હોંગકોંગની લોકશાહીને કચડવા માટે ચાઇનીઝ ડ્રેગન તત્પર.
આર્થિક રીતે સમૃદ્ધ આલ્ફા પ્લસ શહેરોમાં સ્થાન ધરાવતા હોંગકોંગના લોકો લોકશાહી મૂલ્યોને વરેલા છે પરંતુ ચીન આ સમૃદ્ધ શહેરને સરમુખત્યારશાહીની બેડીમાં જકડવા માટે નવા નવા કાવાદાવા કરતું રહે છે
લોકશાહી ભોગવવા માટે ટેવાયેલા હોંગકોંગની મુસીબતો વધી રહી છે. ચીનને તેના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ એવું હથિયાર મળી ગયું છે જેના દ્વારા હોંગકોંગની લોકશાહી વ્યવસ્થા અને મૂલ્યો પર ચીની ડ્રેગન પંજો જમાવી રહ્યો છે.
તાજેતરમાં જ હોંગકોંગના લોકશાહી આંદોલનના મહત્ત્વના સમર્થક મનાતા એપલ ડેલી નામના અખબારને આર્થિક પ્રતિબંધોના કારણે બંધ કરવાનો વારો આવ્યો. હવે ચીની સત્તાવાળાઓ હોંગકોંગમાં પણ ચીન જેવા આકરા ઇન્ટરનેટ પ્રતિબંધો લાગુ કરવાની હિલચાલ કરી રહ્યાં છે.
તાજેતરમાં ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના હજારો પ્રતિનિધિઓ સંસદની વાર્ષિક બેઠક માટે એકઠા થયા હતાં. આ બેઠકમાં કમ્યુનિસ્ટ પાર્તીએ આંતરરાષ્ટ્રીય જગતને ચેતવણી આપી હતી કે કોઇ હોંગકોંગના મામલે દખલ ન કરે.
એ બેઠકમાં જ ચીને જાહેરાત કરી હતી કે તે હોંગકોંગની ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવાનું છે અને હોંગકોંગની સત્તા દેશભક્ત લોકોને સોંપવામાં આવશે. ગયા વર્ષે પણ ચીને જે કાયદો બનાવ્યો હતો એનો દુરુપયોગ કરીને ચીને હોંગકોંગના અનેક લોકોની ધરપકડ કરી છે.
એશિયાના ટોપના બિઝનેસ હબમાં સમાવેશ પામતા હોંગકોંગને પોતાના ભરડામાં લેવા ચાઇનીઝ ડ્રેગને નવી નવી ચાલ ચાલી રહ્યું છે. થોડા વખત પહેલાં જ ચીને હોંગરોંગની લોકશાહીને વધારે સંકુચિત કરતા ચૂંટણી પ્રક્રિયામાં એવા ફેરફાર કર્યાં હતાં જેનાથી હોંગકોંગની સત્તામાં ચીનની દખલગીરી વધી ગઇ છે.
હોંગકોંગની જનતા દ્વારા ચૂંટાતા જનપ્રતિનિધિઓની સીટો ચીને ઘટાડીને પહેલા કરતા ચોથા ભાગ કરતા પણ ઓછી કરી દીધી છે. એટલું જ નહીં, હોંગકોંગનું શાસન ચલાવતા ઘણા ખરાં જનપ્રતિનિધિઓ ચીનની સમિતિ નક્કી કરશે.
હોંગકોંગમાં લોકશાહીના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનને કચડવા માટે ચીને આ પગલું ઉઠાવ્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી એ સુનિશ્ચિત કરવા માંગે છે કે હોંગકોંગનું શાસન ચીનતરફી લોકો જ ચલાવે.
ગયા વર્ષે ચીને હોંગકોંગની સ્વાયત્તતા ખતમ કરતો કાયદો લાગુ કર્યો હતો. આ કાયદા અંતર્ગત દેશદ્રોહ અને તોડફોડના મામલાઓમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઇ છે.
આ કાયદાને દુનિયાભરના દેશો હોંગકોંગની સ્વાયત્તતાનો અંત કહ્યો છે. ચીનના આ કાયદાનો હોંગકોંગમાં તો ભારે વિરોધ થયો, સાથે સાથે તાઇવાન અને અમેરિકા જેવા દેશો પણ તેનો સખત વિરોધ કર્યો. પરંતુ ચીને કોઇની પરવા ન કરી. હવે દુનિયાના વિરોધ વચ્ચે તે હોંગકોંગના વધારે ને વધારે સકંજામાં લઇ રહ્યું છે.
