કોરોના મહામારીનો ભોગ બન્યું સુરત કાપડ બજાર, 1 લાખ લોકોએ નોકરી ગુમાવી
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ અસોસિએશન અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવેલા એક ઈન્ટરનલ સર્વેમાં તે વાતનો ખુલાસો થયો છે કે, કેવી રીતે કોરોના મહામારીએ સુરતના પ્રખ્યાત ટેક્સટાઈસ સેક્ટરની કમર ભાંગી નાખી છે.
સર્વેમાં બહાર આવ્યું છે કે, બે મહિનામાં ભારતના મેન-મેડ ફેબ્રિક હબમાં લગભગ એક લાખ કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે. સર્વેમાં જાણ થઈ છે કે, ખાસ કરીને સૌથી વધારે સેલ્સમેન , સાડી અને ફેબ્રિક ફોલ્ડિંગ તેમજ અકાઉન્ટિંગ તરીકે હોલસેલ માર્કેટ સાથે સંકળાયેલા કારીગરોએ નોકરી ગુમાવી છે. સુરત શહેરના રિંગ રોડ, સલાબતપુરા અને સહારા દરવાજા પાસે આવેલા પોલિસ્ટર ફેબ્રિક માર્કેટમાં કાપડની ૭૫ હજાર કરતાં વધુ દુકાન ધરાવતા લગભગ ૧૭૫ કાપડ બજારો છે. સેલ્સમેન, ફોલ્ડિંગ કારીગરો અને અકાઉન્ટન્ટ્સ સહિત વિવિધ નોકરીઓ માટે કાપડની દુકાનોમાં અંદાજે ૨.૫૦ લાખ લોકો કાર્યરત છે. છેલ્લા બે મહિનામાં, ૨૫ ટકા કાપડના વેપારીઓએ મહિનાનું ભાડુ બચાવવા માટે પોતાની દુકાનોને એક માર્કેટમાંથી બીજા માર્કેટમાં શિફ્ટ કરી છે.
ઉદાહરણ તરીકે, કોઈ વેપારીને મિલેનિયમમાં ભાડાની દુકાન છે અને મહિને ૪૦ હજાર રૂપિયા ભાડા પેટે ચૂકવે છે તો તેણે પોતાની દુકાન બેગમવાડીના નાના માર્કેટમાં ક્યાંક શિફ્ટ કરી દીધી કે જ્યાં તેને ચોથા ભાગનું ભાડું ચૂકવવું પડે છે.
સર્વેમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ અને બજારની સ્થિતિ પ્રત્યે વેપારીઓની પ્રતિક્રિયાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. લગભગ ૯૫ ટકાએ જણાવ્યું હતું કે, તેમની આવક કોરોના પહેલાના સમયગાળાની સરખામણીમાં ૭૦ ટકા ઓછી થઈ ગઈ છે. સર્વેનો મુખ્ય ઉદ્દેશ કાપડના બજારોની સ્થિતિને સમજવાનો હતો. એક લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે તે વાત નિરાશાજનક છે. અમને તેવું પણ જાણવા મળ્યું છે કે, કાપડ બજારોમાં ભાડા પર આપવામાં આવેલી દુકાનોમાંથી લગભગ ૨૦ ટકા લોકડાઉન બાદ ખુલી નથી. અનલોક-૪ દરમિયાન સુરતમાં કોવિડ-૧૯ના કેસ વધતાં કોલકાતા, દિલ્હી, પંજાબ, લુધિયાણા, હરિયાણા, ચેન્નઈ તેમજ હૈદરાબાદ સહિતના વેપારીઓ નવા ઓર્ડર આપવા માટે હોલસેલ માર્કેટની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે. જેના કારણે દિવાળી અને ઓક્ટોબરથી શરુ થઈ રહેલી લગ્ન સીઝન દરમિયાન સારો ધંધો થશે તેવી આશા રાખીને બેસેલા કાપડના વેપારીઓને મોટુ નુકસાન થયું છે