ગુજરાતમાં 70% મહિલાઓ ઘરેલુ અત્યાચાર સહન કરે છે.
ઘરેલુ હિંસા અપરાધ છે. આ વાત જાણવા છતાં સ્ત્રી બાળકોનું ભવિષ્ય ન બગડે, માતા-પિતા, પરિવારના ભયથી કે પછી સમાજમાં ઇજ્જત જવાના ડરથી મહિલા સહન કરે રાખે છે. સ્ત્રી માટે હિંસામુક્ત તેમજ સુરક્ષિત સમાજનું નિર્માણ હજુ સુધી થયું નથી. મહિલા ઘરની બહાર તો ઠીક પરંતુ ચાર દિવાલની અંદરે પણ સુરક્ષિત નથી. એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે. ઘણી મહિલાઓમાં પોલીસ સ્ટેશને જવાની હિમ્મત હોતી નથી અથવા તેને ઘરની બહાર પગ મૂકવા દેવામાં આવતો નથી. હિંસામુક્ત સમાજ બને અને સામેથી મહિલાને મદદ મળે એ માટે સરકારે કાયદાની સાથે 181 અભયમ્ મહિલા હેલ્પ લાઇન શરૃ કરી છે. સ્ત્રી પર ઘરેલુ હિંસા થાય, કોઇ જગ્યા એ મુશ્કેલીમાં ફસાઇ હોય તો 181 હેલ્પ લાઇનનો સંપર્ક કરતાં મહિલા કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ રેસ્ક્યુવાન સહિત જે તે સ્થળે પહોંચી જાય છે. આ ઉપરાંત આ હેલ્પલાઇન પર સરકાર દ્વારા બનાવેલી મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અને સલાહ માર્ગદર્શન પણ મળે છે. કોઇપણ મહિલા અભયમ્ સેવાનો ઉપયોગ કરી પોતાના પર થઇ રહેલાં કોઇપણ પ્રકારના અત્યાચારમાંથી મુક્તિ મેળવી શકે છે.
સ્ત્રી પર ઘરેલુ અત્યાચાર આજથી નહીં દાયકાઓથી થતા આવ્યાં છે. આપણા દેશનું બંધારણ સ્ત્રીને સ્વતંત્ર તેમજ શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે. આ હકોના રક્ષણ માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આવો જ એક કાયદો 'પારિવારિક હિંસાથી મહિલાને રક્ષણ આપતો અધિનિયમ 2005' છે. આ કાયદો ઘરની ચાર દિવાલો વચ્ચે થતી હિંસા સામે મહિલાને રક્ષણ આપે છે. મહિલા તેની ઉપર થતી હિંસા સામે ફરિયાદ નોંધાવી ન્યાય માગી શકે છે.
35-50વર્ષની વચ્ચેની મહિલાઓ પર ઘરેલુ અત્યાચાર સૌથી વધારે થાય છે.
-ગામડામાં શારીરિક હિંસાનું પ્રમાણ અને શહેરમાં માનસિક હિંસાનું પ્રમાણ વધારે જોવા મળે છે.
-2797 અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 2797 અરજી આવી હતી એમાં 1647 અરજીમાં સમાધાન થયું છે. આ વર્ષે લૉકડાઉનમાં મહિલા ફરિયાદ લખાવવા આવી ન શકવાને કારણે માત્ર 1684 અરજી જ આવી છે, જેમાં 636નું સમાધાન થયું છે. અનલૉક થઇ રહ્યું છે એટલે બીજી ફરિયાદો આવવાની શક્યતા છે.
-શારીરિક, માનસિક, જાતિય અને આર્થિક હિંસા મહિલાઓ ઉપર થાય છે.
