ગુજરાતમાં કોરોનાની રસી સૌપ્રથમ કોને અપાશે? વેક્સિનેશન પર DyCMએ આપ્યું આ નિવેદન.
કોરોનાની રસીની સમગ્ર દેશને રાહ છે. વેક્સિન વિતરણને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વેક્સિન વિતરણ કંઈ રીતે થશે તેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. વેક્સિનના વિતરણને લઈને તંત્રએ પુરી તૈયારી કરી લીધી હોવાની વાત આજે તેમણે કરી છે.
એક પત્રકાર પરિષદમમાં તેમણે જણાવ્યું કે, વેક્સિનના વિતરણને લઈને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. વેક્સિનને ઓછા તાપમાને રાખવા કોલ્ડચેઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત સરકારના આદેશ મુજબ આ સચિવના મુખ્ય અધ્યક્ષ સ્થાને ટીમની રચના કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે વેક્સિનેશન માટેની તમામ વ્યવસ્થા ગોઠવી છે. સૌ પ્રથમ વેક્સિન આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સો અને વર્ગ 3 અને 4 ના કોરોના વોરિયર્સ તરીકે સીધા જોડાયેલા છે, સેવા સુશ્રુષા કરે છે, આશાવર્કર બહેનો કાર્યકરો, ગ્રામ વિસ્તારોમાં કાર્ય કરે છે તેમના માટે પ્રથમ પ્રાથમિકતા ભારત સરકારે આપી છે.
તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિનને ઠંડા વાતાવરણમાં રાખવાની હોય છે માટે રાજ્યમાં કોરોના વેક્સિનને લઇને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેક્સિન માટે પ્રાયોરિટીના લોકોની યાદી તૈયાર કરાઈ છે અને આગામી સમયમાં વેક્સિન આવ્યા બાદ પ્રાયોરિટીના ધોરણે વેક્સિન આપવામાં આવશે.
રાજ્યના 33 જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કોરોનાની રસી સાચવવા માટે 2,189 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં રેફ્રિજરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 6 ઝોનમાં મોટા કોલ્ડ સ્ટોરેજ છે અને 85 હજાર વેક્સિન કેરિયર ઉપલબ્ધ છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં મુખ્ય સચિવની અધક્ષતામાં વેકસીનની સમિતિ બનાવી છે. વેક્સિનને લઈને કલેકટર, મ્યુનિ. કમિશનર સાથે સંકલન થઈ રહ્યું છે અને કોરોનાની વેક્સિન પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મીચારીઓ, કોરોના કામગીરી કરતા લોકો આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો તથા 2 લાખ 71 હજાર સરકારી કર્મચારી અને 3.96 લાખ આરોગ્યકર્મીને વેક્સિન અપાશે.
બીજા તબક્કામાં પોલીસ અને હોમગાર્ડ જવાનોને વેક્સિન આપવામાં આવશે. તો ત્રીજા તબક્કામાં 50 વર્ષથી મોટી ઉંમર ધરાવતા લોકોને કોરોનાની રસી અપાશે.