ચેન્નઈની 15 વર્ષની વિદ્યાર્થિનીમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું, 1610 કિમીનું અંતર 180 મિનિટમાં કાપ્યું
ઈલાબેન પટેલે અંગદાન કરીને સાત વ્યક્તિને નવું જીવન આપ્યું
અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી 28માં હૃદય અને ફેફસાંના દાનની ત્રીજી ઘટના નોંધાઈ છે. કોળી પટેલ સમાજનાં બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. ઈલાબેન પટેલનું હૃદય સુરતથી ચેન્નઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે તેમજ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 61 વર્ષીય મહિલામાં ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.
પરિવારે અંગદાનની પ્રક્રિયા સમજીને નિર્ણય લીધો
27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. પરિવારજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં ડૉ.નિખિલ જરીવાલાની દેખરેખ હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે ન્યૂરોસર્જન ડૉ. ધવલ પટેલે CT સ્કેન કરાવતાં મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. 29 સપ્ટેમ્બરના રોજ ન્યૂરોસર્જન ડો.ધવલ પટેલ, ન્યૂરોફિઝિશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, ફિઝિશિયન ડૉ. નિખિલ જરીવાલા, એનેસ્થેટિસ્ટ ડૉ. રવીશા શેખે ઇલાબેનને બ્રેનડેડ જાહેર કર્યાં. ઈલાબેનના દિયર પુષ્પેન્દ્રભાઈ અને તેમના મિત્ર બિપિનભાઈએ અંગદાનની પ્રક્રિયા સમજી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈ, ભગવતીભાઈ, બનેવી શાંતિલાલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
પરિવારે અંગદાનની સંમતિ આપી
ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. આજે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય, એના કરતાં તેમનાં અંગોનાં દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસાં, કિડની અને લિવરનાં દાન માટે જણાવ્યું.