બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બિટકોઈનના ભાવ ઉંચકાયા સામે ઈથેરમાં પીછેહટ: વોલ્યુમમાં ઘટાડો નોંધાયો.

ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. બિટકોઈનના ભાવ આજે નીચામાં એક તબક્કે 32287થી 32288 ડોલર થયા પછી ભાવ ફરી ઉંચકાઈ ઉંચામાં 33 હજાર વટાવી 33484થી 33485 ડોલર થઈ ભાવ 33372થી 33373 ડોલર રહ્યા હતા. 


બિટકોઈનની બજાર આજે 2.80થી 2.85 ટકા વધી હતી. જોકે બિટકોઈનમાં આજે ટ્રેડીંગ વોલ્યુમ 27થી 28 અબજ ડોલરથી ઘટી 24થી 25 અબજ ડોલર નોંધાયું હતું એ જોતાં બજારમાં નવું બાઈંગ ઓછું આવી રહ્યાના સંકેતો મળ્યા હતા.


વિવિધ ક્રિપ્ટો એક્સચેન્જો પર તાજેતરમાં વેપાર- વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું બજારના  જાણકારોએ જણાવ્યું હતું.  ચીનની સરકારે આજે બેન્કો માટે રિઝર્વ રેશિયો ઘટાડતાં ત્યાંના બજારોમાં કરન્સીની પ્રવાહીતા વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ચીનની સેન્ટ્રલ બેન્કે સ્ટેબલકોઈન વિશે ચેતવણી ઉચ્ચારતાં ક્રિપ્ટો બજારમાં  આજે અંદર ખાને અજંપો પણ જણાઈ રહ્યો હતો.


બિટકોઈનમાં હવે નીચામાં 30 હજાર ડોલરની સપાટી મહત્ત્વની સપોર્ટ સપાટી મનાઈ રહી છે. બિટકોઈનના ભાવ 21 જૂનથી ગણતાં અત્યાર સુધીના ગાળામાં 31 હજારથી 36 હજાર ડોલર વચ્ચે અથડાતા જોવા મળ્યા છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં બોન્ડ તથા ટ્રેઝરીની યીલ્ડ ઘટયા પછી આજે ફરી વધી આવી હતી.


ત્યાં બેરોજગારીના દાવા વધ્યા છે. ત્યાં સરકારી સ્પેન્ડીંગ વધતાં સરકારના માથે દેવું વધશે એવી ગણતરી વચ્ચે વિશ્વબજારના ડોલરના ખેલાડીઓ ચિંતા બતાવી રહ્યા હતા. દરમિયાન, આજે અન્ય ક્રિપ્ટોમાં ઈથેરના ભાવ અડધો ટકો નરમ રહ્યા હતા જ્યારે એક્સઆરપીના ભાવ આશરે દોઢ ટકો વધ્યા હતા.

ઈથેરના ભાવ આજે નીચામાં 2048થી 2049 ડોલર તથા ઉંચામાં 2179થી 2180 ડોલર થઈ 2137થી 2138 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 22 થી 23 અબજ ડોલરનું ટર્નઓવર થયું હતું તથા માર્કેટ કેપ 249થી 250 અબજ ડોલર નોંધાયું હતું. બિટકોઈનમાં આજે માર્કેટ કેપ જોકે 610થી611 અબજથી વધી 625થી 626 અબજ ડોલર થયું હતું.