બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:- ગોધરા ખાતે મતદાનયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ.


ગોધરા,

          પંચમહાલ જિલ્લાના મતદાર યાદી નિરીક્ષક પરિવહન કમિશ્નરશ્રી રાજેશ માંજુ (આઈએએસ)ની અધ્યક્ષતામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાએ નિરીક્ષકશ્રીને મતદાર યાદી સુધારણા અંતર્ગત મળેલ ફોર્મ્સ, નવા મતદારોની નોંધણી-સુધારણા, જાગરૂકતા અંગે કરવામાં આવેલ પ્રયાસો સહિતની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૧૬,૦૦૦થી વધુ નવા મતદારો નોંધાયા છે તેમજ ૨૭,૦૦૦થી વધુ ફોર્મ્સ મેળવવામાં આવ્યા છે. કમિશ્નરશ્રી માંજુએ સુધારણા ઝુંબેશમાં ફર્સ્ટ ટાઈમ વોટરના ફોર્મ્સ વધુ પ્રમાણમાં આવે તે પ્રકારે કામગીરી કરવા, આ માટે કેમ્પસ એમ્બેસેડર્સને સક્રિય કરી કોલેજીસ અને સ્કૂલોના લાયક યુવાઓ મતદાન યાદીમાં નોંધણી કરાવે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. જનસંખ્યાના વધારાના પ્રમાણમાં નવા નોંધાતા મતદારોનો રેશિયો જળવાય તે ખાસ જોવા અને અને જો પ્રમાણ ઓછું કે અસામાન્ય રીતે વધુ રહેતું હોય તો સંબંધિત બીએલઓ સહિતના અધિકારીઓની બેઠક લઈ આ માટે જવાબદાર ચોક્ક્સ કારણો શોધવા સૂચના આપી હતી. એ જ પ્રકારે જેન્ડર રેશિયોમાં જો નિશ્ચિત પ્રમાણ કરતા વધુ વધ-ઘટ હોય, ઈપી રેશિયો (જનસંખ્યાના પ્રમાણમાં નોંધાયેલ મતદારો) ઓછા હોય તો સેક્ટર ઓફિસર/બીએલઓને મુલાકાત લઈ જવાબદાર પરિબળો- કારણો શોધવા નિર્દેશ આપ્યા હતા. મતદારયાદી સુધારણા કાર્યક્રમની અસરકારક રહે તે માટે ફરજના સ્થળો પર ગેરહાજર રહેતા- અનિયમિત આવતા બીએલઓ સામે કડક કાર્યવાહી કરવા પણ નિરીક્ષકશ્રીએ જણાવ્યું હતું. મતદારયાદીને લગતી ફરિયાદોનો પદ્ધતિસર નિકાલ થાય અને પડતર ન રહે, તેનો નિશ્ચિત રેકોર્ડ જળવાય તે માટે સૂચના આપી હતી. કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે  સુધારણા કાર્યક્રમ અંતર્ગત જ્યાં ફોર્મ-૬નું કલેકશન ઓછું નોંધાયું ત્યાં આગામી રવિવારે કલેક્ટરશ્રી, સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ મુલાકાત લઈ અસરકારક કામગીરી કરશે. બેઠકમાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી હાલોલ એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારીશ્રી શહેરા જયકુમાર બારોટ, ચૂંટણી મામલતદારશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.