બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મૅન્જૅન્ગુલ લાવા ટયૂબ (દક્ષિણ કોરિયા).

જ્વાળામુખીનું નામ કાને પડતા જ કુદરતનું રૌદ્ર સ્વરૂપ નજર સમક્ષ ખડું થઇ જાય છે. પ્રાચીન સમયથી જ્વાળામુખીઓ લોકવાયકા અને દંતકથાઓનું કેન્દ્ર રહ્યાં છે. આગ અને લાવા ઓકતા અને વાતાવરણમાં રાખના ગોટેગોટા ચડાવતા જ્વાળામુખી વિસ્ફોટો સદીઓથી માનવજાતને ભયભીત કરતા રહ્યાં છે. જ્વાળામુખી પણ કોઇના આકર્ષણનું કેન્દ્ર હોઇ શકે એ વાત જ આમ તો ગળે ઉતરે એવી નથી પરંતુ દક્ષિણ કોરિયાનો જેજૂ વોલ્કેનિક આઇલેન્ડ છેલ્લા થોડા વર્ષોથી સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

અગ્નિ એશિયાના દેશોમાં અવારનવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની અને એના પગલે સૂનામી સર્જાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ પ્રદેશ રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા એક ભૌગોલિક ક્ષેત્રમાં આવેલો છે. રિંગ ઓફ ફાયર અથવા તો રિમ ઓફ ફાયર પેસિફિક મહાસાગર ફરતે ફેલાયેલું એક વિશાળ જ્વાળામુખી અને ભૂકંપીય ક્ષેત્ર છે.

પેસિફિક મહાસાગરમાં દક્ષિણ અમેરિકાથી લઇને ઉત્તર અમેરિકાના પશ્ચિમ તટ તેમજ પેસિફિક મહાસાગરમાં આવેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી લઇને પૂર્વમાં ઇન્ડોનેશિયા અને જાપાન સુધી ઘોડાની નાળની માફક ફેલાયેલા આ ક્ષેત્રને રિંગ ઓફ ફાયર નામ આપવામાં આવ્યું છે. 

છેલ્લા ૧૨ હજાર વર્ષોમાં બનેલી ૨૫ સૌથી વધારે વિનાશકારી જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ રિંગ ઓફ ફાયર ક્ષેત્રમાં જ નોંધાઇ છે. આ ક્ષેત્ર જ્વાળામુખીની દૃષ્ટિએ અત્યંત સક્રિય હોવાનું મુખ્ય કારણ એ છે કે તે સબડક્શન ઝોન ઉપર સ્થિત છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં પેટાળમાં આવેલી ટેક્ટોનિક પ્લેટ્સ એટલે કે પાતાળ ખડકો એકબીજા સાથે ટકરાતા રહે છે. પૃથ્વીની બાહ્ય સપાટી અનેક પ્લેટ્સમાં વિભાજિત છે જેને ટેક્ટોનિક્સ પ્લેટ કહે છે.

આ ટેક્ટોનિક પ્લેટ પેટાળમાંના મેગ્મા ઉપર સતત ફરતી રહે છે અને પરિણામે ઘણી વખત એકબીજા સાથે અથડાયા કરે છે. આ રીતની અથડામણ સર્જાય ત્યારે વધારે વજનવાળી પ્લેટ ઓછા વજનની પ્લેટની નીચે સરકી જાય છે અને ઊંડાઇએ પહોંચીને મેગ્મામાં ફેરવાઇ જાય છે. આ મેગ્મા આવી પ્લેટ્સમાંની તિરાડોમાંથી લાવારૂપે જ્વાળામુખીમાંથી બહાર આવે છે. 