હોંગકોંગમાં પ્રેસ અને અભિવ્યક્તિની આઝાદીને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આર્થિક રીતે સમૃદ્ધ આલ્ફા પ્લસ શહેરોમાં સ્થાન ધરાવતું હોંગકોંગ એક સમયે સીટી સ્ટેટ અર્થાત એક જ શહેરનું બનેલું રાષ્ટ્ર હતું જે હાલ ચીનના કબજા હેઠળનો સ્વાયત્ત ટાપુ છે.
હજુ હમણા સુધી બ્રિટીશ કોલોની ગણાતા હોંગકોંગને બ્રિટને ૧૯૯૭માં સ્વાયત્તતાની શરત સાથે ચીનને સોંપ્યું હતું. હોંગકોંગ સોંપાયું ત્યારે ચીને એક દેશ- બે વ્યવસ્થાની વ્યાખ્યાના ધોરણે ઓછામાં ઓછા ૨૦૪૭ સુધી હોંગકોંગના લોકોની સ્વતંત્રતા અને પોતાનો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપી હતી. જોકે એ પછી ખંધુ ચીન વખતોવખત હોંગકોંગને પોતાની સરમુખત્યારશાહીની બેડીઓમાં જકડવા મથતું રહે છે.
છેલ્લા અનેક દાયકાથી બ્રિટીશ શાસન વ્યવસ્થા હેઠળ મોકળાશપૂર્વક જીવેલા હોંગકોંગના લોકોને ચીનની સંકુચિત સરમુખત્યારશાહી જરાય પસંદ નથી. જેના કારણે ત્યાં અવાનવાર ચીનવિરોધી આંદોલનો ઊભા થાય છે. અગાઉ ૨૦૧૪માં પણ ચીનની જોહુકમી વિરુદ્ધ અમ્બ્રેલા મૂવમેન્ટ નામનું આંદોલન ૭૯ દિવસો સુધી ચાલ્યું હતું.
એ વખતે પણ ચીન લોકશાહીનું સમર્થન કરતા લોકો પર કાર્યવાહી કરવા લાગ્યું હતું. વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયેલા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યાં હતાં.
આઝાદીનું સમર્થન કરનારી રાજકીય પાર્ટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એ પહેલા ૨૦૦૩માં પણ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષાના નામે લાવવામાં આવેલા કાયદાનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે તો ચીને પીછેહઠ કરવી પડી હતી પરંતુ વર્તમાન સમયમાં ચીનની હોંગકોંગ પરનું પ્રભુત્ત્વ અનેકગણું વધારે છે.
ચીનને હોંગકોંગની સોંપણી જ સ્વાયત્તતાની શરત સાથે કરવામાં આવી હતી અને તેને પોતાની સ્વતંત્રતા, સામાજિક, કાયદાકીય અને રાજકીય વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપવા છતાં ચીનના હસ્તક્ષેપને ત્યાંના લોકો પસંદ નથી કરતાં. હકીકતમાં હોંગકોંગના લોકો પોતાને ચીનનો હિસ્સો માનવા જ તૈયાર નથી અને સરેઆમ ચીનની સરકારની ટીકા કરે છે. જોકે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી હોંગકોંગની સરકાર પર કબજો કરી રહી છે.
હોંગકોંગના વર્તમાન નેતા કેરી લેમની નિમણૂક પણ ચીનની નિકટની એક કમિટીએ જ કરી હતી. કેરી લેમ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મોટા સમર્થક મનાય છે. હોંગકોંગની સંસદમાં પણ ચીન સમર્થક સાંસદોનું મોટું જૂથ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ચીન હોંગકોંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથી રહ્યું છે.
અગાઉ ૨૦૧૪માં પણ ચીનની જોહુકમી વિરુદ્ધ અમ્બ્રેલા મૂવમેન્ટ નામનું આંદોલન ૭૯ દિવસો સુધી ચાલ્યું હતું. એ વખતે પણ ચીન લોકશાહીનું સમર્થન કરતા લોકો પર કાર્યવાહી કરવા લાગ્યું હતું.
વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયેલા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યાં હતાં. આઝાદીનું સમર્થન કરનારી રાજકીય પાર્ટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
એ પહેલા ૨૦૦૩માં પણ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષાના નામે લાવવામાં આવેલા કાયદાનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે તો ચીને પીછેહઠ કરવી પડી હતી પરંતુ વર્તમાન સમયમાં ચીનની હોંગકોંગ પરનું પ્રભુત્ત્વ અનેકગણું વધારે છે.
હોંગકોંગમાં અંગ્રેજોના સમયની કોમન લૉ સિસ્ટમ છે અને તેની એક ડઝન જેવા દેશો સાથે પ્રત્યર્પણ સંધિ છે જેમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. એ સંજોગોમાં એવા ઘણાં દેશો છે જ્યાં અપરાધ કરીને કોઇ વ્યક્તિ હોંગકોંગ આવી જાય તો તેને એ દેશોને કાયદાકીય પ્રક્રિયા માટે સોંપી ન શકાય.
ચીને પ્રત્યર્પણ કાયદામાં સંશોધન કરીને ચીનની મુખ્ય ભૂમિ સાથે સંદિગ્ધોને પ્રત્યાર્પિત કરવાની હિલચાલ કરી ચૂક્યું છે. હોંગકોંગના ચીનતરફી નેતા ચીનના તમામ કાવાદાવાને સીધો ટેકો આપે છે.
હોંગકોંગમાં મોટો વર્ગ એવો છે જે ચીન અને હોંગકોંગને અલગ માને છે. તેમને હોંગકોંગની સ્વાયત્તતા જોખમમાં મૂકાઇ જવાનો ડર છે. તેમને ભય છે કે જો હોંગકોંગના લોકો પર ચીનના કાયદા લાગુ થઇ જશે અને ચીન તેમના લોકોને મનમાની રીતે પકડીને યાતનાઓ આપશે. હોંગકોંગના લોકોને ચીનની ગુંચવાડાભરી ન્યાયિક વ્યવસ્થાનો ભોગ બની જવાનો ભય હંમેશા સતાવે છે.
ખાસ કરીને સરમુખત્યાર ચીનમાં રાજકીય વિરોધીઓ પર આર્થિક અપરાધો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાસમાન હોવાના આરોપ મૂકીને જેલભેગા કરી દેવામાં આવે છે.
ચીનની કાયદાકીય પ્રક્રિયા પણ તેના સામ્યવાદી શાસનને અનુરૂપ છે જ્યાં એક વખત આરોપ મૂકાયા બાદ મામલો છેવટે સજામાં જ પરિણમતો હોય છે. એટલા માટે જ હોંગકોંગમાં અવારનવાર ચીનવિરોધી આંદોલનો થતા રહે છે જેમાં ત્યાંના વિદ્યાર્થીઓ ઉપરાંત વેપારીઓ, માનવ અધિકાર કાર્યકરો સહિત સામાન્ય જનતા જોરશોરથી ભાગ લેતી હોય છે.
જોકે હોંગકોંગની સરકાર સ્થાનિકોને એ વાતની ખાતરી આપે છે કે ચીનના કાયદાના કારણે લોકોની સ્વાયત્તતા નહીં જોખમાય. સરકારની ધરપત છતાં હોંગકોંગના લોકોને ચીનની મંશાઓ પ્રત્યે શંકા છે. તેમનું માનવું છે કે ૨૦૧૨માં ચીનમાં શી જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ તેમના પર દબાણ વધ્યું છે.
વર્ષ ૨૦૧૫માં હોંગકોંગના અનેક પુસ્તક વિક્રેતાઓને નજરબંધ કરવામાં આવ્યા બાદ લોકોમાં ચિંતાઓ વધી ગઇ. એ પછી ૨૦૧૪માં અમ્બ્રેલા મૂવમેન્ટ દરમિયાન પણ અનેક નેતાઓને ઉપદ્રવના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યાં.
ચીનના લોકશાહીને કચડવાના પ્રયાસોના કારણે હોંગકોંગમાં રોષનો ચરુ ઉકળી રહ્યો છે. હોંગકોંગમાં વધી રહેલા વિરોધને જોતાં ચીની સેના આકરા પગલા લે એવી શક્યતા છે. એ જોતાં આવનારા દિવસોમાં હોંગકોંગમાં ભડકો થવાના પૂરેપૂરા અણસાર છે.