પંચમહાલ: પોલિયો અભિયાન રસીકરણ માટે સમગ્ર જિલ્લામાં પોલિયોબુથનું આયોજન થશે.
ગોધરા,
ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયો ન હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે.અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ તા.૧૭/૦૧/૨૦૨૧ના રોજ સમગ્ર દેશ તથા ગુજરાત રાજયમાં પોલિયો અભિયાન ચલાવવામાં આવનાર છે. જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ માટે ૨,૫૮,૭૯૮ બાળકો નોંધાયેલ છે. જે તમામને રસી આપી શકાય તે માટે જીલ્લામાં કુલ ૧૦૩૯ બુથ, બસ સ્ટેન્ડ અને બજાર જેવા વિસ્તારોમાં ૫૦ ટ્રાન્જીસ્ટ પોઇન્ટ, ૯૨ ઇંટોના ભઠ્ઠા અને ૨૮ જગ્યાઓએ મોબાઇલ ટીમ સાથે મળીને કુલ 1,120 પોલિયો બુથનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. સુરેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર તા. ૧૭મી જાન્યુઆરી-૨૦૨૧ ના રોજ પ્રથમ દિવસે તમામ બુથ ઉપર તથા તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરી-૨૦૨૧ ના રોજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક ઘરોની મુલાકાત લઇ રસીકરણ માટે બાકી બાળકોને પોલિયોની રસી પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને પોલિયોની રસી માટેના બુથ પર વધુ ભીડ એકઠી ના થાય તે માટે ૨૫૦ થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં જરૂરીયાત મુજબ વેક્સીનેસન બુથને સ્પ્લીટ કરી ૨ મીની બુથ તૈયાર કરવામાં આવશે.
પંચમહાલ જીલ્લાના ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણમાં આવરી લેવાય અને એકપણ બાળક પોલિયો રસી પીવડાવવાથી વંચીત ન રહે તે હેતુથી જીલ્લાના કુલ ૨૯૧૮ આરોગ્ય કાર્યકરો, ૧૨૩૮ આંગણવાડી વર્કર નક્કી કરેલ બુથ પર હાજર રહી પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી કરશે. આ કામગીરીના સુપરવિઝન માટે ૨૧૬ સુપરવાઇઝરો નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીલ્લા કક્ષાએથી આ કામગીરીનું તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બુથ લેવલે સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ આ અભિયાયનને સફળ બનાવવા માટે બેનર અને પોસ્ટર લગાવી પ્રચાર કરવામા આવનાર છે. જીલ્લામાં પોલિયો અભિયાયને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી તેમજ જિલ્લાના આરોગ્ય શાખાના તમામ અધિકારીશ્રીઓ તથા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી પોલિયો કામગીરી અંગેની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ફોટો- સોશિયલ મિડીયા