થેલેસેમિઆ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ.
જ્યા રે શરીરમાં પૂરતા પ્રમાણમાં સામાન્ય, તંદુરસ્ત રક્તકણો હોતા નથી ત્યારે તે ઉણપ એનિમિઆ તરીકે ઓળખાય છે. થેલેસેમિઆ આ જ રોગ છે જે વારસાગત છે. એમાં મા-બાપમાંથી એકને તો આ રોગ હોય છે. થેલેસેમિઆ માઇનોર ઓછો ગંભીર રોગ છે.
થેલેસેમિઆ રોગમાં પ્રાણવાયુ વહન કરનાર હેમોગ્લોબિનનું સ્વરૂપ બદલાય છે એટલે રક્તકણો નાશ પામે છે.
આ રોગમાં અગત્યના જનીનોના ટુકડા નાશ પામે છે અથવા જનીનિક વિકૃતિ એટલે કે જીનેટિક મ્યુટેશન થાય છે.
આલ્ફા થેલેમેસિઆ અને બીટા થેલેસેમિઆ વધુ ગંભીર પ્રકારના રોગો છે.
થેલેસેમિઆ રોગના ચિન્હો :
(૧) ઘેરા રંગનો પેશાબ, (૨) ચહેરાના હાડકામાં ખામી, (૩) વધુ થકાવટ, (૪) મોડો વિકાસ, (૫) પીળી ઝાંખી ચામડી.
બધા દર્દીઓને આ ચિન્હો દેખાય એ જરૂરી નથી. ઘણીવાર ચિન્હો મોડા આવે છે. બાળપણ કે મુગ્ધાવસ્થામાં પણ આ ચિન્હો દેખાય છે.
કેટલાક માયનોર થેલેસેમિઆના રોગીઓમાં માઇનોર ચિન્હો દેખાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શનસ નામની સંસ્થાના મતે આ રોગ એશિયા, ટર્કી જેવા દેશોમાં વિશેષ જોવા મળે છે. ગુજરાતમાં કચ્છમાં વિશેષ દર્દીઓ જણાયા છે.
પતિ- પત્ની બંનેમાં થેલેસેમિઆ માયનોર હોય ત્યારે બાળક મેજર થેલેસેમિઆ સાથે જન્મે એવી શક્યતા વિશેષ છે.
રોગના ચિન્હોને આધારે તમારા ડોક્ટર બ્લડ ટેસ્ટ માટે જણાવશે. બ્લડ ટેસ્ટમાં રક્તકણો નાના અને ઓછી માત્રામાં જણાય. રક્તકણો પેલ હોય છે તેના કદ, સ્વરૂપ, બદલાયેલા હોય છે તેમાં હેમોગ્લોબિન ગમે તેમ વિખરાયેલું હોય છે.
સારવારમાં થેલેસેમિઆ મેજરના દર્દીને અવારનવાર લોહી આપવું પડે છે નવી પદ્ધતિ પ્રમાણે હવે દર્દી ૪૦ વર્ષ સુધી જીવી શકે છે. હાડકાના માવાનું ટ્રાન્સપ્લાન્ટ પણ એક સારવાર છે જે મોંઘી છે.
ઘણીવાર લોહી દ્વારા વધુ પ્રમાણમાં આયર્ન શરીરમાં ભેગું થઈ જાય છે. ડેફેરાઝીરોક્સ નામની મોં દ્વારા લેવાતી દવાથી તેનું સમતોલન થાય છે. કેટલીક રેડક્રોસ સંસ્થા આયર્ન ઘટાડવા માટે ચિલેશન ટેબ્લેટ્સ વિના મૂલ્યે આપે છે.
અત્રે એ યાદ રહે કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ આ રોગનો કાયમી ઇલાજ છે પરંતુ તે ખર્ચાળ છે તેની કિંમત ૨૦ લાખથી ૩૫ લાખ હોઈ શકે સરકારી હોસ્પિટલમાં ૭ લાખથી ૧૦ લાખમાં થઈ શકે પરંતુ તેનો આધાર બોનમેરોના પ્રમાણ પર રહે છે એટલે ડોક્ટરની સલાહ આવકાર્ય છે.