શહેરા તાલુકાના બોરીયાવી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાઈ
શહેરા તાલુકાના બોરીયાવી ગામના ગુગડીયા ફળીયામાં અરવિંદભાઇ બારીઆની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ની મિટિંગ રાખવામાં આવી. મિટિંગમાં ત્રીસ જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જિલ્લા સમિતિના હોદ્દેદારોએ પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર સાથે જોડ્યા હતા. શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછીએ કિસાનોના પ્રશ્નો વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કિસાનોને મવાલી કહ્યું એ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા પ્રમુખે ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા પરિવર્તનની હવે જરુર ઉભી થઈ છે. એક ધારી સત્તા આપવાથી કેટલાક નિર્ણયો મનસ્વી મુજબ સરકાર લઈ રહીં છે. ભૂતકાળમાં પેટ્રોલ પર પચાસ પૈસાનો વધારો થયો અને છપ્પન રુપિયા લીટર થયું ત્યારે અહીંના ભાજપના નેતાઓએ બજારો બંધ કરાવી હતી આજ ભાજપના નેતાઓ સો રૂપિયા પેટ્રોલ મોંઘુ મળે છે છતાં આ લોકો બોલી નથી શકતા આ તેમની માનસિકતા છે માત્ર સત્તા મેળવવા અને સત્તામાં આવ્યા બાદ સંપત્તિ મેળવવા કામ કરતાં લોકો દેશની બરબાદીનુ કારણ છે. જો આ લોકોમાં ખરેખર લોક હિતની ભાવના હોય તો મોંઘવારી વિશે વિરોધ કરતા હોય પણ હવે આવા લોકોને ઓળખો અને જાકારો આપો એમ જણાવ્યું હતું.
મિટિંગમાં બોરીયાવીના રમણભાઈ, ખોજલવાસા ગામના મહેશભાઈ સહિતના યુવાનો સાથે જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઝોન કિસાન પ્રમુખ અને શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.