રિંગઓફ ફાયર ઉપર અંદાજે ૪૫૨ જ્વાળામુખી આવેલાં છે જે દુનિયાભરના કુલ જ્વાળામુખીની સંખ્યાના ૭૫ ટકા જેટલી છે. વર્ષેદહાડે સમગ્ર ધરતી ઉપર નોંધાતા કુલ ભૂકંપોમાંના ૯૦ ટકા ભૂકંપ આ ક્ષેત્રમાં આવે છે અને લગભગ ૮૧ ટકા જેટલા વિનાશક ભૂકંપ રિંગ 

ઓફ ફાયર અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધાય છે. કોરિયન પેનિન્સ્યૂલાના દક્ષિણ છેડાથી ૧૩૦ કિલોમીટર દૂર દક્ષિણ કોરિયાનો સૌથી મોટો ટાપુ જેજૂ આવેલો છે જેનું ક્ષેત્રફળ આશરે ૧૮૪૬ કિલોમીટર જેટલું છે. ક્રિટેશિયસ યુગ એટલે કે ૧૪.૫ કરોડ વર્ષથી ૬.૬ કરોડ વર્ષ દરમિયાન આ જ્વાળામુખીય ક્ષેત્ર અત્યંત સક્રિય હતું. જોકે છેલ્લા પાંચ હજાર વર્ષથી આ વિસ્તારમાં કોઇ જ્વાળામુખી ફાટવાની ઘટના નોંધાઇ નથી.

મતલબ કે જેજૂ આઇલેન્ડના જ્વાળામુખી હાલ સુષુપ્ત અવસ્થામાં છે. જેજૂ આઇલેન્ડના ભૂગર્ભમાં ઠેરઠેર જ્વાળામુખીના માર્ગરૂપી ગુફાઓ એટલે કે લાવા ટયૂબ પથરાયેલી છે. આ તમામ લાવા ટયૂબમાં મૅન્જૅન્ગુલ લાવા ટયૂબ તરીકે ઓળખાતી ગુફા સૌથી અનોખી છે.

આશરે ૨૩ મીટર જેટલી પહોળી, ૩૦ મીટર જેટલી ઊંચી અને લગભગ ૯ કિલોમીટર લાંબી મૅન્જૅન્ગુલ દુનિયાની ૧૨મી લાંબામાં લાંબી લાવા ટયૂબ છે. બેથી ત્રણ લાખ વર્ષ પહેલા રચાયેલી હોવા છતાં તેનું ભૌગોલિક બંધારણ જળવાઇ રહ્યું છે.

આદિકાળથી ગુફાઓ માનવીને આકર્ષિત કરતી રહી છે. આદિમાનવો ગુફાનો રહેઠાણ તરીકે ઉપયોગ કરતા. આશરા ઉપરાંત ધાિર્મિક અનુષ્ઠાન માટે તેમજ મૃતદેહ દફનાવવા માટે પણ ગુફાઓ વપરાતી. આધુનિક સમયમાં સંશોધકો ભૂતકાળની પર્યાવરણને લગતી પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે પ્રાચીન ગુફાઓ તરફ ખેંચાઇ આવતા હોય છે.

મૅન્જૅન્ગુલ ગુફાની દીવાલો ઉપરાંત સ્ટાલાક્ટાઇટ એટલે કે છતમાંથી ઝળુંબતા વિશાળ સ્તંભો અને સ્ટાલાગ્માઇટ એટલે કે ભૂમિમાંથી બહાર આવેલા થાંભલા જેવા સ્તંભો જેમના તેમ જળવાઇ રહ્યાં છે. એટલા માટે સહેલાણીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ અહીંયા દોડયાં આવે છે.

ગુફામાં સહેલાણીઓને સુગમતા રહે એટલા માટે વિવિધ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લાવા ટયૂબમાં મહાલતી વખતે એ ખ્યાલે જ રોમાંચ વ્યાપી જાય કે એક સમયે આ ગુફામાં થઇને લાવારસનો ધસમસતો પ્રવાહ વહેતો હશે ત્યારે કેવું દૃશ્ય સર્જાતું હશે.