પંચમહાલ:- જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ
ગોધરા,
પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા બીએલઓઓ અને સુપરવાઇઝરઓની બેઠક યોજી સુધારણા ઝુંબેશમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની નોંધણીનું ઓછું પ્રમાણ ધરાવતા કેન્દ્રો બાબત સમીક્ષા હાથ ધરી આ પ્રમાણ વધારવા માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. જિલ્લાના જે કેન્દ્રોમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સના ૧૦ થી ઓછા ફોર્મ્સ મળ્યા છે તેવા કેન્દ્રો તેમજ સુધારણા માટેના અન્ય ફોર્મ ઓછા મળ્યા છે તેવા કેન્દ્રોના બૂથ લેવલ ઓફિસરશ્રીઓ અને સુપરવાઈઝરઓની ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે આ બેઠક જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કલેક્ટરએ સ્થાનિક સ્વરાજની આવી રહેલી ચૂંટણીઓને જોતા આ કામગીરી અતિ અગત્યની છે ત્યારે જિલ્લામાં લોકશાહી અને ચૂંટણીની પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવાના હેતુથી ફર્સ્ટ ટાઈમ વોટરની નોંધણી માટેના ફોર્મ ૬ વધુ સંખ્યામાં આવે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. નવી ઉમેરાતી જનસંખ્યાના પ્રમાણમાં નવા મતદારો નોંધાય તે ઇચ્છનીય હોવાનું જણાવતા ફોર્મ ઓછા મળવાના કિસ્સામાં તે માટે જવાબદાર કારણોની વિગતવાર માહિતી મેળવી ચર્ચા કરી હતી. તેમણે એકત્રિત કરાયેલા ફોર્મ સમયસર સંબંધિત અધિકારીને જમા કરાવવા તેમજ ઈઆરઓઓને પણ મળેલા ફોર્મની ઝડપથી નોંધણી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, બીએલઓ, નાયબ મામલતદારઓની આ અંગે કામગીરી નબળી જણાય તો તેમની તાલીમ ગોઠવવા જણાવ્યું હતું. રવિવારે ઝુંબેશ પૂર્ણ થાય ત્યાં સુધી દરેક બૂથ પર ૧૮-૧૯ વર્ષની વયના મતદારોના ઓછામાં ઓછા ૧૦ ફોર્મ આવે તે પ્રમાણે પ્રયાસ કરવા તેમણે જણાવ્યું હતું.