મહિલાઓ અત્યાચાર સહન કરે છે પણ બહાર આવતી નથી
ડોમેસ્ટિક વાયોલન્સ દરેક વર્ગની મહિલાઓ પર થાય છે પરંતુ રોજ કમાઇને રોજ ખાનાર વર્ગ છે એમાં ઇગો પ્રોબ્લેમ નથી. બાકી મધ્યમ વર્ગ અને અપર કલાસમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જ્યારથી મહિલા પોલીસ સ્ટેશન બન્યા છે ત્યારથી મહિલાઓ ફરિયાદ લખાવતી થઇ છે. મહિલાને કાયદાકીય માહિતી, મેડિકલ ટ્રીટમેન્ટ, કાઉન્સેલિંગ બધું એક જ જગ્યાએથી મળી જાય છે. એ માટે દરેક જિલ્લામાં મહિલા વન સ્ટોપ સેન્ટર ખોલવામાં આવ્યા છે. તેમ છતાં 70 ટકા મહિલાઓ અત્યાચાર સહન કરે છે પરંતુ બહાર આવતી નથી. દરેક વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ સમજવું પડશે. જો જાતને ગણશો નહીં તો તમારું મહત્ત્વ કોઇ સમજશે નહીં. હું શું કરી શકું? એ મગજમાંથી કાઢી નાખો. માનસિક્તા બદલાશે તો જ સમાજમાં પરિવર્તન આવશે.' -મીની જોસેફ, એસીપી, મહિલા ક્રાઇમ બ્રાન્ચ
સમાજમાં પરિવર્તન લાવવું હોય તો શરૃઆત ઘરેથી જ કરવી પડે
સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવ અને મહિલાને સમાન અધિકારો મળે એ માટે ઘણા પ્રયત્નો થયા છે. પુરુષપ્રધાન સમાજમાં થોડા ઘણાં અંશે પરિવર્તન જરૂર આવ્યું છે પરંતુ હજુ પ્રચાર પ્રસાર દ્વારા બદલાવની ઘણી જરૃર છે. બાળકી ઘરમાં તો દૂરની વાત છે. માતાના ગર્ભમાં પણ સલામત નથી. બાળકી સાથે વિકૃત વર્તન કરી એની હત્યા કરવામાં આવે છે. ઘરની વાત ઘરમાં રહે અથવા સમાજના ડરને કારણે સ્ત્રી શક્ય હોય એટલું સહન કરે છે. લોકોની માનસિક્તા બદલાય અને સ્ત્રીને એક વ્યક્તિ તરીકેની ઓળખ મળે એ માટે શરૃઆત ઘરમાંથી જ કરવી પડશે. દીકરી દિકરાનો ઉછેર સમાન રીતે કરવામાં આવે, બંને વચ્ચે સમાન રીતે કામની વહેંચણી થાય તેને માન આપવામાં આવે, આવું થાય તો સમાજમાં પરિવર્તન આવે. - ડૉ. શૈલજા ધુ્રવ, એસો. પ્રોફેસર અને અધ્યક્ષ સમાજશાસ્ત્ર વિભાગ
લૉકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાનું પ્રમાણ ઘણું વધ્યું
'181 હેલ્પ લાઇન 24 કલાક મહિલાઓની સમસ્યાઓનું સમાધાન કરવાનું કામ કરે છે. લૉકડાઉન દરમિયાન સામાન્ય ઘરેલુ હિંસા, એક્સસ્ટ્રા મેરિટલ અફેર અને પડોશી સાથેના ઝઘડાનું પ્રમાણ વધી ગયંધ હતું. આવા કેસમાં 181 સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરી સમજાવટ દ્વારા સમાધાન કરવાનું કામ કરે છે. સામાન્ય સંજોગોમાં સ્ત્રી છૂટાછેડા સુધી જવા કરતાં સમસ્યાનું સામાધાન કરવા ઇચ્છતી હોય છે.'-ફાલ્ગુની પટેલ, 181 અભયમ્,જિલ્લા કો-ઓર્ડિનેટર
ઘરેલુ હિંસાનો સ્ત્રી પર પડતો પ્રભાવ
-આઘાતને કારણે દરેક કાર્ય ઉપર એની અસર જોવા મળે છે
-હતાશા, ડિપ્રેશનનો ભોગ બને છે, શારીરિક થાક અનુભવે છે
-ધબકારામાં વધારો થાય છે, ઊંઘ આવતી નથી
-પરિવાર અને પતિ પ્રત્યેના સંબંધોમાં સ્નેહ નાશ પામે છે
-સ્ત્રી આત્મહત્યા કરવા પ્રેરાય છે, સામાજિક જીવન નાશ પામે છે
-સંતાનોના ઉછેર ઉપર અસર થાય છે
-બાળકો સાથે અસામાન્ય વ્યવહાર કરે છે
અભયમ્ સેવા દ્વારા મળતી મદદ
-મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આથક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી
-લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
-જાતીય તથા બાળ જન્મને લગતી બાબતો
-કાનુની જોગવાઇઓની પ્રાથમિક માહિતી
-આથક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો
-શારીરિક અને માનસિક આરોગ્યને લગતી સેવાઓ
ઘરેલુ હિંસા થવા પાછળના કારણો
-પતિનું અફેર, લગ્ન પહેલાં પ્રેમ સંબંધો અંગે શંકા, ગર્ભધારણ ન કરી શકતી હોય, પતિ બેરોજગાર હોય, પતિ દારૂડિયો હોય, ફિઝિકલ પ્રોબ્લેમ, પતિનો વધુ પડતો શંકાશીલ સ્વભાવ, દહેજની માગણી, દીકરીનો જન્મ, પતિ કરતાં પત્ની વધારે કમાતી હોય, ડોમેનેટિક સ્વભાવ
કાયદા થકી મહિલાને મળતી રાહત
-ઘરેલુ હિંસા સામે રક્ષણ (પ્રતિવાદીને પીડિત મહિલા અને તેના બાળકથી દૂર રહેવાનો હુકમ), બાળકોની કસ્ટડી, હિંસાથી થયેલા તમામ પ્રકારના નુકસાન સામે આથક વળતર, ઘરમાં રહેવાનો હક, ભરણ-પોષણ
પાંચ વર્ષના ગાળામાં 181 હેલ્પલાઇને કરેલી કામગીરી
7,31,689 કરતાં મહિલાઓને સલાહ, બચાવ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
1,46,805 જેટલી બહેનોને રેસક્યુવાન સાથે કાઉન્સિલરે મદદ પૂરી પાડી છે.
90,116જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો
44,097 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં રેસક્યુ કરી મદદ કરી.
181 હેલ્પલાઈન પર જાતિય સતામણીની થયેલી ફરિયાદો