દિન વિશેષ: વિશ્વ સ્તનપાન સપ્તાહ
અત્યારે વિશ્વભરમાં ''વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીક'' એટલે કે ''વિશ્વ સ્તનપાન સપ્તાહ'' ની ઉજવણી ચાલી રહી છે. વલ્ડ એલાયંસીસ ફોર બ્રેસ્ટ ફીડીંગ એક્શન કે જે WABA તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ''વિશ્વ સ્તનપાન સપ્તાહ''ની ઉજવણી થાય છે. ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર-પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્યતા અને ફાયદાઓથી માહિતગાર કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે.
આ વર્ષની થીમ Protect breastfeeding: a shared responsibility રાખવામાં આવી છે. સ્તનપાન બધાના અસ્તિત્વ, આરોગ્ય અને સુખાકારીમાં કેવી રીતે ફાળો આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી આ થીમ છે. આજની દુનિયાના તમામ માતા-પિતાને સામેલ કરવા માટે આ સ્લોગન પસંદ કરાયું છે. સ્તનપાન એ માતાનો વિશેષાધિકાર છે પરંતુ જ્યારે તેને બાળકના પિતા, વાલીઓ, પરિવાર, કામકાજના સ્થળ અને સમુદાયનો સપોર્ટ મળે છે ત્યારે સ્તનપાન કરાવતી માતાઓની સંખ્યામાં વધારો થાય છે.