખી પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. ઓસ્ટ્રેલિયાના વતની એવા કાંગારુ પણ આસપાસ વિચરતા જોવા મળે છે. ઉપરાંત પોસમ, વૉલાબી, બિલ્બી, બેટ્ટોંગ જેવા પેટે કોથળી ધરાવતા જીવો પણ જોવા મળે છે. ઉલુરુ કાટા ત્જુરા નેશનલ પાર્કમાં ૭૩ જાતના સરિસૃપ જીવો પણ વિચરે છે જેમાં ઝેરી સાપથી લઇને રણપ્રદેશમાં થતી ગરોળી મુખ્ય છે. પાંખ વિનાના વિશાળકાય ઇમુ પક્ષી પણ ક્યારેક જોવા મળી જાય. 

અનોખી રચનાના કારણે કાટા ત્જુટાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. આમ તો ખડકોની અનોખી રચનાના કારણે લાખો સહેલાણીઓ ધસારો કરતા રહ્યાં છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી અહીંયા પર્વતારોહણનું ચલણ ખાસું વધ્યું છે. એમાંયે ઘણી વખત તો ખડકો પર ચડવા માટે પર્વતારોહકો અને સાહસિકોની લાંબી કતાર લાગતી પણ જોવા મળે છે.

સહેલાણીઓના વધી રહેલા ધસારાના કારણે આ વિસ્તારમાં કચરા અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે અહીંયાના સ્થાનિક આદિવાસીઓએ તેમને મન પવિત્ર એવા ઉલુરુ અને કાટા ત્જુટા પર પર્વતારોહણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. જેને અનુલક્ષીને ઓસ્ટ્રેલિયાની સરકારે ગયા વર્ષથી આ વિસ્તારમાં પર્વતારોહણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.