બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:જિલ્લાના કુલ 118 ગામોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પિયત માટે દિવસે વિજળી મળશે.

ગોધરા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં ખેડૂતોને પિયત માટે દિવસે વીજપુરવઠો પૂરો પાડવા હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કા અંતર્ગત શુભારંભ સમારોહ યોજાયો હતો.રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે  જણાવ્યું હતું કે ખેડૂતોને પિયત માટે દિવસે વિજળી આપવાનો જે ઉર્જાક્ષેત્રે નિર્ણય કર્યો છે, જેના પરિણામે હવે ખેડૂતમિત્રોએ રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે, જંગલી પશુઓ કે જીવજંતુઓનો ડર નહીં રહે તેમજ તેમની ઉત્પાદકતા વધશે. કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2022 સુધીમાં lખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે બે વર્ષમાં સમગ્ર રાજ્યના 18 હજારથી વધુ ગામોને 3500 કરોડથી વધુના ખર્ચે દિવસે 8 કલાક થ્રી ફેઝ વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.

આ અગાઉ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. એમજીવીસીએલ, વડોદરાના અધિક્ષક ઈજનેર દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યપાલક ઈજનેર, હાલોલ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. 
કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી અશ્વિનભાઈ પટેલ, કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન, માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, બેઢિયાના સરપંચ તેમજ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.રાઠોડ, પ્રાંત અધિકારી વિશાલ સક્સેના, તાલુકા વિકાસ અધિકારીસહિત એમજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*118 ગામનો કિસાન સર્વોદય યોજના અંતર્ગત સમાવેશ*.

હાલના તબક્કે જિલ્લાના 7 તાલુકાના 613 ગામો પૈકી કુલ 118 અને કાલોલ તાલુકાના 67 ગામો પૈકી 11 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કાલોલ તાલુકામાં 66 કે.વી. ભાદ્રોલીના નારણપુરા ફીડર હેઠળ આવતા 10 ગામો તેમજ ખરસાલિયા ફીડર હેઠળ આવતા 1 ગામને આવરી લેવાયા છે.  અન્ય તાલુકાઓની વિગત જોઈએ તો ગોધરા તાલુકામાં 41 ગામ, મોરવા હડફ તાલુકાના 18 ગામ, શહેરા તાલુકાના 12 ગામ, ઘોઘંબા તાલુકાના 11 ગામ, હાલોલ તાલુકાના 13 ગામ, જાંબુઘોડા તાલુકાના 12 ગામ મળીને કુલ 118 ગામને કિસાન સર્વોદય યોજના અંતર્ગત હાલના તબક્કે આવરી લેવાયા છે.