20 સેકન્ડમાં 20 લાખની ચોરી
આ CCTV ફૂટેજ હરિયાણાના જિંદમાં આવેલી પંજાબ નેશનલ બેન્કના છે. CCTVમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો કાઉન્ટર પર રૂપિયાની લેણ-દેણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો બેન્ચ પર બેસી પોતાના નંબરની રાહ જોતા હતા. આ લોકોમાં વચ્ચે ચૂપચાપ બેઠો હતો એક ટેણિયો.ચહેરા પર માસ્ક અને માથા પર ટોપી. ઓળખવો લગભગ મુશ્કેલ. બાજુમાં બેસેલી આ વ્યક્તિ સાથે ટેણિયો કંઈક વાતો કરતો હતો. થોડીવાર પછી આ ટેણિયો કેશિયરની કેબિનમાં ઘૂસી ગયો અને માત્ર 20 સેકન્ડમાં હાથમાં આ થેલી લઈ બહાર આવ્યો અને તરત જ બેન્કની બહાર નીકળી ગયો. એ થેલીમાં 20 લાખ રૂપિયા હતા. આ ટેણિયો માત્ર 20 સેકન્ડમાં 20 લાખ રૂપિયા બેન્કથી ચોરી કરી રફુચક્કર થઈ ગયો. બેન્કના કેશિયરે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘તેમણે રોકડ રૂપિયાના 5 બંડલ બનાવ્યાં હતાં, જેને ટેબલ પર રાખ્યાં હતાં. આ દરમિયાન કંઈક કામ યાદ આવતાં ત્યાંથી બીજી કેબિનમાં ગયો હતો. જ્યારે તેમણે પાછા આવી જોયું કે 20 લાખ રૂપિયાના એ 5 બંડલ નહોતાં.’ આ પછી તેમણે CCTV ફૂટેજ ચેક કરતાં આ ચોરીની ઘટનાની જાણ થઈ. જોકે આ ઘટના પછી ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. એવામાં પોલીસ ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી રહી છે.